અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ભગવતીકુમાર શર્મા

ઢોલિયે – રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…

– રાવજી પટેલ

રાવજીની કવિતામાંથી મૃત્યુની હારોહાર અદમ્ય જાતીય વૃત્તિનો અણસારો પણ સતત મળતો રહે છે. કદાચ કાચી વયે ટીબીની, એ સમયની અસાધ્ય બિમારીના કારણે થયેલી શરીરની પાયમાલી સામે આદિમ વૃત્તિનો રોક્યો રોકી ન શકાય એવો હણહણાટ આ માટે જવાબદાર હશે.

સાસરામાં પોતીકાપણું ન અનુભવવાની ફરિયાદથી શરૂ થતી રચના રતિક્રીડાની આરત અને તડપ સુધી પહોંચે છે. ઢોલિયામાં પડ્યે-પડ્યે એ સાસરિયાંવની ગતિવિધિનો મૂક પ્રેક્ષક બનતો પડી રહ્યો છે, પણ ભીતરથી પત્નીનો અવાજ આવતો સુણીને એ પાંપણ બીડીને દરવાજો હળવેથી ખોલે છે. દરવાજો ખોલવાની ચેષ્ટા પત્નીના દુર્લભ દર્શનની તાલાવેલી સૂચવે છે, પણ દરવાજાની પેલે પાર એ દર્શન થનાર નથી એની ખાતરી પણ હોવાથી પાંપણ વાસી દઈને પત્નીને એ તાદૃશ પણ કરે છે. બે નાની અમથી ચેષ્ટામાં કવિ કેવી અદભુત રીતે કાવ્ય સિદ્ધ કરે છે! વિરહથી વેદનાસિક્ત દિવસ કાંટાની જેમ ભોંકાઈ રહ્યો છે, રાત ઊતરી આવનાર છે પણ પ્રિયાના કોઈ સગડ નથી. કાવ્યાંતે ‘આવેગ’ના બે ભાગ કરીને કવિએ બે અર્થ નિપજાવીને પણ કમાલ કરી છે.

અને જો જો હં… આ કંઈ અછાંદસ કાવ્ય નથી… ગાગાગાગાના આવર્તનો સાથે કટાવ છંદમાં લખાયેલી આ રચનાનો પ્રવાહી લય રચનાને મોટા અવાજે વાંચશો તો તરત અનુભવી શકાશે…

8 Comments »

  1. હરિહર શુક્લ said,

    October 11, 2020 @ 5:45 AM

    લયનું ય એક ઉન્માદી ઘેન 👌👌👌

  2. વરૂણ આહીર said,

    October 11, 2020 @ 6:32 AM

    ખુબ જ સુંદર અભિવ્યક્તિ…

  3. Poonam said,

    October 11, 2020 @ 10:17 AM

    કહો તમારા ઘરમાંથી વળી
    તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું? Hummm…

    Aasawad pravahi lay… 👌🏻

  4. Neha said,

    October 11, 2020 @ 11:46 AM

    આ કવિતાની સુગંધ જુદી છે. નિર્વિકારે પ્રિયા-આસક્તિનું વર્ણન કરી દીધું..

  5. Shah Raxa said,

    October 12, 2020 @ 12:48 AM

    વાહ. કવિતા અને આસ્વાદ હૃદયસ્પર્શી..

  6. pragnajuvyas said,

    October 12, 2020 @ 10:26 AM

    રાવજી પટેલનુ સુંદર ઊર્મિકાવ્ય,
    ડૉ વિવેકનો અનુભવી શકાય તેવો હૃદયસ્પર્શી. આસ્વાદ

  7. Dilip Chavda said,

    October 13, 2020 @ 12:22 PM

    વાહ સુંદર કાવ્ય સાથે સુંદર આસ્વાદ માણવા મળ્યો

  8. Rajul said,

    October 15, 2020 @ 11:21 AM

    વંદન..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment