(દિલની મોસમ) – સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
જોબનમાં ભરતી આણી દે!
નસ નસ જાણે માગણ થઈ છે.
દહાડે દહાડો લપકારે લઈ,
આવરદા પણ સાપણ થઈ છે.
હરશે મુજને મારામાંથી,
ચાહત તારી રાવણ થઈ છે.
હું, તું ને એક પાળ લપસણી,
પાની માખણ માખણ થઈ છે.
નીંદર લખ લખ સપનાં જણશે,
ઇચ્છા ડોસી દાયણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
ફાગણ એટલે અસ્તિત્વના વૃક્ષોને રંગરંગી ફૂલોથી છલકાવી દેતી મોસમ. કેસૂડાં, ગુલમહોર, સોનમહોર, ચંપો અને છેલ્લે ગરમાળો. વળી ફાગણ એટલે ધુળેટીના રંગોની ઋતુ પણ. પ્રેમમાં પડેલા માણસને તો દિલમાં બારેમાસ ફાગણનો અહેસાસ થાય. ફાગણ શબ્દમાં સમશીતોષ્ણ આબોહવા પણ સંમિલિત છે. ખુશબૂ, રંગો અને ઉષ્ણતાસભર ફાગણનો ફાગ ભલભલાને બહેકાવે. દિલની તિજોરી ફૂલો જેવી થાપણથી છલકાઈ ઉઠી છે, આવામાં ફાગણ બેઠો હોવાનું ન અનુભવાય તો જ નવાઈ. આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે પણ છેલ્લો શેર તો અદભુત થયો છે. કલ્પન અને અભિવ્યક્તિ અહીં નવી જ ઊંચાઈ આબે છે. ઇચ્છાડોસીને મળતાં જ મિલિન્દ ગઢવીની ઝમકુડોશી યાદ આવે.