હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

(કઈ રીતે ધારું?) – અંજના ભાવસાર ‘અંજુ’

તને છોડી જયારે બીજું કંઈ વિચારું!
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?

પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે આવકારું.

અધૂરી રહી પણ, ગઝલ પૂરી આપે-
ભલા, ઋણ ઇચ્છાનું ક્યાંથી ઉતારું!

તને યાદ ના હો ભલે શબ્દ મારા,
છે મારા સ્મરણમાં હજી મૌન તારું.

ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે;
છતાં તું ગમે છે, તને નહિ મઠારું.

કઈ ફૂટપટ્ટીથી માપું એ અંતર?
તું કહેતો હતો ‘તારું’, કહે છે ‘તમારું’!

– અંજના ભાવસાર ‘અંજુ’

સાંભળતાવેંત ગમી જાય એવી ગઝલ. પણ બીજીવાર સાંભળો કે વાંચો ત્યારે પહેલીવાર કરતાં વધારે ગમી જવાની ગેરંટીવાળી. પ્રિયજન સિવાયનું કશું બીજું વિચારી જ ન શકાય એવી પ્રેમની પરવશતા મત્લામાં કેવા સરળ શબ્દોમાં વ્યક્ત થઈ છે! પ્રણયોર્મિની આ ઉત્કટતા તો કેવળ સ્ત્રીની કલમમાંથી જ જન્મી શકે. સંબંધમાં ઝઘડો પ્રેશરકૂકરનું કામ કરે છે. સમય પર સીટી ન વાગે તો કૂકર ફાટી જાય. સંબંધમાં ઝઘડાની સીટી સમયે-સમયે વાગતી રહે તો હૈયાવરાળ નીકળી જવામાં આસાની રહે. અને એકવાર સીટી વાગી જાય એટલે કૂકર જે રીતે રસોઈ બરાબર બનાવવાના કામે લાગી જાય, એ જ રીતે તકરાર કર્યા બાદ બે પ્રિયજન ‘ન સાંધો ન રેણ’ની જેમ એકમેકમાં ઓગળી જતાં હોય છે. ઝઘડા પછી બમણો પ્રેમ મળતો હોવાના લોભે જ નાયિકા ઝઘડાને પણ આવકારે છે. પૂરી ન થતી ઇચ્છાઓ આખરે શબ્દોમાં અભિવ્યક્તિ શોધી લેતી હોય છે, એ વાત તો સર્વવિદિત છે, પણ સર્જક જ્યારે આ અધૂરી ઇચ્છાઓનો ઋણસ્વીકાર કરે છે ત્યારે કવિતા સર્જાય છે. સરવાળે સાદ્યંત આસ્વાદ્ય ગઝલ…

16 Comments »

  1. pragnajuvyas said,

    January 20, 2023 @ 7:53 AM

    કવયિત્રી અંજના ભાવસાર ‘અંજુ’ની મજાની ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે;
    છતાં તું ગમે છે, તને નહિ મઠારું.
    વાહ
    મુકેશ અને આશા ભોસલેના મધુર સ્વરે ગુંજાય
    ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
    તું મને ગમે…
    હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
    ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

    પૂર્વમાં ઊગી, દિનભર ઝગી,
    એની એ દિશામાં કાં સૂરજ આથમે?
    એ કહો તમે!

    હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
    ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

    દિનરાત મેઘ કેરી વાટ જોતું ચાતક!
    કેમ રે બન્યું ઓલી વર્ષાનું યાચક?
    પ્યાસ એની કેમ એક દિનમાં શમે?

    તું મને ગમે!
    હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
    ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

    મન પૂછે આંખને તરસ લાગી છે?
    તો આંખ કહે થોભ જરા હાથ બાકી છે
    આજના આ હું ને કાલના અમે!

    તું મને ગમે!
    હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
    ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

    હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
    ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

  2. Anjana Bhavsar said,

    January 20, 2023 @ 11:25 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો

  3. યોગેશ પંડ્યા said,

    January 20, 2023 @ 11:51 AM

    વાહ!
    અદ્ભૂત ગઝલ!
    એકે એક શેર યાદગાર..
    ભલે ભૂલ છે તું,મને તું ભૂલ્યો છે,
    છતાં તું ગમે છે તને નહિ મઠારુ…
    વાહ..
    કવયિત્રી ને ખૂબ ખૂબ અભિનંદન💐

  4. Chetna Bhatt said,

    January 20, 2023 @ 11:57 AM

    તને યાદ ના હો ભલે શબ્દ મારા,
    છે મારા સ્મરણમાં હજી મૌન તારું.

    વાહ..!!

    આખી ગઝલ માટે એક ગીત..
    ઇસ દિલ કા ક્યા કરું મે ક્યાં કરું.??… મે ક્યાં કરું..??from movie Barfi

  5. રાજેશ હિંગુ said,

    January 20, 2023 @ 12:09 PM

    વાહ.. સરસ ગઝલ અને સરસ આસ્વાદ
    અભિનંદન અંજના બેન

  6. preetam lakhlani said,

    January 20, 2023 @ 12:56 PM

    મજા આવી ગઈ, રોજ આવી સરસ ગઝલ વાંચવા મળે તો, જિંદગી જીવ્યાનો આનંદ શબ્દમાં વ્યકત કરવો કઠીન છે

  7. Bharati gada said,

    January 20, 2023 @ 1:16 PM

    ખૂબ સુંદર રચનાનો ખૂબ સુંદર આસ્વાદ 👌👌

  8. Varij Luhar said,

    January 20, 2023 @ 1:50 PM

    તને નહીં મઠારું… વાહ સરસ ગઝલ

  9. હર્ષદ દવે said,

    January 20, 2023 @ 5:42 PM

    સરસ ગઝલ અને આસ્વાદ પણ… અભિનંદન

  10. મેહુલ ઓઝા said,

    January 20, 2023 @ 6:55 PM

    વાહહહ, ખૂબ જ સરસ ગઝલ છે.
    શુભેચ્છાઓ…

  11. Harihar Shukla said,

    January 20, 2023 @ 7:02 PM

    વાહ, નરી મોજ👌

  12. Sangita chauhan said,

    January 20, 2023 @ 8:47 PM

    ખૂબ સરસ ગઝલ
    શુભકામનાઓ 🌹

  13. Sangita chauhan said,

    January 20, 2023 @ 8:49 PM

    ખૂબ સરસ ગઝલ
    ભ્રમર તો ત્યાં જ ભમે! વાહ! 🌹

  14. Chetan Shukla said,

    January 20, 2023 @ 10:29 PM

    આખરિ શેર …….વાહ્

  15. Aasifkhan said,

    January 20, 2023 @ 11:09 PM

    વાહ સરસ ગઝલનો સુંદર આસ્વાદ

  16. Poonam said,

    January 21, 2023 @ 6:16 PM

    અધૂરી રહી પણ, ગઝલ પૂરી આપે-
    ભલા, ઋણ ઇચ્છાનું ક્યાંથી ઉતારું! Ufff…
    – અંજના ભાવસાર ‘અંજુ’ –
    Aa-Swaad 😋

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment