તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
હરદ્વાર ગોસ્વામી

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

5 Comments »

  1. Pravin Shah said,

    March 14, 2020 @ 1:43 AM

    વાહ, વાહ !
    ખૂબ સરસ !
    ખૂબ ગમ્યુ .
    આવી હોળી ફરી રમવાનુ મન થૈ ગયુ.

  2. pragnajuvyas said,

    March 14, 2020 @ 11:00 AM

    કવિશ્રી વિમલ પ્રેમરંગથી અનરાધાર નીતરતું મધુરું ગીત
    તેનો ડૉ વિવ્કજીનો મધુરતમ આસ્વાદ
    આ ગીત ગણગણો…ગાઓ અને નાયિકા પાછળ રહી ગયેલ કવિતાની અનુભૂતિનો ગુલાલમા રંગાઓ.
    આ ગીત તેમના સ્વરમા પઠન માણવાની મઝા તો કાંઇ ઔર !
    યાદ આવે કલાપીનુ મુગ્ધ પ્રેમ ગીત
    સંધાડી પ્રેમદોરી મેં, મચાવી મિષ્ટી ગોષ્ઠી મેં,
    પ્હેરાવી પ્રેમમાલા મેં, જગાવી પ્રેમજ્યોતિ મેં!

    ઉડાવ્યું પક્ષી પ્રીતિનું, ઝીલ્યું સુપુષ્પ ચક્ષુનું!
    કરાવ્યું સ્નાન પ્રીતિનું, કર્યું મેં પાન પ્રીતિનું!

    સુધાના નીરમાં ન્હાયાં, અમે પ્રેમી રમ્યાં મ્હાલ્યાં!
    પડ્યાં ત્યાં સ્નેહફાંસામાં, છૂટ્યાં તે ના, વછૂટ્યાં ના!

    મદિરા નેત્રનખરાંનો પી પી ભાન ભૂલ્યો હું:
    થયો હું હોલો! તે હોલી! થયો તે હું! થઈ તે હું!

    પછી રતિનાવ ઝીંક્યું મેં કપાળે હાથ દઈ દરિયે!
    બોળે કે બચાવે તે સુકાની પ્રાણપ્યારી છે!

  3. Vimal Agravat said,

    March 15, 2020 @ 6:40 AM

    ખુબ ખુબ આભાર વિવેકભાઇ, ખુબ સરસ આસ્વાદ🙏

  4. Vimal Agravat said,

    March 15, 2020 @ 6:42 AM

    ખુબ ખુબ આભાર વિવેકભાઇ,
    ખુબ સરસ આસ્વાદ🙏

  5. Dr Sejal Desai said,

    March 15, 2020 @ 7:04 AM

    ખૂબ સરસ પ્રેમની અભિવ્યક્તિનું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment