હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

તા. ૧૫-૧૧-૬૩ – રાવજી પટેલ

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –

દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..

– રાવજી પટેલ

એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……

11 Comments »

  1. Jayshree said,

    August 29, 2010 @ 2:08 AM

    કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
    સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
    વખત મળતો નથી;
    હું મને જડતો નથી.

    કવિ એ જાણે પોતાની નહીં પણ બધાની જ વાત કરી દીધી..!! થોડે-ઘણે અંશે….

    અને આ વિવેકના આસ્વાદમાં – કદીમદી – વાંચીને કેટલું ખુશ થઇ જવાયું..!

  2. વિવેક said,

    August 29, 2010 @ 2:19 AM

    માફ કરજે, જયશ્રી.. આ આસ્વાદ તીર્થેશે કરાવ્યો છે…

    કવિતા પહેલી નજરે અછાંદસ લાગે છે પણ ગાલગાલાના કાચા-પાકા આવર્તનોથી થયેલું આ છંદોબદ્ધ સર્જન છે- આઝાદ નઝમ જેવું…

  3. Bharat Trivedi said,

    August 29, 2010 @ 9:04 AM

    રાવજીની “મારું દુઃખ” કાવ્ય વાંચ્યુ ત્યારે મને આ કાવ્યની યાદ આવી ગઈ હતી. આ કાવ્ય વિષે તો ઘણું લખી શકાય પણ તેમ કરવું નથી.

    કવિતા સ્વાન્તઃ સુખાય (અહી દુ;ખાય?) લખાતી હોય છે તેવું સાંભળવા મળતું હોય છે પરન્તુ આજનો “કવિ” કવિતા પુરી બની પણ ના હોય ત્યાં તો તેને છપાવવાની પેરવીમાં પડી ગયો હોય છે!

    અહીં કેવળ સ્વગતોક્તિ છે ‘કવિત લવરી’ કરવાની ખેવનાથી સાવ જ ઉપર ઉઠીને થતી વાત છે. એક બીજી વાત એ કે કવિતા અનુભૂતિથી સર્જાતી ઘટના છે. એ વિના બનતું બધું પસ્તીનીય માર્કેટ વેલ્યૂ ઓછી કરતું હોય છે. આ કાવ્ય અનુભૂતિથી થતી કવિતાનો એક ઉત્તમ નમૂનો છે.

    રાવજીની કવિતા સામે હોય ત્યારે કવિતા/અકવિતા વિષે વિચારી બેસાય છે. એક જમાનો હતો રાવજી અને હું કવિતા/અકવિતાને વાતનો વિષય બનાવી મુ. ચિનુભાઈનો કસ કાઢી લેતા. આ વેળા ચિનુભાઈને મળવાનું થયું ત્યારે અમે રાવજીને ધણો ઘણો યાદ કર્યો હતો.

    ભરત ત્રિવેદી

  4. Kirtikant Purohit said,

    August 29, 2010 @ 11:12 AM

    આપણા સિધ્ધ્હસ્ત કવિની એક સિધ્ધ રચના. સાથે આસ્વાદ પણ સરસ રહ્યા.

  5. Ruchir Pandya said,

    August 29, 2010 @ 11:33 AM

    રાવજી હાડોહાડ કવિ હતો. તેના લય માટે તો પ્રશ્ન જ નથિ પણ અછાંદસ માં પણ અતિ લાઘવમાં કલ્પન , પ્રતિક વગેરે દ્વારા ધાર્યું નિશાન તેણે તાક્યું છે. તેના વિષે જ્યાંથી પણ કઈ જાણવા મળે તે જાની લઉં છું. std 8 માં એક કાવ્ય આવતું -“સારસી” તેનો ઉપાડ જ અત્યંત ચોટદાર હતો “લય મારા ખેતરને શેઢે થી ઉડી ગઈ સારસી” ત્યારનું યાદ છે. તેણે એટલો સમીપ માનું છું કે તુકારે જ બોલાવે છું

    રુચિર પંડ્યા

  6. himanshu patel said,

    August 29, 2010 @ 6:41 PM

    ગુજરાતી કવિતાના લાડકા કવિની ઘનીભૂત કવિતા..લોહચુંબક જેવી જે ફરી ફરીને વાંચવા આકર્ષ્યા જ
    કરે છે.

  7. Pinki said,

    August 30, 2010 @ 12:35 AM

    ગઇકાલે જ સ્વામીજીએ SMS કર્યો’તો કે,
    when no body is not watching you,
    you can see your ‘real’ self.

    એવું જ કંઇક, રાવજી પટેલ પણ કહે છે –
    હું મુરબ્બી !
    કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !

  8. વજેસિંહ પારગી said,

    August 30, 2010 @ 12:41 AM

    રાવજી નિજત્વથી ભર્યોભાદર્યો કવિ.એના શબ્દો, એનાં કલ્પનો, એનાં પ્રતીકો- બધું જ પોતીકું ને નિજી મુદ્રાવાળું. લપટું પડી ગયેલું કશું આ કવિને ખપે નહીં. પછી એ મારી આંખે કંકુના સૂરજ હોય કે મારા ખેતરને શેઢેથી હોય… એનો પોતાનો આગવો લય જ બધે પ્રતીત થાય. રાવજીનો શબ્દ મોતના મુખમાંથી અમરત્વ લઈને જન્મ્યો છે, એટલે જ ગમે ત્યારે એને વાંચીએ ત્યારે એ જીવંત જ લાગે છે।

  9. preetam lakhlani said,

    August 30, 2010 @ 8:05 AM

    વાહ્….વાહ્….રાવજી તુ તો કાવ્ય જગતમા અમર થઈ ગયો, તને વાચુ તો એમ લાગે કે આ ફેરો સફળ થયો અને પેલા સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા તો મારે માથે થી જાય્….

  10. pragnaju said,

    August 31, 2010 @ 7:47 AM

    દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
    હું ભેળવી શકતો નથી સહુમાં;
    ફૂલની ફોરમ સમો એ તે બને ?!
    ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
    એને હવે પકડું
    નહિ તો…..
    ખૂબ સરસ
    આધ્યાત્મિક ચિંતન કરતા તો વિસ્તારથી લખી શકાય પણ ટૂંકમા કુડલીની જાગૃત થતા ૨૪મી અહંકારની કાંચળી ઉતરે.

  11. વિહંગ વ્યાસ said,

    August 31, 2010 @ 12:23 PM

    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment