વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૩ : પીડાની ક્રીડાઓ

બધાં જળનો
કૈં બરફ થતો નથી.

મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું

પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી

બધું જળ
કૈં બરફ થતું નથી

*

ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું

હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું

પણ નથી થતી
બધીય હવા વંટોળ

*

કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો

કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં

ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં

કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં

ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં

હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.

*

કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?

બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
.                            રહે ધ્રાસકો.

કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?

*

આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
.                            છાતી નથી.

*

કેટલાંક સુખની
.           કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
.           કવિતા થઈ શકતી નથી.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.

કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.

4 Comments »

  1. પીયૂષ ભટ્ટ said,

    June 22, 2024 @ 2:00 PM

    કેટલીક સંવેદન શીલ અનુભૂતિઓને શબ્દમાં ઢાળવામાં ઘણીવાર મર્યાદાઓ નડતી હોય છે. સંવેદનશીલ માણસ તરીકે આપણે ટૂંકા પડીએ છીએ. કદાચ ન કંડારી શકાય. કવિ માટે सिर्फ एहसास, બની ને રહી જાય, सिर्फ रुह से महसूस करो.
    સુખની કવિતા કરવી નથી, ને દુઃખની થઈ શકતી નથી. આ અવ્યક્ત રહેલી અનુભૂતિની પીડાનું કંઇક અંશે આવું જ છે. કવિશ્રી આ પીડાને પંચેન્દ્રિયથી અતિક્રમવા મથે છે પણ અવ્યક્ત રહેલી અનુભૂતિ માટે લાચારી સિવાય કશું રહેતું નથી. આ અતિ સૂક્ષ્મ સંવેદન અહીં અછાંદસ સ્વરૂપે ઠલવાયુઁ છે.

    અખૂટ જળ છે, ભરવું પણ છે, છૂટી શકે એવું પણ નથી, પાત્ર પણ છે, પ્રયત્ન સતત ચાલુ છે, છતાં પણ બધી સંવેદનાઓ થીજી શકતી નથી. લાખો મરણિયા પ્રયત્નો પછી યે હવાને વંટોળમાં પરિવર્તિત કરી ઝડપી ગતિ આપી શકાતી નથી. ગમે તેટલું મથવા છતાં દરેક જમીનમાં બીજ વાવી જંગલો ઉભા કરી શકાય નહીં. સમગ્રતા પૂર્વક નાં પ્રયત્નો પછી ય સંબંધોમાં રહેલો અવકાશ ભરી શકાય નહીં. આપોઆપ પ્રગટી જતી લાગણીની આગ કે તણખો ય અનુભવાય પણ છતાં પણ વ્યક્ત નથી. કવિ આ સાર્વત્રિક સામાજિક પીડાને પંચેન્દ્રીયથી અનુભવે છે, પણ વ્યક્ત થઈ શકતાં નથી, એ જ તો કવિની લાચારી છે.

    કસાયેલી કલમમાંથી અવ્યક્ત સંવેદન જ્યારે કોઈપણ સ્વરૂપે વ્યક્ત થવા ઈચ્છે તો પણ પ્રાસ, અનુપ્રાસ અને શબ્દોનું લાવણ્ય અનોખી રીતે લયાત્મક થઈ કાવ્યને અર્થ ગાંભીર્ય બક્ષે છે. અહીં હર્ષદ ચંદારાણાની રચનામાં તે સુબદ્ધ રીતે સિદ્ધ થાય છે.
    સરસ કાવ્ય પસંદગી અને ઉત્તમ આસ્વાદથી લયસ્તરો નું સ્તર ઉચ્ચતમ શિખર સર કરે છે. અભિનંદન સહ સલામ.

  2. Jigisha Desai said,

    June 22, 2024 @ 2:31 PM

    Adbhut….

  3. Dhruti Modi said,

    June 23, 2024 @ 1:59 AM

    રચના સુંદર છે પણ સમજવી અઘરી છે ! પણ વિવેકભાઈએ કહ્યું એ પ્રમાણે ૌપાંચ ઈન્દ્રિયોમાં વહેંચીને ભાવકો માટે સરળ બનાવી છે .
    બધું જ જળ બરફ થતું નથી પાત્ર છે એટલે જળ ભરે છે બાકી બધું જળ બરફ થતું નથી.
    હવા તો ઘણી છે પણ તેથી તે વંટોળ બની જતો નથી
    આમ જળ અને વાયુની વાત થઈ
    જમીન છે પણ બધી જમીન પર જંગલ નથી ઉગતા જળ, વાયુ , જમીન પછી છે અવકાશ. જે ભરી શકાતો નથી અંતે અગ્નિ આ પંચ તત્વોથી બની છે આપણી કાયા !
    પણ કવિ અંતે કહે છે
    કેટલાંક સુખની કવિતા કરવી નથી
    કેટલાંક દુ:ખની કવિતા થઈ શકતી નથી
    એજ જીદંગી છે જે સમજવી અઘરી છે!

  4. Poonam said,

    June 27, 2024 @ 4:25 PM

    Panch Tatvo… Adhbhut ! 👌🏻

    કયારેક પાણીથી
    કયારેક વાણીથી…..સીંચી લઉં…

    કેટલાંક સુખની
    . કવિતા કરવી નથી.
    કેટલાંક દુ:ખની
    . કવિતા થઈ શકતી નથી.

    – હર્ષદ ચંદારાણા – Je baat !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment