(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૭: પાણી ગ્યાં’તાં રે
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
તળાવે પાણી ભરવા ગયેલી સ્ત્રીનું જરાક જ જો બેડું નંદવાઈ તો એને ઘરમાં કોણ કોણ લોકો વઢશે એની ચિંતા થઈ જતી. સાસરે ગયેલી દરેક સ્ત્રીનું મન ઘરમાં બધું પોતીકું લાગે એ પહેલા (અને પછી પણ) થોડેવત્તે અંશે આવું જ થોડું થોડું બીકણ બની જાય છે (કમ સે કમ શરૂ શરૂમાં 🙂 )… કે ઘરમાં મારાથી જો આ ફૂટી ગયું કે ફલાણું તૂટી ગયું કે કોકનું મન સાચવવાનું છૂટી ગયું, તો સાસુમા કે જેઠાણીજી શું કહેશે… સસરાજી કે જેઠજી કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ… વગેરે જેવી અટકળોમાં અટવાયા કરે છે. પરંતુ દિવસે બધાના મન સાચવવામાંથી ઊંચી ન આવતી સ્ત્રીને જ્યારે રાતે એનો પતિ પ્રેમથી જરાક જ જો કંઈ પૂછે ત્યારે એ પોતાનું બધું દુખ ભૂલી જાય છે. હજી આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રી માટે ઘરનું આવું વાતાવરણ જોવા મળે જ છે. મને લાગે છે કે કદાચ આવી સ્ત્રીઓએ જ આવા લોકગીતો બનાવી કાઢ્યા હશે અને સાસરાનાં દુ:ખની વાતોને ગીતમાં ગાઈને ખંખેરી નાંખીને હળવી થઈ ગઈ હશે. આવા લોકગીતોમાં આપણને જે તે સ્થળ અને સમયની સંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે.
લોકગીતોની એક વિશેષતા એ છે કે લોકોની જીભે સહજ રીતે ચડી ગયેલાં આ લોકગીતો મોટેભાગે નારીપ્રધાન જ જોવા મળે છે. કદાચ ખૂબ જ જૂજ લોકગીતો પુરુષપ્રધાન જોવા મળશે (મને તો જો કે કૃષ્ણગીતો સિવાય એકેય યાદ નથી આવતું!). એનું એક કારણ- પુરુષપ્રધાન સમાજમાં લોકગીતો એ સ્ત્રીઓ માટે પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે… કદાચ…
sapana said,
July 9, 2009 @ 10:23 AM
સરસ ગીત વાવડિના પાણી યાદ આવ્યા.
સપના
pragnaju said,
July 9, 2009 @ 6:44 PM
મૉટેથી રમુજથી-આનંદથી ગવાતી પંક્તીઓ
મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.
……………ઘણાના મોઢા પર શરમના શેરડા દેખાતા
ધવલ said,
July 9, 2009 @ 11:15 PM
મારે માટે નવુ જ ગીત !
વિવેક said,
July 10, 2009 @ 1:43 AM
લોકગીતોમાં સ્ત્રીઓનો અવાજ વધુ બુલંદ જોવા મળે છે એનું મુખ્ય કારણ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ માટે લોકગીતો પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે એ કદાચ નથી… લોકગીત પણ કોઈક કવિના હૃદયમાંથી જ જન્મે છે અને ઈતિહાસ પર નજર કરશો તો કવિ Vs કવયિત્રીની સંખ્યામાં રહેલો નોંધપાત્ર તફાવત સાફ દેખાશે. એમ કહી શકાય કે મોટાભાગના લોકગીતો પણ પુરુષોએ જ રચ્યા હશે અને છતાં પણ લોકગીતોમાં સ્ત્રીઓ વધુ નજરે ચડે છે કારણકે…
આપણો સમાજ ભલે પુરુષપ્રધાન હોય પણ આપણા સમાજની વ્યવસ્થા એવી છે કે પુરુષ બહુધા એકઆયામી વ્યક્તિત્વ ધરાવે છે જ્યારે સ્ત્રી બહુઆયામી… સ્ત્રીના એટલા બધા ભાતીગળ અને રંગરંગીન સ્વરૂપો સતત આપણી ચારેતરફ જોવા મળે છે. પહેરવેશના ‘ઓપ્શન્સ’ હોય કે ઘરેણાંના કે પછી કેશકલાપના – આ બધામાં સ્ત્રી પાસે જેટલું વૈવિધ્ય છે એનો એક ટકો પણ પુરુષ પાસે નથી… સામાજિક રીતિરિવાજોમાં પુરુષ જેટલો પાછળ દેખાય છે, સ્ત્રી એટલી જ આગળ… સ્ત્રીની સંવેદનશીલતા અને મુખરિતતા પણ વધુ જોવા મળે છે… શોષણ પણ સ્ત્રીઓનું જ વધુ થાય છે… અને એટઓલે જ કદાચ આ ગીતોમાં સ્ત્રીઓ જ વધુ નજરે ચડે છે…