ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!
– હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બી. કે. રાઠોડ ‘બાબુ’

બી. કે. રાઠોડ ‘બાબુ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – બી. કે. રાઠોડ ‘બાબુ’

સૂરજને આપી છે કટકી,
પડછાયા ક્યાં જાશે છટકી ?

મૃગજળ અંતે ઊંઘી જાશે,
ઈચ્છા જેવું ભટકી ભટકી…

ઈશ્વરને પૂરી પથ્થરમાં,
લોકોએ પાડી છે પટકી…

સામે છે એને ચૂમી લે,
પાછળ શું જોવાનું અટકી..?

એને કોણ મનાવે જગમાં ?
ખુદની સાથે જેને ખટકી…

કાનો-કાનો રટતા રટતા,
ભીતર “હું”ની ફૂટી મટકી..

– બી. કે. રાઠોડ “બાબુ”

સુરેન્દ્રનગરના કવિમિત્ર શ્રી બી.કે.રાઠોડને તા. 13/12/2008ના રોજ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર નેશનલ ફેલોશિપ ઍવૉર્ડ એનાયત થયો છે ત્યારે કવિને અભિનંદન પાઠવવા ઉપરાંત એમની ટૂંકી બહેરની એક હમરદીફ-હમકાફિયા ગઝલ પણ માણીએ. કોઈપણ કાવ્યપ્રકાર સભાન કે અભાન અવસ્થામાં એના સમયગાળાના સમાજનું પ્રતિબિંબ  ઝીલતો જરૂર જોવા મળે છે. અહીં મત્લાના શેરમાં જ ‘કટકી’ જેવો શબ્દ ગઝલને વધુ સમસામાયિક બનાવે છે. સર્વવ્યાપી ઈશ્વરને પથ્થરમાં કેદ કરી લઈ લોકોએ એની આબરૂ કાઢી છે એ વાત સૌરાષ્ટ્રની લોકબોલીના વાક્ય પ્રયોગ વડે કવિ સરસ કરી શક્યા છે. અને ગઝલનો અંતિમ શેર તો અનવદ્યપણે આસ્વાદ્ય થયો છે…

Comments (11)

ગઝલ – બી.કે.રાઠોડ ‘બાબુ’

ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.

કરું તો કરું વાત કેમે તમારી ?
હવા કાન દઈને બધું સાંભળે છે.

નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
બધા જેમ એ પણ મજેથી છળે છે.

મને જોઈ વળતો તમારી ગલીમાં,
તમારા તરફ કાં નજર સૌ  વળે છે?

બચાવી રહ્યો છે મને માત્ર ઈશ્વર,
નહીં તો સતત શીશ ખંજર તળે છે.

મને સાંત્વના દઈ હવે ના સતાવો,
વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.

નથી ‘બાબુ’ અમથી જ રાતી-ગુલાબી,
હૃદયની ગલીથી ગઝલ નીકળે છે…

– બી.કે.રાઠોડ ‘બાબુ’

સુરેન્દ્રનગરના ઓછાબોલા પણ જબરા પ્રેમાળ કવિ બી. કે. રાઠોડ ઓરિએંટલ ઇન્સ્યોરન્સ કંપની હસ્તક ગામ આખાના વીમાના પ્રીમિયમ જમા કરતા રહે છે પણ પોતે ગઝલની કંપનીનું પ્રીમિયમ નિયમિત અને દિલથી ભરે છે. સરળ બાનીની એમની ગઝલો વાંચીએ ત્યારે સહજ એમ થાય કે અરે, આતો મારી જ વાત ! આ પોતીકાપણાનો કાકુ પ્રગટાવવામાં એ ખાસ્સા સફળ થયા છે એની ખાતરી આ ગઝલ વાંચતાવેંત થાય એમ છે. પ્રણયની પીડાની વાત આ કવિ કેવી મધુરતાથી કહી શકે છે! – મને સાંત્વના દઈ હવે ના સતાવો… આ જખમ તો આમેય રહી રહીને કળતા જ રહે છે… એમની ગઝલ એમના હૃદયની ગલીઓમાંથી નીકળી છે અને એટલે જ લોહીભીની લાલ-ગુલાબી છે…

(જન્મ: ૦૬-૦૪-૧૯૬૫, ગઝલ સંગ્રહ: ‘અહીંથી ત્યાં સુધી…’)

Comments (10)

મને વેદના… – બી. કે. રાઠોડ ‘બાબુ’

મને વેદના એટલે સાંપડી છે,
થયો જેમનો, એમને ક્યાં પડી છે ?

સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે,
પછી શબ્દની એ સરાણે ચડી છે.

નસીબે નથી પ્રેમની બુંદ એકે,
છતાં પ્યાસ મારી બધે આથડી છે.

સિતમ સજ્જનોના મને યાદ છે સૌ,
છતાં આંખ મારી કદી ના રડી છે.

નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું,
હૃદયની કચેરી બધાંથી વડી છે.

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.

– બી. કે. રાઠોડ ‘બાબુ’

નાની અમથી પણ મજાની ગઝલ… બધા શેર ગમી જાય એવા થયા છે. પ્યાસના આથડવાની વાત વધુ સ્પર્શી ગઈ. હૃદયની કચેરીની વાત પણ. (લયસ્તરો માટે એમનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘અહીંથી ત્યાં સુધી’ પ્રેમભાવે મોકલવા માટે કવિશ્રીનો ખૂબ આભાર…)

Comments (2)