આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

લોકગીતોત્સવ: ૦૭ : સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો,
રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! દાદાનો દેશ જો, દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદા છોડવશે.
દાદે દીધાં રે સોનલ! ધોળુડાં ધણ જો, ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! કાકાનો દેશ જો, કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.
કાકે દીધાં રે સોનલ! કાળુડાં ખાડુ જો, કાળુડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! વીરાનો દેશ જો, વીરાનો દેશ જો,
સોનલે જાણ્યું જે વીરો છોડવશે.
વીરે દીધાં રે સોનલ! ધમળાં વછેરાં જો, ધમળાં વછેરાં જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! મામાનો દેશ જો, મામાનો દેશ જો,
સોનલે જાણ્યું જે મામો છોડવશે.
મામે દીધાં રે સોનલ! વેલ્યું ને માફા જો, વેલ્યું ને માફા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! સ્વામીનો દેશ જો, સ્વામીનો દેશ જો,
સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.
સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો, માથા કેરા મોળ્યું જો,
ધબકે છૂટી રે સોનલ ગરાસણી.

વાત સોનલ ગરાસણીના અપહરણની છે. સોનલને છોડાવવા દાદાએ લૂંટારાઓને દીધેલાં ‘ધોળુડાં ધણ’ (ગાયો), કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’ (ભેંસો), વીરાએ દીધેલાં ‘ધમળાં વછેરાં’ ને મામાએ દીધેલાં ‘વેલ્યું ને માફા’ (ગાડાં) ફોગટ ગયાં. પણ સ્વામીએ શું કર્યું? કશું આપવાને બદલે પોતાનું માથું જ હોડમાં મૂક્યું. ત્યારે જઇને સોનલ લૂંટારાઓના હાથમાંથી તાબડતોબ છૂટી!

પહેલી નજરે અપહરણની કથામાં પતિ-પત્નીના નૈકટ્ય઼ની વાત કેટલી નાજુક રીતે વણાયેલી છે એ જોવાનું રખે ચૂકતા… બીજા બધા તો કશું ને કશું આપશે પણ પોતાનો માણસ તો જાન જ કાઢીને આપશે !!

5 Comments »

  1. pragnaju vyas said,

    December 11, 2017 @ 7:42 AM

    સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો, માથા કેરા મોળ્યું જો,
    ધબકે છૂટી રે સોનલ ગરાસણી.
    મા ધવલભાઇની હાઉ હાચી વાત- આછી કથાતંતુવાળાં લોકગીતોમાંથી દાંપત્યજીવનનાં ચિત્રો પણ મળે છે. જેમાં ક્યારેક પુરુષની પૌરુષેય ખુમારી તો ક્યારેક સ્ત્રીની કરુણ ખુવારી પ્રગટ થઈ છે. ‘કેથાર્સિસ’ સાધવા પ્રયત્ન કર્યો છે. ક્યાંય પણ વ્યકત ન થઈ શકાય તેવી સ્થિતિને લોકગીતે વાચા આપી છે.’
    આવાં વિપ્રલંભ શૃંગારનાં લોકગીતોથી આપણું લોકસાહિત્ય ખરા અર્થમાં પ્રણયની ઊંડી અનુભૂતિ-આશા-પ્રસન્ન જીવનનો આશાવાદ પ્રચ્છન્ન રૂપે પડેલો તો હોય !
    લોક ગીતો અને તેમા દર્શાવાતા સ્ત્રીના બહુધા અંતરંગો ભલે એક નજરે કરુણતા સભર લાગતા પરંતુ એક વાત સક્ષમ છે કે આવા જ લોકગીતોએ સ્ત્રીની મનોદશાને સરેરાશ છતી કરી છે. સ્ત્રીને બહુ ધીમી પરંતુ બહુ મક્કમ ગતી થી અનેક પરંપરાગત રુઢીવાદી બંધનો અને ધારણાઓ માથી બહાર લાવી છે ને હજી પણ ચાલુ જ છે

  2. સુરેશ જાની said,

    December 11, 2017 @ 9:08 AM

    બીજા બધા તો કશું ને કશું આપશે પણ પોતાનો માણસ તો જાન જ કાઢીને આપશે !!
    ———
    એ વિશ્વાસ અને એ ‘Platonic love’ – વીસરાઈ ગયેલી વાત. હવે તો ન્યુક્લિયર કુટુમ્બોમાં પણ રોજે રોજ અંદર અંદરના ગજગ્રાહ – ટકરાતા અહં અને તેજોદ્વેષ.
    અગાઉ કહેલી વાતનું પુનરાર્તન …. સાહિત્ય જીવાય તો જ સાચું.

  3. Jayendra Thakar said,

    December 11, 2017 @ 12:49 PM

    Not related to the post…પણ લોકગીતોમાં ફટાણા (જે લગ્ન વખતે ગવાતા) જોવા મળશે કે?

  4. સુરેશ જાની said,

    December 11, 2017 @ 2:56 PM

    સાત આ રહ્યાં –
    http://archive.readgujarati.in/sahitya/?p=1181

  5. Shivani Shah said,

    December 11, 2017 @ 9:55 PM

    Popular ફટાણા :
    મોર તારી સોનાની ચાંચ મોર તારી રુપાની ચાંચ
    સોનલાની ચાંચે મોરલો ચારો ચરવા જાય…

    એક ઉંચી અટારીએ બેઠા બનાબેની
    દાદાએ હસીને બોલાવીયા
    કેમ કેમ રે બેની તારી દેહ દુબલડી
    આંખલડી અશ્રુ ભીની
    નથી નથી રે દાદા મારી દેહ દુબલડી
    આંખલડી અશ્રુ ભીની
    એક ગોરો તે છોરો ના જોશો રે દાદા
    ગોરાને નીચા નજરુ લાગશે…
    ……..
    એક કેડે પાતળીયોને મુખડે મલકતો
    તે મારી સહિયરે વખાણિયો…….

    ફટાણામાં બહુ હસાહસ થાય તો પછી છેલ્લે
    ખૂબ જાણીતુ ગીત ગવાય કે..
    મોરલી તે ચાલી રંગ રુસણે રે
    કોણ મનાવા જાય રંગમોરલી.. .

    આ બોલ્યુ ચાલ્યૂ માફ બીજું શું કહીએ..
    One gets to see both fun and sensitivity to others’ feelings…

    સોનલ ગરાસણી અને મોરબીની વાણિયણ કોઈ દિવસ school માં નહીં ગઈ હોય પણ આ બધા લોકગીતો – પ્રભાતીયા, ફટાણા વિ. લોકગીતો દ્વારા તેમની માતા , દાદી, કાકી વિ. સ્ત્રીઓએ એમના ચારિત્ર્યનું ઘડતર કર્યું હશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment