વરસાદમાં – હિતેન આનંદપરા
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.
આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.
મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.
ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.
– હિતેન આનંદપરા
વરસાદની ફૂલગુલાબી ઋતુમાં મસ્ત મજાની વરસાદી ગઝલમાં ભીનાં થઈએ. વરસાદ વરસતો હોય ત્યારે વીજળી, વાદળ અને વાયરો –બધાં સાગમટે ધરતીને આલિંગન કરતાં હોય એવું મદમત્ત વાતાવરણ સર્જાય છે. વરસાદના પાણીમાં માત્ર બે પ્રેમીજન જ નથી ઓગળતાં, એમના અબોલા અને રીસ પણ ઓગળી જાય છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.