પરોઢિયું – વિમલ અગ્રાવત
ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટું ગીત એક પાયું,
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.
પંખીએ પંચમના સૂરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઊડાડી;
ઝાકળની જેમ ઝીણા વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડૂબાડી;
એમાં અન્ધારૂં આઘ્ઘે તણાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.
શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાંદલો કર્યો છે ને નદીયુંને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.
– વિમલ અગ્રાવત
નાવીન્ય સૃષ્ટિનું મહામૂલું ઘરેણું છે. રોજ સવારે ઊગતો સૂરજ એનો એ જ છે. ઝાડ-પાન, પશુ-પંખી, નદી-પર્વત –બધાં એનાં એ જ હોવા છતાંય રોજેરોજ નવાં ભાસે છે. પરિણામે એકની એક દુનિયા વરસો સુધી જોયે રાખવા છતાં આપણે કંટાળતાં નથી. ને એમાંય કવિના ચશ્માંની તો વાત જ અલગ. પવન ફૂંકાય એટલે પહેલાં ઝાડ થોડું બેવડ વળે અને પવનનું જોર જરા હળવું પડતાંવેંત ફરી ઊભું થઈ જાય એ સ્થૂળ બીનાને કવિ જુએ તો એને એમ લાગે કે સવાર પડતાં જે રીતે આપણે ઝબકીને જાગીએ છીએ એ જ રીતે ઝાડ પણ ઝબકીને જાગ્યું છે અને પવન એને ગળચટ્ટાં ગીતની બેડ-ટી પાઈ રહ્યો છે… પછી તો પરોઢિયું સવાયું જ અનુભવાય ને!
સૃષ્ટિના તમામ સૈનિકો આજની સવારને રોજ કરતાં અધિક રળિયામણી બનાવવાના કામમાં જોતરાઈ ગયાં છે. સૂતેલાં બાળકની આંખ પર પાણીનો છંટકાવ કરીને મા જે રીતે એને ઊઠાડે એમ પંખીઓ પંચમ સૂર છાંટીને ઝરણાંની ઊંઘ ઊડાડે છે. પ્રાતઃકાળે પથરાઈ વળતી ઝાકળ અને કૂણા તડકામાં આખી ધરતી ડૂબી ગઈ છે. પરિણામે બિચારું અંધારૂં આઘે આઘે તણાઈ ગયું છે.
સવાર પડતાં ખીલુંખીલું થતી પણ પૂરી હજી ખૂલી ન હોય એવી કૂંપળોને શરમાવાની ક્રિયા સાથે જોડીને કવિએ કમાલ કરી છે! ક્ષિતિજથી વધુ ઊંચે ઊઠ્યો ન હોવાને લઈને સૂરજ હજી કંકુના ચાંદલા જેવો રાતોચોળ લાગી રહ્યો છે અને નદીઓનાં નીર પીઠી ચોળી હોય એવાં નજરે ચડે છે. કંકુચાંદલો અને પીઠીના કલ્પનથી રચાયેલ લગ્નના વાતાવરણને કવિ ચકલીના ટહુકારને ફટાણું કહીને સંપૂર્ણતા બક્ષે છે.
સરવાળે સવાયા પરોઢનું સવાયું ગીત.
જયેન્દ્ર ઠાકર said,
June 17, 2022 @ 2:21 AM
સરસ મીઠી મઘમઘતી કવિતા, સવારનો સાજ સજિ દિલ ખુશ કરે છે!
Vineschandra Chhotai 🕉 said,
June 17, 2022 @ 2:52 AM
બહુજ ♥️ સરસ રજૂઆત
અભિનંદન ♥️
saryu parikh said,
June 17, 2022 @ 3:08 AM
બહુ જ રમતિયાળ ગીત મજા આવી.
સરયૂ પરીખ.
pragnajuvyas said,
June 17, 2022 @ 7:00 AM
કવિશ્રી વિમલ અગ્રાવતના સુંદર ગીતનો ડૉ,વિવેક દ્વારા સ રસ આસ્વાદ
બળકટ કલમ ! પરોઢિયાને ટાણે સૂરજ ઊગવાની ને સરિતાના પાણીના રંગ બદલાવાની પ્રક્રિયા કાગળ ઊપર ઉતારવાનો કસબ દાદ માંગી લે છે!!અને “ચકલી ફટ્ટાણું” ગાય એ કલ્પના તમારા જેવા કસબી કવિને જ આવે !!!“પંખીઓએ કલશોર કર્યો” તે સાંજ માટે તો “ચકલીએ ફટ્ટાણું ગાયું” તે સવાર માટે!
વાહ!
તેમના શબ્દોમા -‘દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં શ્રી સુરેશ દલાલે મારા ગીતનો આસ્વાદ કરાવ્યો છે. નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.divyabhaskar.co.in/article/MAG-you-give-fish-and-we-get-see-1849948.html
કવિશ્રી વિમલ લખે છે તે પ્રમાણે
કાવ્યનું ગાન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/79110423-fb93-4bb4-bada-bfbbe4bd1bb1/Parodhiyu-savayu
પણ સાંભળી શકાયું નથી
હરીશ દાસાણી.મુંબઈ said,
June 17, 2022 @ 9:25 AM
પ્રકૃતિ સાથે તન્મય થઈ ગયેલ કવિતા
નેહા said,
June 17, 2022 @ 11:37 AM
યાદગાર ગીતોની યાદીમાં સમાવી શકાય એવું
મસ્ત મજાનું ગીત..
Harihar Shukla said,
June 17, 2022 @ 11:47 AM
સવાયા કવિની સવા સવાયા ગીતને સલામ👌💐
ડૉ . રાજુ પ્રજાપતિ said,
June 17, 2022 @ 11:49 AM
સવાર ની પ્રકૃતિની ચહપહલ ને ગીતમાં શબ્દનાં આયને સરસ રીતે ઝીલીછે .. અભિનંદન
Shah Raxa said,
June 17, 2022 @ 12:10 PM
વાહ. ખૂબ સરસ ગીત.. અભિનંદન
રિયાઝ લાંગડા (મહુવા). said,
June 17, 2022 @ 12:38 PM
ખૂબ સરસ ગીત અને આસ્વાદ…👌
Chetan Shukla said,
June 17, 2022 @ 1:48 PM
સરસ …પ્રકૃતિગીત અને આસ્વાદ…
Vimal Agravat said,
June 17, 2022 @ 4:11 PM
આભાર વિવેકભાઈ🙏
Bharati gada said,
June 17, 2022 @ 4:14 PM
વાહ વાહ ખૂબ સુંદર ગીતનો સુંદર રસાસ્વાદ ઼઼👌🏼👌🏼
Arti said,
June 17, 2022 @ 7:08 PM
ખૂબ જ સુંદર પરોઢીયુ વિમલભાઈ..
Leena Pratish said,
June 17, 2022 @ 8:19 PM
ચડતા સૂરજ જેવું ગીત.
DILIPKUMAR CHAVDA said,
June 19, 2022 @ 11:45 AM
મજાનું ગીત.. મોજ મોજ
Poonam said,
June 22, 2022 @ 9:57 AM
પછી ચકલીએ ફટ્ટાણું ગાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું… mast geet 👌🏻
– વિમલ અગ્રાવત –
Aaswad Sa-Rus sir ji !