અંજના ભાવસાર ‘અંજુ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 20, 2023 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
તને છોડી જયારે બીજું કંઈ વિચારું!
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?
પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે આવકારું.
અધૂરી રહી પણ, ગઝલ પૂરી આપે-
ભલા, ઋણ ઇચ્છાનું ક્યાંથી ઉતારું!
તને યાદ ના હો ભલે શબ્દ મારા,
છે મારા સ્મરણમાં હજી મૌન તારું.
ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે;
છતાં તું ગમે છે, તને નહિ મઠારું.
કઈ ફૂટપટ્ટીથી માપું એ અંતર?
તું કહેતો હતો ‘તારું’, કહે છે ‘તમારું’!
– અંજના ભાવસાર ‘અંજુ’
સાંભળતાવેંત ગમી જાય એવી ગઝલ. પણ બીજીવાર સાંભળો કે વાંચો ત્યારે પહેલીવાર કરતાં વધારે ગમી જવાની ગેરંટીવાળી. પ્રિયજન સિવાયનું કશું બીજું વિચારી જ ન શકાય એવી પ્રેમની પરવશતા મત્લામાં કેવા સરળ શબ્દોમાં વ્યક્ત થઈ છે! પ્રણયોર્મિની આ ઉત્કટતા તો કેવળ સ્ત્રીની કલમમાંથી જ જન્મી શકે. સંબંધમાં ઝઘડો પ્રેશરકૂકરનું કામ કરે છે. સમય પર સીટી ન વાગે તો કૂકર ફાટી જાય. સંબંધમાં ઝઘડાની સીટી સમયે-સમયે વાગતી રહે તો હૈયાવરાળ નીકળી જવામાં આસાની રહે. અને એકવાર સીટી વાગી જાય એટલે કૂકર જે રીતે રસોઈ બરાબર બનાવવાના કામે લાગી જાય, એ જ રીતે તકરાર કર્યા બાદ બે પ્રિયજન ‘ન સાંધો ન રેણ’ની જેમ એકમેકમાં ઓગળી જતાં હોય છે. ઝઘડા પછી બમણો પ્રેમ મળતો હોવાના લોભે જ નાયિકા ઝઘડાને પણ આવકારે છે. પૂરી ન થતી ઇચ્છાઓ આખરે શબ્દોમાં અભિવ્યક્તિ શોધી લેતી હોય છે, એ વાત તો સર્વવિદિત છે, પણ સર્જક જ્યારે આ અધૂરી ઇચ્છાઓનો ઋણસ્વીકાર કરે છે ત્યારે કવિતા સર્જાય છે. સરવાળે સાદ્યંત આસ્વાદ્ય ગઝલ…
Permalink
February 25, 2021 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી
હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી
નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!
એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!
પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી
કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી
– અંજના ભાવસાર ‘અંજુ’
આવી ગઝલ હાથ ચડે ત્યારે થાય કે હા, ગુજરાતી કવિતાનું ભવિષ્ય ઉજ્જવળ છે. લગભગ બધા જ શેર સંતર્પક થયા છે. મત્લામાં ખુદ્દારીનો કેવો સ-રસ અંદાજ વ્યક્ત થયો છે! વિરહ ગમે એટલી તકલીફ કેમ ન આપે, હૃદય ભીખ તો નહીં જ માંગે. પિયુમિલનની ઝંખના કોને ન હોય! પણ કોઈક કારણોસર બે જણે એકમેકથી દૂર રહેવાની ફરજ પડતી હોય તો તેનો ઉપાય કવયિત્રી પાસે છે જ. સ્વપ્નપ્રદેશમાં ન શરમ, ન વિવેક – કશુંય પહેરી રાખવાની આવશ્યક્તા નથી. ‘ટેરવું સહેજ પણ ટળવળતું નથી’નું કલ્પન ગઝલને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, તો આખરી શેર સ્ત્રીસહજ સંવેદનની પરાકાષ્ઠાનો શેર છે, કદાચ આંસુ વિશે લખાયેલા ઉત્તમ શેરોમાં સમાવી શકાય એવો…
Permalink
December 25, 2020 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.
વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.
પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.
ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.
તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.
– અંજના ભાવસાર ‘અંજુ’
નિભાવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયા સાથેની આવી સ-રસ હમરદીફ-હમકાફિયા ગઝલ તરોતાજા કલમ પાસેથી મળી આવે ત્યારે ગુજરાતી ગઝલના ભવિષ્ય બાબત ચિંતા હળવી થઈ જાય.
કવયિત્રી કહે છે કે હું મારી ક્ષમતા વિસ્તારીશ તો ગગન તો હાથમાં આવી જ જશે. ખાતરી જ છે. પરંતુ આમ કરવામાં અંગત લોકો સાથેનો સંબંધ જોખમાવાનો ડર છે. કવયિત્રીને પોતાના વિકાસ કરતાં જેઓને એ પોતાનાં ગણે છે, એમની સાથેનો સંબંધ વિશેષ કિંમતી લાગે છે. આખી ગઝલમાં અન્યોને ખાતર જાતને સંકોરી રાખવાનો આ વિવેક નજરે ચડે છે. અને આ કાળજી મત્લાથી જ નજરે ચડે છે. હૈયાની ઉદાસી ક્યાંય અન્યો પર જાહેર ન થઈ જાય એ માટે આંસુને સ્ટેચ્યુ કહી દઈને પાંપણના દરવાજા બંધ કરી દેવાના છે. જોઈ, આ ‘ડબલ’ કાળજી! આંસુને અટકાવી દીધા હોવા છતાં ગફલતને અવકાશ ન રહે એ માટે આંખોય બીડી દેવાની છે. અને બાળસહજ સ્ટેચ્યુની રમત ગઝલમાં કેવી સહજતાથી આવી છે એય ધ્યાન આપવા જેવું છે. ચહેરા પર દેખાતું સ્મિત હકીકતે તો વ્યથાઓના સતત વલોણાના પરિણામે તરી આવેલું માખણ હોવાનું કલ્પન પણ કેવું સબળ છે! પ્રિયજન છેતરે તો કવયિત્રી મૃત્યુને પણ હસતે મુખે સ્વીકારવા તૈયાર છે અને તોય એ અપકૃત્યનો બદલો તો સ્નેહભાવથી જ વાળવા ઇચ્છે છે. પોતાના ગયા બાદ સ્વજન સહેજ પણ રડશે નહીં, એની ખાતરી મળે તો એ પોતાની જીવનલીલા તરત જ સંકેલવા તૈયાર છે… સમર્પિત પ્રેમનો આવો શેર તો એક સ્ત્રીની કલમમાંથી જ અવતરી શકે…
Permalink