એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી

પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ – રાવજી પટેલ

ધીરે રહી પમરતું પ્રભાતિયું, ને
માંચી મહીં બચબચ્યું શિશુ. કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો’ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે. સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો
ભીની જગા કલકલી ઊઠી—સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં…

– રાવજી પટેલ

કહે છે કે શીર્ષક રચનાપ્રવેશ માટેની કૂંચી છે. પ્રસ્તુત રચના આ પૂર્વધારણાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શીર્ષક ન હોય તો આ રચનામાં બેને બે ચાર કરવું દોહ્યલું થઈ પડે. પરોઢનો સમય તો પ્રથમ પંક્તિ વાંચતા સમજાઈ જાય, પણ શિયાળાની સવારે જીવનની સાંજે આવી ઊભેલ એક વૃદ્ધ તાપણી પાસેથી હૂંફ મેળવતાં આ વાત આપણને કહી રહ્યો છે એ હકીકત શીર્ષકની સહાય વિના શી રીતે સમજાય? અને સૉનેટની ભાષા તો જુઓ! માંચી-બચબચ્યું-ઘટ-ઉતાવળી ગરગડી-સણકોરવાયો-કલકલી-સાંઠી –આ શબ્દો રાવજી સિવાય સૉનેટમાં પ્રયોજવાનું ગજું તો ઉમાશંકર કે સુન્દરમ્ જેવા સૉનેટસ્વામીઓનું પણ નહીં! આ તળપદી ભાષાના કારણે ગ્રામ્યજીવનની સવારા વધુ હૃદ્ય અને વધુ સજીવ બની છે.

શિયાળાની સવારે પથારી છોડવી એ કેટલું મુશ્કેલ કાર્ય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. અહીં પણ એવા જ એક પ્રભાતની વાત છે. આળસ છોડવી અઘરી લાગતી હોય એમ પ્રભાત પણ ધીમે ધીમે પમરે છે. પારણામાં બાળક ક્ષણેક બચબચ કરે છે એ સિવાય આખી દુનિયા શાંત છે. બાળકનો અવાજ સાંભળીને એકાદ કૂતરું અને જાણે કે એ મિષે આખો માર્ગ ઘડીભરા સળવળીને વળી શાંત થઈ જાય છે. ક્યાંકથી કોઈક તંબૂરનો તો પાદરના કૂવેથી ગરગડીનો સ્વર આ રિક્ત શાંતિમાં થોડો થોડો ચણભણાટ કર્યે રાખે છે. બહુ ઓછી પંક્તિમાં શિયાળાની સવારના ગામડાનું શબ્દચિત્ર આલેખી કવિ તાપણીનો અગ્નિ સંકોરાય છે એજ રીતે વાત સંકોરીને સુકાન ફેરવે છે. મનમાં કોઈકની યાદોનું વલોણું ફરવું શરૂ થાય છે. દૂરની સીમમાં સૌ ગમાણો ચાલી ગઈ જેવા અનૂઠા વાક્યપ્રયોગથી કવિ ગાયોનું જતન કરનારી સીમની પેલે પાર ચાલી ગઈ હોવા તરફ ઇંગિત કરે છે. લાગણીની ભીનાશ અને સ્પર્શની હૂંફ બંને અનુભવાય છે. જનાર વ્યક્તિનો હાથ કઠોર થઈ ગયેલ કાયા ઉપર વહાલથી ફરતો અનુભવાઈ રહ્યો છે. પણ આ સ્મરણસ્વર્ગમાં વધુ સમય રહેવા મળે એ પૂર્વે તો પૂર્વમાં સૂર્ય જાણે કે કટાણે ઊગી નીકળતાં કથકને વાસ્તવની ધરતી પર નાછૂટકે પાછા ફરવું પડે છે. સંકારાયેલ તાપણીની રાખમાં વિગત સ્વજનની સ્મૃતિ ખોળવા સિવાય હવે વૃદ્ધ કરેય શું! ગામ આખું રજાઈ તળે કેદ હોય એવા સમયે જીવનસાથીની હૂંફ અને સાથ તાપણામાંથી મેળવવાની વૃથા કોશિશ કરતા વૃદ્ધની વેદના આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી…

કેવું અદભુત સૉનેટ!

(માંચી= પારણું)

10 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    September 5, 2024 @ 11:47 AM

    લાજવાબ તળપદા શબ્દો પ્રયુક્ત જાજરમાન સોનેટ .. રાવજીની ચેતનાને વંદન

  2. Vinod Manek 'Chatak' said,

    September 5, 2024 @ 11:47 AM

    લાજ વુંવાબ તળપદા શબ્દો પ્રયુક્ત જાજરમાન સોનેટ .. રાવજીની ચેતનાને વંદન

  3. Mita mewada said,

    September 5, 2024 @ 12:15 PM

    ખરેખર અદ્ભુત રચના

  4. Uma Sharad Doshi said,

    September 5, 2024 @ 12:23 PM

    રસ દર્શન કાવ્ય ને નિખારે છે.

  5. Uma Sharad Doshi said,

    September 5, 2024 @ 12:29 PM

    કાવ્ય નુ સૌંદર્ય રસ દર્શન થી નિખરે છે

  6. gaurang thaker said,

    September 5, 2024 @ 1:15 PM

    વાહ વાહ … સૉનેટ તો સરસ જ પણ આસ્વાદ તો અદભૂત..

  7. kishor Barot said,

    September 5, 2024 @ 6:14 PM

    અદ્ભૂત સોનેટ.

  8. Lata Hirani said,

    September 5, 2024 @ 8:54 PM

    સલામ કવિને

  9. Pinki said,

    September 6, 2024 @ 10:17 AM

    વાહ શિયાળાની પરોઢ નું સુંદર શબ્દચિત્ર !!

  10. સં. said,

    September 7, 2024 @ 11:32 PM

    સુંદર સોનેટ
    ટચૂકડો તોય સરસ આસ્વાદ
    આના વિશે તો વિગતે આસ્વાદ કરવો જોઈએ
    🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment