(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૨: આજ રે સપનામાં મેં તો
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાં’તાં રે.
ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.
જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.
પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.
લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે.
પ્રસ્તુત લોકગીતમાં કોડભરી કન્યાના ઢગલાબંધ અરમાન નાનાવિધ સ્વપ્નોના પ્રતીક દ્વારા વ્યક્ત થયા છે. ડોલતા ડુંગરથી શરૂ કરીને ગુલાબના ગોટા અને એની ફોરમ સુધી નવોઢાના સપનાંનો વ્યાપ વિસ્તરે છે અને પાછળથી આ સૌંદર્યદૃશ્યો સાથે સસરાથી માંડીને પતિ અને પોતાની જાત સુધીનો આકર્ષક સંબંધ જોડવામાં આવ્યો છે.
Jayshree said,
July 6, 2009 @ 1:04 AM
આ ગીતની પ્રથમ પંક્તિ તો હંમેશા યાદ રહી છે, પણ ટહકો પર જ્યારે આ લોકગીત સંગીત સાથે મુકેલું, ત્યારે મેં આખું લોકગીત પ્રથમવાર વાંચેલું..! ફરીથી એકવાર વાંચવાની મઝા આવી..!
Kirtikant Purohit said,
July 6, 2009 @ 2:07 AM
આ તો ગુજરાતનું ગરવું લોકગીત .કોણે ન સાંભળ્યું ?
sapana said,
July 6, 2009 @ 8:58 AM
સરસ લોકગીત.
વિવેકભાઈ મેં આ કાવ્ય(છંદ નથી એટલે કાવ્ય કહું છું) લખ્યું હતું.આને લોક ગીત કહેવાય્?લોક ગીત માટે નિયમો હોય છે? ફરી એક વાર અભિનંદન!
કાંટાળો માર્ગ
પ્રીતનો માર્ગ છે કાંટાળો ઓ સાહેબા,
પાનીયું તમારી સંભાળો ઓ સાહેબા.
મહેંદીના રંગ ઊતર્યા ઓ સાહેબા,
મહેંદી ઘૂંટીને પ લાળો ઓ સાહેબા.
પંખિડા આઘે નીકળી ગ્યા ચણવા,
હુનો હુનો પડ્યો માળો ઓ સાહિબા.
નદિયું ઉભરાણી રે વહાલની,
બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.
મેઘલા વરસે મન મૂકીને ચોધાર,
તરસ્યા રુદડા પ લાળો ઓ સાહેબા.
ઇમા મારું રુદ્ડુ છે બંધ સાહિબા,
તન મારું હાચવીને બાળો ઓ સાહેબા.
સપનાંની આંખ્યું નીતરે આંહુડાથી,
રુમાલ તમારો પલાળો ઓ સાહેબા.
સપના
pragnaju said,
July 6, 2009 @ 5:28 PM
લોકગીતની આ પંક્તીઓ
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.
…જેટલી વાર ગાઈએ
લાગણીભીના થઈ જવાય
PRATIK MOR said,
July 7, 2009 @ 8:06 AM
nice one.
વિવેક ટેલર said,
July 8, 2009 @ 9:25 PM
પ્રિય સપનાબેન,
આપનું કાવ્ય લોકગીતના ઢાળમાં છે પણ લોકગીત એ ત્યારે બને જ્યારે એ લોકોના કંઠમાં જ સચવાય અનેઈ એની નીચે કવિ તરીકે આપનું નામ ન હોય.
હું બહારગામ છું એટલે પ્રતિભાવ આપવામાં વિલંબ થયો છે…
વિવેક said,
July 10, 2009 @ 12:19 AM
પ્રિય સપનાબેન,
છંદ નથી એટલે કાવ્ય કહું છું એ વાત પણ સમજાઈ નહીં…