બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૪

હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા

છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ

રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત

વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ

ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ

ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ

સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા

ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી

વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા

રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’

હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’

રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર

ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર

ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર

Comments (15)

પરોઢિયું – વિમલ અગ્રાવત

ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટું ગીત એક પાયું,
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

પંખીએ પંચમના સૂરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઊડાડી;
ઝાકળની જેમ ઝીણા વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડૂબાડી;
એમાં અન્ધારૂં આઘ્ઘે તણાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાંદલો કર્યો છે ને નદીયુંને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

– વિમલ અગ્રાવત

નાવીન્ય સૃષ્ટિનું મહામૂલું ઘરેણું છે. રોજ સવારે ઊગતો સૂરજ એનો એ જ છે. ઝાડ-પાન, પશુ-પંખી, નદી-પર્વત –બધાં એનાં એ જ હોવા છતાંય રોજેરોજ નવાં ભાસે છે. પરિણામે એકની એક દુનિયા વરસો સુધી જોયે રાખવા છતાં આપણે કંટાળતાં નથી. ને એમાંય કવિના ચશ્માંની તો વાત જ અલગ. પવન ફૂંકાય એટલે પહેલાં ઝાડ થોડું બેવડ વળે અને પવનનું જોર જરા હળવું પડતાંવેંત ફરી ઊભું થઈ જાય એ સ્થૂળ બીનાને કવિ જુએ તો એને એમ લાગે કે સવાર પડતાં જે રીતે આપણે ઝબકીને જાગીએ છીએ એ જ રીતે ઝાડ પણ ઝબકીને જાગ્યું છે અને પવન એને ગળચટ્ટાં ગીતની બેડ-ટી પાઈ રહ્યો છે… પછી તો પરોઢિયું સવાયું જ અનુભવાય ને!

સૃષ્ટિના તમામ સૈનિકો આજની સવારને રોજ કરતાં અધિક રળિયામણી બનાવવાના કામમાં જોતરાઈ ગયાં છે. સૂતેલાં બાળકની આંખ પર પાણીનો છંટકાવ કરીને મા જે રીતે એને ઊઠાડે એમ પંખીઓ પંચમ સૂર છાંટીને ઝરણાંની ઊંઘ ઊડાડે છે. પ્રાતઃકાળે પથરાઈ વળતી ઝાકળ અને કૂણા તડકામાં આખી ધરતી ડૂબી ગઈ છે. પરિણામે બિચારું અંધારૂં આઘે આઘે તણાઈ ગયું છે.

સવાર પડતાં ખીલુંખીલું થતી પણ પૂરી હજી ખૂલી ન હોય એવી કૂંપળોને શરમાવાની ક્રિયા સાથે જોડીને કવિએ કમાલ કરી છે! ક્ષિતિજથી વધુ ઊંચે ઊઠ્યો ન હોવાને લઈને સૂરજ હજી કંકુના ચાંદલા જેવો રાતોચોળ લાગી રહ્યો છે અને નદીઓનાં નીર પીઠી ચોળી હોય એવાં નજરે ચડે છે. કંકુચાંદલો અને પીઠીના કલ્પનથી રચાયેલ લગ્નના વાતાવરણને કવિ ચકલીના ટહુકારને ફટાણું કહીને સંપૂર્ણતા બક્ષે છે.

સરવાળે સવાયા પરોઢનું સવાયું ગીત.

Comments (17)

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

Comments (5)

દરિયો – વિમલ અગ્રાવત

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

– વિમલ અગ્રાવત

કિનારે ઊભા રહીને કૉમેન્ટરી આપવી અલગ વાત છે અને વચ્ચોવચ ઝંપલાવી દીધા બાદ વાત કરવામાં જમીન-આકાશનો ફરક છે. મહાસુખ તો મહીં પડ્યા એ જ માણી શકે. દરિયો બની જાવ એ પછી જ દરિયાને જોઈ શકાય, બાકી ઠાલી વાતો માત્ર…

Comments (5)

સત કહો કે ભ્રમણા – વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા.
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા.

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા.
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દૃશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
ટહુકા કરશે હમણાં.
સત કહો કે ભ્રમણા.

– વિમલ અગ્રાવત

શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.

Comments (11)

ખારવણ – વિમલ અગ્રાવત

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

-વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત કોઈ મહેફિલમાં હાજર હોય અને શ્રોતાગણ ‘ખારવણ’ની ડિમાન્ડ ન કરે એવું બને જ નહીં એટલી લોકપ્રિય આ રચના થઈ છે.

મહાભારતની મત્સ્યગંધા ઘ્રાણેન્દ્રિયને ઉત્તેજતી, પણ આ ગીતની નાયિકા ખારવણ સીધી સ્વાદેન્દ્રિય પર જ હલ્લો કરે છે. ભલે ને માથા પરની ટોકરીમાં બૂમલાંનો ભાર કેમ ન હોય, ખારવણના પગ જમીનને અડતા નથી. ખારવણ જાણે કે દરિયાનો જ એક હિસ્સો છે પણ ખરાબાની જમીન જેવા છીછરા ખારવાને બટકા-કટકામાં તે શાનો કંઈ રસ હોય? ભલે મોતીના બદલે માછલી કેમ ન મળે, ખારવણની આંખોમાં દરિયા ભરીને સપનાં ઉછરી રહ્યાં છે ને સપનાંની આડે આવતા દારૂના કેફને ગાળ ભાંડીને ઉતારી નાંખવાની એનામાં તાકાત છે. કાશ ! ખારવો આ ખારી ખારી ખારવણના જિંદગીના નશાને જોઈ-ચાખી-માણી શક્યો હોત!

ડો. ફિરદૌસ દેખૈયાના સ્વરાંકન, સ્વર તથા સંગીતમાં આ ગીત આપ અહીં માણી શક્શો.

બાંસિયું = ટોપલો, તગારુ.
ફૂગ્ગી = દારૂની કોથળી
ભાઠોડું = ખરાબાની જમીન; છીછરૂં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન; છીછરા પાણીવાળી જગ્યા.
શીનો = શાનો, શેનો

Comments (11)

ધોધમાર વરસાદ પડે છે – વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યું તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણા હફડક નદી બની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદ્દારે તદ્દારે તાનિ દિર દિર તનનન છાંટેછાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે,
ઘેઘેતિટ્ તા-ગી તિટ્ તકતિટ્ પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રૂંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચૂંનડી, કંગન, કાજળ લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયેદરિયા ઝંખુ ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
હું પગથી માથાલગ ભીંજુ, તું કોરેકોરો હાય –
અરે ! ભરચક ચોમાસાં જાય ને મારું અંગ સકળ અકળાય રે
– નફ્ફટ ધોધમાર વરસાદ પડે છે !

– વિમલ અગ્રાવત

વરસાદના ગીતોની તો આખી ફોજ વાંચી હોય તોય આ ગીત તમને ભીંજવ્યા વગર છોડે એવું નથી. મોટેથી લયબદ્ધ રીતે વાંચો, બીજી વાર વાંચો, અને પછી જ સમજવાની મગજમારી કરો.

Comments (7)