જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મહેકતી હવાઓમાં કંઈક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપી ને, લ્યો અમે તો આ ચાલ્યા
તુષાર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મયૂર કોલડિયા

મયૂર કોલડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪

લયસ્તરો પર ઘણા સમય પહેલાં મૈત્રી-વિષયક શેરો અને સુભાષિતોની સરવાણીમાં આપણે ભીંજાયા હતા… જેમને નાનકડી ટાઇમ-ટ્રાવેલમાં રસ હોય એ મિત્રો આ ત્રણ લિન્ક ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી કડી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શ્રી ચિત્રભાનુ મહારાજના હૃદયમાંથી ફૂટેલી આ સરવાણી સમગ્ર વિશ્વના મનુષ્યોના દિલની એકમાત્ર આરત છે, સંબંધ કોઈ પણ હોય, એમાં મૈત્રીભાવ હોય અને વળી એ ઝરણાંની જેમ અસ્ખલિત વહ્યા જ કરતો હોય તો જીવનમાં કેવળ શુભમંગળ જ થાય. માતા અને સંતાનનો સંબંધ તમામ સંબંધોમાં સર્વોપરી લેખાયો છે. પતિ-પત્નીનો સંબંધ જનમજનમનો નાતો ગણાવાયો છે… પણ આ તમામ સંબંધમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી આપણે જોઈ-અનુભવી છે. પણ બે સાચા મિત્રો વચ્ચે કદી સમસ્યા જન્મ લેતી નથી. અહીં સાચા શબ્દ ઉપરથી ધ્યાન હટે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાતા મિત્રો તો હજારો હોય, એની વાત આપણે ઉપરોક્ત કવિતાના સંદર્ભમાં નથી કરી રહ્યા. પણ સાચા મિત્રો વચ્ચે લાખ મતભેદ થવા છતાં કદીય ખટરાગ જન્મતો નથી, કારણ કે સાચી મૈત્રીના કમળને હક, અપેક્ષા, શંકા અને અહંકારનો કાદવ અડકી શકતો નથી-

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી જે,
પદ્મ સમ નિર્મળ અગળ ખીલી શકે એ પ્રેમ છે!

મૈત્રી દિવસના સંદર્ભે આપણે પૌરાણિક ગુજરાતી સુભાશિત-દોહાઓથી લઈને આપણા પૂર્વસૂરિઓની કેફિયત છેલ્લી ત્રણ કડીઓમાં જોઈ… પણ આજની તારીખે ગુજરાતી કવિતાના આકાશમાં જે પેઢીઓ રંગો રેલાવી રહી છે, એ પેઢીઓને પણ આ બાબતમાં કંઈક ને કંઈક તો કહેવાનું હશે જ ને! ચાલો, આપણે આજની સક્રિય પેઢીઓની કલમે મૈત્રીના નાનાવિધ આયામ ચકાસીએ…

તબીબ-કવિ હરીશ ઠક્કર સોંસરો સવાલ લઈને આવ્યા છે-

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

ગુરુઓના ગુરુ તબીબ-કવિ રઈશ મનીઆરના ખજાનામાં તો દોસ્તીના પ્લસ-માઇનસ વિશેના સેંકડો મોતી હશે, પણ એમાંથી એકાદ-બે મોતીના અજવાળે આપણે આપણો દિવસ અજવાળીએ. સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય’ વાળા સુપ્રસિદ્ધ દોહાનું પ્રતિવાક્ય પણ એમણે કેવું સ-રસ અને વેધક બનાવ્યું છે!: ‘સુખમાં પાછળ રહે એટલે કે તમારી પાછળ પડી જાય અને દુઃખમાં આગળ એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય એ મિત્ર.’ કવિ તવંગર દોસ્તોની અમીરાઈની ખાલ પણ આબાદ ઉતરડે છે:

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.

દોસ્ત, આઘાત છે, ઉઝરડા નથી
શું બતાવું નિશાન ખોલીને?

પણ એમની કલમે અવતરેલ કાળાતીત શેર આ ટાણે ન ટાંકીએ તો આખી વાત અધૂરી રહી જાય. મિર્ઝા ગાલિબના તીર-એ-નીમકશની યાદ અપાવતો એ અમર શેર આ રહ્યો:

રઈશ! આ દોસ્તો તારા, અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે.

અને એવો જ ઉત્તમ આ બીજો શેર… આપણા અદિકાવ્યની શરૂઆત જ જે પ્રસંગથી થઈ હતી, એ પ્રસંગનો રણકો આ શેરમાંથી ઊઠતો સંભળાશે. તારા પાપમાં અમે ભાગીદાર નથી એ સત્યની સમજૂતિએ વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો હતો. એ જ વાતનો પણ સાવ નોખી રીતે અહીં પડઘો પડે છે. મિત્ર હોય કે ગમે એ વ્યક્તિ હોય, કોઈએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ:

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે !?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ!

અનિલ ચાવડા દોસ્તીના સમસામયિક રંગોને ગઝલોમાં ઢાળવું વધારે પસંદ કરે છે-

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

સગાવહાલાં ગમે એવાં હશે, એ કડવું સત્ય ઉચ્ચારવાનું આવશે અવશ્ય ખંચકાટ અનુભવશે. દોસ્તી જ એક માત્ર એવો સંબંધ છે, જ્યાં મનમાં હોય એ એમનું એમ કહી દેવાની મોકળાશ હોય છે. અંકિત ત્રિવેદી ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ જ માર્મિક ટકોર કરે છે:

જિંદગીમાં દોસ્ત હોવા જોઈએ,
જેની આંખે ખુદને જોવા જોઈએ.

ચાની લારી આજના જીવનમાં જે મહત્ત્વ પામી છે, એ કવિતામાં ન આવે તો શી મજા? કિરણસિંહ ચૌહાણ શું કહે છે એ સાંભળીએ-

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

તો ગૌરાંગ ઠાકરની ફરિયાદમાં સદીઓના અનુભવનો સાદ છે:

આ બીજા છેતરે છે કેમ મને?
મારા મિત્રો મરી ગયાં કે શું?

ગ્લોબલાઇઝેશન જેમ જેમ વધતું ગયું એમ એમ માનવીનું હૈયું સાંકડું બનતું ગયું. દિલની તિજોરીમાં સંબંધોની દોલત ઓછી થતી ગઈ. જુઓ, આ સંદર્ભે વારિજ લુહારનો એક શેર-

ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી,
થોડાક મિત્રોથી હવે ગાડું ચાલવું છું.

પરંપરાના શાયર કુતુબ આઝાદ આ બાબતમાં સાચા ધની છે-

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

નેહા પુરોહિત સ્ત્રીસહજ સ્વભાવગત દોસ્તીને પ્લસ નંબરના ચશ્માથી જુએ છે:

દોસ્ત, તારા પ્રહાર ખાળી શકું,
એટલો તો ખુમાર રાખું છું!

કોની ગણના, અવગણના પણ કોની કરવી?
કોઈ મિત્ર છે અત્તર જેવા કોઈ મઘમઘ ફુલ!

દરિયા જેવું દીધું, પાછું ઝરમર ઝરમર લીધું;
દોસ્તી નામે નોખું અમરત ઘટ્ટકઘટ્ટક પીધું!

કિરીટ ગોસ્વામીનું વલણ પણ વિધેયાત્મક છે:

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે!

હરદ્વાર ગોસ્વામી ઈશ્વરની જેમ ગાયબ રહેતા દોસ્તના નામ પર મસમોટી ચોકડી મારે છે:

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

દર્શક આચાર્ય મિત્રાચારીના આભાસી અરીસાને તોડી દોસ્તીના સાચા મૂલ્યોની પરખ સમજણપૂર્વક કરવા આહ્વાન આપે છે:

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

ભાવિન ગોપાણીનો ખજાનો મૈત્રીના અણમોલ મોતીઓથી ભર્યો પડ્યો છે. એમાંય ઉદાસીના કૂવામાંથી ઉપસ્થિતિના દોરડા વડે બહાર કાઢવાની વાત કરતો શેર તો કાળાતીત થવાને સર્જાયો છે:

હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં

ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.

કહ્યાં પહેલાં જ મારી વાતને પામી રહ્યો છે એ,
નવો આ મિત્ર જાણે કે મને શૈશવથી જાણે છે

જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?

સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

હિમલ પંડ્યાની ગઝલો પણ દોસ્તીના ધનમૂલક આયામોથી ધની બની છે:

એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી
એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.

દોસ્તોના ખભા મળ્યા એથી
મન મૂકીને રડી શકાયું છે.

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો!
એ મજાઓ નીકળી તાંદૂલમાં

ઋણાનુબંધ છે નોખો, નહીં એ તૂટવા પામે
વીતેલા જન્મનું સંધાન છે, તું મિત્ર છે મારો

યુવા કવિ વિકી ત્રિવેદી જમાનાના માર ખાધેલ કવિ છે. એટલે એમના શેરોમાં એમના આત્માનુભવો પ્રતિબિંબિત થાય તો એમાં નવાઈ નથી:

મારો વિકાસ જોઈને મિત્રો ઉદાસ છે,
તલવારથી વધુ હવે ખતરો છે ઢાલથી.

માનું છું દોસ્ત હું તને ખુદા બરાબર જ,
પણ અવગણી મને તું ખુદાની નકલ ન કર.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જેતપુરના ફિઝિશ્યન જગદીપ નાણાવટીનો અંદાજ-એ-બયાં નોખો છે. ગુજરાતીઓમાં ગુજરાતીપણું ઓછું અને હિંદીપણું-અંગ્રેજીપણું વધારે જોવા મળે છે. આજના દોરની ગુજરાતી બોલીમાં તેઓ મજાનો શેર રજૂ કરે છે:

કિસ તરહા યારી નિભાઈ જાતી હૈ?
પીઠમાં ખંજર હુલાવી બોલ્યો,”યૂં”!

સંદીપ પૂજારાને સદનસીબે દર્દોની દવા બની શકે એવા સરસ યાર સાંપડ્યા છે:

જુના દોસ્તો છે, નવા દોસ્તો છે!
દરદ કોઈપણ હો દવા દોસ્તો છે!

તો સામા પક્ષે મેગી આસનાનીનો અભિગમ એકદમ વ્યવહારુ છે-

તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત;
આવી શકાય એટલું આવી ગયા અમે.

સુનીલ શાહ આમ તો સકારાત્મકતાના કવિ છે, પણ દુન્યવી અનુભવોની કડવાહટથી એમની કલમ પણ બચી શકી નથી:

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

જિગર ફરાદીવાલા દોસ્તીમાં ઘા પામ્યા હોવા છતાં ખુમારી ખુવાર ન થવા બદલ ખુશ છે:

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ, દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

જય કાંટવાલા મિત્રતાના બંને પલડાંને યોગ્ય ન્યાય આપે છે. એક તરફ શંકા નામની ઉધઈ મૈત્રીને કઈ રીતે કોરી ખાય છે એની વાત કરે છે અને બીજી તરફ જીવનમાં મિત્રોની ઉપસ્થિતિને સદનસીબ કહી સત્કારે છે:

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

કોણે કહ્યું કે દોસ્તની સંગત ખરાબ છે
જો દોસ્તી ન હોય તો કિસ્મત ખરાબ છે

મોટાભાગના સંબંધોને બહારખાનેથી એ યથાવત હોવાનો ડોળ કરીને આપણે સાચવી લેતાં હોઈએ છીએ, પણ અંદરખાનેથી આપણે સમજતાં હોઈએ છીએ કે આ સંબંધ હકીકતમાં તો ક્યારનો મરી પરવાર્યો છે. આવી ઝીણવટભરી બાબતને મયૂર કોલડિયા કેવી સરળતાથી અવલોકી શક્યા છે એ જુઓ:

મનમાં બધા સંબંધ થયા છિન્નભિન્ન પણ,
મિત્રોને માટે તો હજુ નોખો વિભાગ છે.

જેનું તખલ્લુસ જ મિત્ર છે એવા મિત્ર રાઠોડ પણ સ-રસ વાત કહે છે:

મિત્રોની એવી ભેટ મને ઈશ્વરે દીધી,
એના જ કારણે મને મારી ફિકર નથી.

પ્રશાંત સોમાણી પણ વાસ્તવિક્તા સાથે સીધું સંધાન ધરાવે છે-

કેટલો આભાર માનું હું પ્રશાંત,
આયનો સાચો બતાવે દોસ્ત તું

દોસ્તની હાજરીના મઘમઘાટ વિશે કુણાલ શાહે કેવો મજાનો શેર કહ્યો છે:

દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે?
હું અને મારી દશા બંને સુધરતાં જાય છે.

અંજના ભાવસાર ‘અંજુ’ના બે શેર પણ આ સમે આસ્વાદવા જેવા છે-

ઉદાસી, વેદના ને ભય! તમે સરનામું બદલો ભઈ,
મેં મિત્રોની દુઆઓથી મઢ્યું તાવીજ પહેર્યું છે.

હવે વાત હૈયાની રહેશે ન છાની,
કે બેઠા છે મિત્રો લઈ પ્યાલી ચાની.

‘મિત્રો, મેહફીલ, ચાની ચૂસકી, એ જ ખરું છે मम ऐश्वर्यम्।‘ કહેતા યુવાકવિ રાજેશ હિંગુની ‘દોસ્ત’ ગઝલના બે શેર પણ આસ્વાદીએ:

મહિનાનો થાક ચપટીમાં ઉતારનાર દોસ્ત,
જાણે કે પહેલીએ જમા થાતો પગાર દોસ્ત.

તારાથી મેં તો જોડી દીધો દિલનો તાર દોસ્ત!
ચાહે મને તું તાર કે કર તારતાર દોસ્ત!

અંતે દોસ્તી વિશે થોડા બીજા શેર માણીએ:

જરૂર જો પડે તો એ તલવાર પણ બને,
મિત્રોનું કામ, ફક્ત નથી ઢાલ પૂરતું.
(રાજેશ હિંગુ)

આ ઉદાસીને જરા સમજાવ તું..
દોસ્ત! જો આવી શકે તો આવ તું..
(હર્ષવી પટેલ)

બધાને ખૂબીઓ દેખાય છે ભરપૂર મારામાં,
તને જો ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
(કિશોર જિકાદરા)

ધીમી ચાલ છે, તેથી ચાલું છું પાછળ,
તને દોસ્ત, મારાથી ભય તો નથીને!
(ઉમેશ ઉપાધ્યાય)

અને અંતે દર વખતની જેમ દોસ્તી વિશેની મારી થોડી અંતરંગ લાગણીઓના લસરકા સાથે છૂટા પડીએ…

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

– વિવેક મનહર ટેલર

Comments (7)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૪

હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા

છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ

રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત

વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ

ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ

ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ

સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા

ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી

વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા

રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’

હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’

રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર

ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર

ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર

Comments (16)

(જીવન છે) – મયૂર કોલડિયા

મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.

તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.

મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે

સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.

આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે

શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.

-મયૂર કોલડિયા

જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…

મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!

Comments (26)

(જોઈએ) – મયૂર કોલડિયા

‘હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,
એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.

વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,
ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.

છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*
માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.

ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.

આટલા નજદીક આવીને પછી અળગા રહો!
જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.

આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત સાથે જાતમાં પણ કંઈક બળવું જોઈએ.

જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.

– મયૂર કોલડિયા

(*તરહી પંક્તિ: શ્રી ભગવતીકુમાર શર્મા)

સરસ મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય… મળવા જ આવો છો તો મળવું જોઈએ વાળા શેરની બારીકી તો જુઓ!

Comments (31)

દૂર દૂર જાય છે – મયૂર કોલડિયા

દ્વાર ખૂલ્યાં ને અંધારાં થાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

લાગણીનો તાર જરા તૂટ્યો કે
શબ્દોના મોતી વેરાઈ ગયાં ધૂળમાં,
ઝાંઝરીનાં ઝણઝણની ઝીણી એક શૂળ
છેક પેસી ગઈ જીવતરનાં મૂળમાં.
હવે ખાલીપો ખોળિયાને ખાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

અંદર હું ક્યાંય નહીં, બહારે હું ક્યાંય નહીં,
હોવાપણું તો હવે વહેમ છે
લાગણી તો જાણે કે મચ્છુનાં પાણી
ને પોપચાંઓ તૂટેલો ડેમ છે
હવે આંખોના દરિયા છલકાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

– મયૂર કોલડિયા

સામાન્યરીતે દરવાજા ખૂલે તો અજવાળું ઘરમાં આવે પણ અહીં વિપરીત બીના બની છે. દ્વાર ખૂલ્યાં અને અંધારું થયું. કેમ? તો કે ‘કોઈ’ કથકથી દૂર દૂર જઈ રહ્યુ છે… સંબંધના ઘરના દરવાજા ઉઘાડીને કોઈ ચાલી જઈ રહ્યું હોવાથી જીવતરમાં કાલિમા પથરાઈ રહી હોવાનું અનુભવાય છે. સમસ્યા શી થઈ? તો કે લાગણીનો તાર જરી તૂટ્યો અને બોલાચાલી થઈ… કિંમતી શબ્દો વેડફાયા. જે ઝાંઝરીની ઝણઝણનું સંગીત ઘર આખાને ચહેકતું રાખતી હતી, એ શૂળ બનીને જીવતરના મૂળમાં પેસી ગઈ છે. મચ્છુ ડેમ તૂટતાં મોરબી જેમ ધમરોળાયું હતું એમ જ નિર્બંધ આંસુઓના દરિયામાં નાયિકા ગરકાવ થઈ ગઈ છે…

Comments (18)

ગોકુલ મેલીને કરી ભારે – મયૂર કોલડિયા

શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે,
વાંસળી ભલેને રહી હારે પણ ફૂંક રહી વલવલતી યમુનાને આરે…
શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે.

હૈયામાં ઉકળે છે દરિયાનાં નીર, અને આંખોમાં વાદળનાં ગામ,
આંસુ આવે તો કા’ન કેમ કરી સારવાં? પાંપણ પર તારો મુકામ.
દરિયામાં ડૂબતાની લાશને તું તારે, હું તો તારામાં ડૂબી, તું તારે?

આંખો ખોલું તો બધે તું જ તું છે, શ્યામ, અને આંખો મીંચું તો બધું શ્યામ.
આમ તો તું આંખોથી દૂર દૂર દૂર, અને આમ તો તું હૈયાને ધામ?
પડછાયો, કાજળ કે કીકી થઈને, હજુ શ્યામ તું રહે છે મારી હારે.

– મયૂર કોલડિયા

સહજ અને સુંદર….

Comments (26)

(ટહુકામાં એની ટપાલ) – મયૂર કોલડિયા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ.

રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉ અને ફળિયાને થાય કે હું કાગળ,
ટહુકાને થાય કે હું મૂંગે મો નીકળી જાઉં અર્થોની ભીડમાંથી આગળ.
ટહુકાનો મતલબ જ્યાં મારામાં ઉતર્યો ત્યાં મારાયે ગાલ લાલ લાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ

આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એને ક્યાં સૂંઘી શકાય છે!
ટહુકાનો અર્થ આમ ઇન્દ્રિયાતીત તોય મારામાં ઉતરતો જાય છે.
ટહુકાવું કાંઈ નથી ઘટનાનું નામ, અલ્યા ટહુકો તો વાલમનું વ્હાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ

– મયૂર કોલડિયા

સદીઓ પહેલાં કવિ કાલિદાસે વાદળ મારફતે પ્રિયાને સંદેશો મોકલાવ્યો હતો. આજે પ્રિયાના ઘરેથી એક પંખી ટહુકામાં એની ટપાલ લઈને આવ્યું છે અને એક ટહુકા માત્રમાં ફળિયાની રેતી રેતી મટીને પ્રણયફાગનો ગુલાલ બની ગઈ. આખું ફળિયું પ્રિયજને પાઠવેલ પત્ર બની ગયું છે અને ગુલાલ જેવી રેતી એમાં અક્ષરો થઈને સોહી રહી છે. રેતી અક્ષરો બની જાય તો લખાણ કેવું ભીડભાડવાળું બની જાય! પણ આ તો પ્રેમનો ટહુકો છે, એ શબ્દો અને અર્થથી આગળ અહેસાસ સુધી પહોંચે છે. અને પ્રેમનો મતલબ સમજાતાવેંત લાલિમા પ્રસરી જાય છે. ટહુકો ઇન્દ્રિયગમ્ય છે પણ એનો અર્થ તો ઇન્દ્રિયાતીત જ ને?! આ ઘટના ઘટમાં ઊતરે એ જ સાચું વહાલ… સાચો પ્રેમ…

Comments (24)

હવે સપનાનો ઉત્સવ છે આંખમાં – મયૂર કોલડિયા

ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ,
હું તો ગબડું હયાતીના તળિયે,
ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું,
આ કોના વિચારોના ફળિયે?
ભીતર લે હિલ્લોળા સપનાનું જોર,
મને, સમજણ! તું બાંધીને રાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું
કે વ્હાલમ ખખડાવે છે બારણાં
ભર મેઘાડંબર ને આવો ઉઘાડ?
સાવ ઉંબરમાં તૂટે મારી ધારણા.
દરવાજે ધૂણે પ્રતીક્ષાનું ભૂત,
કહે, આશાના આગળિયા વાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

– મયૂર કોલડિયા

સત્તરમું અને ચોમાસુ એકસાથે બેસે એ ક્ષણ કુમારિકાના તરુણી બનવાની ક્ષણ છે. સત્તરમાનો સળવળાટ સાંખવો જરી કપરો છે. ચાતાં-ફરતાં વાગે તો ઠીક, પણ ઊભા-ઊભાય ઠેસ વાગે એ રીતે દીવાસ્વપ્નમાં ખોવાઈ જવાય છે ને હોવાપણાંનું ઠે…ઠ તળ હાથ લાગી આવે છે. શરીર તો ઓસરીમાં બેઠેલું રહી જાય છે પણ મનડું મર્કટ તો ન જાણે કોના વિચારોના ફળિયામાં રેલાઈ પહોંચે છે! સપનાં જોવાની-પોષવાની આ અવસ્થામાં સમજણ આવીને કાંકરીચાળો કરે એય ગમતું નથી. ચોમાસે વરસાદના છાંટાનો અવાજ પણ વહાલમ બારને ટકોરાં દેતો હોય એવો લાગે છે. મન ઘડીભર વિમાસેય છે કે ઘેરા કાળા વાદળછાયા આભમાં આમ અચાનક ઉજાસ કેમ કરતાં થઈ ગયો? દોડીને ઉંબરે પહોંચે ત્યારે ધારણા તૂતે છે પણ પ્રતીક્ષા કહે છે કે આશા હેઠી ન મૂકીશ… આવશે, વહાલમ, આવશે જ!

કેવું મજાનું ગીત!

Comments (12)