ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રકાન્ત દત્તાણી

ચંદ્રકાન્ત દત્તાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મીણનાં! – ચંદ્રકાન્ત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…

માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?

મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ! અમે મરવાની વાત પર મ્હોયાં.

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

– ચંદ્રકાન્ત દત્તાણી

નૂતન વર્ષ ૨૦૨૧ સહુ વાચકમિત્રોને ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી સ્નેહકામનાઓ…

નવા વર્ષનો પ્રારંભ એક મજાના ગીતથી કરીએ. કોરોનાકાળમાં આ ગીત વધુ પ્રસ્તુત બની રહે છે. મીણનાં હૃદય લઈને સૂરજના કાળઝાળ તાપમાં મુસાફરી કરવાનું નસીબમાં આવ્યું છે એનું આ વેદનાસિક્ત ખુમારીગાન છે. અસંખ્ય મેળાની વચ્ચે પણ માણસ સાવ એકલો જ જીવે છે. આયુષ્ય તળિયાથી ડુંગરની ટોચ સુધીની મુસાફરી સમું છે પણ કમનસીબે ગતિ કીડી જેવી ધીમી સાંપડી છે. રણ પાર કરવા માટે કાગળની હોડી મળી છે અને ભીતર અસીમ અફાટ ખાલીપાથી વિશેષ કંઈ નથી. જીવનમાં તાજગી પાંદડાના પડછાયા જેવી અલ્પ છે અને ઝાંઝવાના દરિયા તરવા માટે સાંપડ્યા છે. જીવન ઝળઝળિયાં થઈ ગયું હોવાથી મૃત્યુ વધુ મોહક ભાસે છે. ફીણના ચીકણા પોચા રસ્તાઓ પર ચરણોએ સરિયામ ચાલ્યે જ રાખવાનું છે. આખા ગીતમાં ઈશ્વરે મનુષ્યોને કરેલ અન્યાય અને સહુના નસીબે આવેલી જીવનવિડંબનાઓને કવિએ આર્તસ્વરે ગાઈ છે પણ આ સૂર ફરિયાદનો ઓછો અને ખુમારીનો વધુ જણાય છે. અશક્યવત્ ભાસતી અવસ્થાઓની ભરમાર વચ્ચે ક્યાંય નમી જવાની વાતનો ઈશારો નથી એ વાત આ ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (10)