અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો...
જગદીશ જોષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મૃત્યુ વિશેષ

મૃત્યુ વિશેષ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી

japanese-woodcut-2

 

સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.

– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)

 

મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.

Comments (4)

કબર જેવું – કરસનદાસ લુહાર

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– કરસનદાસ લુહાર

દરેક જન્મ એ હકીકતમાં મરણની શરૂઆત જ હોય છે. મૃત્યુને કેન્દ્રસ્થાને રાખી લખાયેલી મુસલસલ ગઝલ… છેલ્લા શેરમાં સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ આ ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે…

Comments (6)

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

Comments (8)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

તરત – ચિનુ મોદી

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”

Comments (7)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે.  મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…

આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…

*

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

– વિવેક મનહર ટેલર

Comments (17)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૨

કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા  આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

 

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

Comments (7)

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (16)

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝાર

મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને

આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત

જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને

– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)

આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે,  સમય સાથે,  મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.

પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !

કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને.  કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે  મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.

મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.

એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.

આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.

આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.

ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :

Comments (11)

પરમ સખા મૃત્યુ :૦૫: મૃત્યુ સમજમાં આવવું – રમેશ પારેખ

આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે.

– રમેશ પારેખ  (તા. ૩૦/૩/૧૯૯૫ ;  કારણ: કવિશ્રી હરીન્દ્ર દવેનું અવસાન)

જેનાં ઉપર કોઈનો કાબુ નથી એવા મૃત્યુને પણ લયનાં આ રાજવીએ ગીતમાં લયબદ્ધરીતે બાંધ્યું છે, અને એ પણ કેવી હળવાશથી !  જે થવાનું હશે એ તો થશે જ- આ સીધી સાદી વાત આપણને સાંભળવા તો ખૂબ જ મળે છે, પરંતુ એમ કહેવું અને એને ખરેખર માનવું એ બેમાં મોટો ફર્ક છે.  મૃત્યુ એમ કેમ સમજાય ?  કવિને મન પોતાની જાત એટલે કે અંધારું બોગદું અને જીવવું એટલે કે એ બોગદામાંથી-પોતાનામાંથી સોંસરવા પસાર થવું.  જીવ્યા વિના તો છૂટકો જ નથી.  અને મૃત્યુ એ બોગદાની સફરનો અંત છે.  અંતમાં તો આપણા શ્વાસોનો બોજ કોઈ બીજાનાં કાંધ પર જ જવાનો છે એટલે આપણે આપણા અસ્તિત્વને જ જો સારી રીતે સમજી શકીએ તો મૃત્યુ એની મેળે જ સમજાઈ જશે.

મને લાગે છે કે માણસને મૃત્યુનાં ભય કરતાં પણ વધુ ભય મૃત્યુ પૂર્વેની વેદનાનો હોય છે.

*

આમ તો મને ‘મૃત્યુની કવિતા’ એ શબ્દોની સાથે જ રાવજી પટેલનું ગીત સૌપ્રથમ તુરત જ યાદ આવે… જેને ધવલ આભાસી મૃત્યુનું ગીત પણ કહે છે.  આ ગીતનાં અર્થનો આગળ લયસ્તરો પર ઘણો વિસ્તાર થયો છે,  આપ સૌ વાચકમિત્રો-કવિમિત્રો દ્રારા પણ… જેને આપ સૌ આજે ફરી મમળાવી અને માણી શકો છો : (કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

Comments (9)

પરમ સખા મૃત્યુ :૦૩: શ્રીમદ્ ભગવદ્ગીતા

મૃત્યુ વિશે ભગવદ્ગીતા જે કહે છે એમાં એક પણ શબ્દ ઉમેર્યા વિના એને એમ જ આત્મસાત્ કરીએ:

 

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

न जायते भ्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूय: ।
अजो नित्यः शाश्वतोड्य पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ २०॥

આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી અથવા પૂર્વે ન હતો કે ફરી નહીં હોય, એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં મરાતો નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोड्पराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ २२॥

જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: ।
न क्गैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ॥२३॥

આ (આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

– શ્રીમદ્ ભગવદ્ગીતા (અધ્યાય બીજો, સાંખ્ય યોગ)

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

-ચુનીલાલ મડિયા

મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !

Comments (6)

પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

 

મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !

મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.

જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-

‘ You would know the secret of death.

But how shall you find it unless you seek it in the heart of life ?

For life and death are one, even as the river and the sea are one.

For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’

– Kahlil Gibran

‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.

‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘

Comments (8)