મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.
– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

(દિલની મોસમ) – સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.

જોબનમાં ભરતી આણી દે!
નસ નસ જાણે માગણ થઈ છે.

દહાડે દહાડો લપકારે લઈ,
આવરદા પણ સાપણ થઈ છે.

હરશે મુજને મારામાંથી,
ચાહત તારી રાવણ થઈ છે.

હું, તું ને એક પાળ લપસણી,
પાની માખણ માખણ થઈ છે.

નીંદર લખ લખ સપનાં જણશે,
ઇચ્છા ડોસી દાયણ થઈ છે.

– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

ફાગણ એટલે અસ્તિત્વના વૃક્ષોને રંગરંગી ફૂલોથી છલકાવી દેતી મોસમ. કેસૂડાં, ગુલમહોર, સોનમહોર, ચંપો અને છેલ્લે ગરમાળો. વળી ફાગણ એટલે ધુળેટીના રંગોની ઋતુ પણ. પ્રેમમાં પડેલા માણસને તો દિલમાં બારેમાસ ફાગણનો અહેસાસ થાય. ફાગણ શબ્દમાં સમશીતોષ્ણ આબોહવા પણ સંમિલિત છે. ખુશબૂ, રંગો અને ઉષ્ણતાસભર ફાગણનો ફાગ ભલભલાને બહેકાવે. દિલની તિજોરી ફૂલો જેવી થાપણથી છલકાઈ ઉઠી છે, આવામાં ફાગણ બેઠો હોવાનું ન અનુભવાય તો જ નવાઈ. આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે પણ છેલ્લો શેર તો અદભુત થયો છે. કલ્પન અને અભિવ્યક્તિ અહીં નવી જ ઊંચાઈ આબે છે. ઇચ્છાડોસીને મળતાં જ મિલિન્દ ગઢવીની ઝમકુડોશી યાદ આવે.

7 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    June 24, 2021 @ 10:08 AM

    સરસ ગઝલ
    નવા કલ્પનો સાથે
    અભિનંદન કવિયત્રીને

  2. Pravin Shah said,

    June 24, 2021 @ 11:11 AM

    સરસ ગઝલ..

  3. pragnajuvyas said,

    June 24, 2021 @ 11:42 AM

    નીંદર લખ લખ સપનાં જણશે,
    ઇચ્છા ડોસી દાયણ થઈ છે.
    વાહ
    સુંદર અભિવ્યક્તિ
    સુંદર ગઝલ સ રસ આસ્વાદ

  4. Maheshchandra Naik said,

    June 24, 2021 @ 2:35 PM

    સરસ ગઝલ અને રસાસ્વાદ ઉત્તમ……..

  5. Nilesh Rana said,

    June 25, 2021 @ 7:00 AM

    સુન્દર ગઝલ

  6. Sangita sunil Chauhan said,

    June 25, 2021 @ 7:51 AM

    મારી ગઝલને લયસ્તરો પર સ્થાન આપવા બદલ આભાર 🙏
    ખૂબ સુંદર આસ્વાદ . લયસ્તરો સદૈવ આવી જ રીતે સાહિત્ય પિપાસાને
    તૃપ્ત કરે, તેવી શુભકામનાઓ.

  7. વિવેક said,

    June 25, 2021 @ 8:30 AM

    સહુનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment