પરમ સખા મૃત્યુ :૦૫: મૃત્યુ સમજમાં આવવું – રમેશ પારેખ
આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે.
– રમેશ પારેખ (તા. ૩૦/૩/૧૯૯૫ ; કારણ: કવિશ્રી હરીન્દ્ર દવેનું અવસાન)
જેનાં ઉપર કોઈનો કાબુ નથી એવા મૃત્યુને પણ લયનાં આ રાજવીએ ગીતમાં લયબદ્ધરીતે બાંધ્યું છે, અને એ પણ કેવી હળવાશથી ! જે થવાનું હશે એ તો થશે જ- આ સીધી સાદી વાત આપણને સાંભળવા તો ખૂબ જ મળે છે, પરંતુ એમ કહેવું અને એને ખરેખર માનવું એ બેમાં મોટો ફર્ક છે. મૃત્યુ એમ કેમ સમજાય ? કવિને મન પોતાની જાત એટલે કે અંધારું બોગદું અને જીવવું એટલે કે એ બોગદામાંથી-પોતાનામાંથી સોંસરવા પસાર થવું. જીવ્યા વિના તો છૂટકો જ નથી. અને મૃત્યુ એ બોગદાની સફરનો અંત છે. અંતમાં તો આપણા શ્વાસોનો બોજ કોઈ બીજાનાં કાંધ પર જ જવાનો છે એટલે આપણે આપણા અસ્તિત્વને જ જો સારી રીતે સમજી શકીએ તો મૃત્યુ એની મેળે જ સમજાઈ જશે.
મને લાગે છે કે માણસને મૃત્યુનાં ભય કરતાં પણ વધુ ભય મૃત્યુ પૂર્વેની વેદનાનો હોય છે.
*
આમ તો મને ‘મૃત્યુની કવિતા’ એ શબ્દોની સાથે જ રાવજી પટેલનું ગીત સૌપ્રથમ તુરત જ યાદ આવે… જેને ધવલ આભાસી મૃત્યુનું ગીત પણ કહે છે. આ ગીતનાં અર્થનો આગળ લયસ્તરો પર ઘણો વિસ્તાર થયો છે, આપ સૌ વાચકમિત્રો-કવિમિત્રો દ્રારા પણ… જેને આપ સૌ આજે ફરી મમળાવી અને માણી શકો છો : (કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ
sudhir patel said,
December 9, 2011 @ 11:04 PM
સુંદર ગીત દ્વારા મૃત્યુની અદભૂત અભિવ્યક્તિ!
સુધીર પટેલ.
Lata Hirani said,
December 11, 2011 @ 8:48 AM
ર.પા.નો લહેકો અને મસ્તી, વાત ચાહે જીવનની હોય કે મૃત્યુની.. એક સરખા..
Chandrakant Lodhavia said,
December 13, 2011 @ 10:03 PM
December 8, 2011 at 9:00 pm by ઊર્મિ · Filed under ગીત, મૃત્યુ વિશેષ, રમેશ પારેખ
આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આ ગીતના શબ્દો થકી બીજા ગીતના શબ્દો યાદ આવે છે,
શું ધાર્યું તું થઈ ગયું શા ને બધું બોલ્યા કરે……….
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ધવલ said,
December 13, 2011 @ 10:37 PM
આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.
– સરસ !