છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

મીણનાં! – ચંદ્રકાન્ત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…

માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?

મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ! અમે મરવાની વાત પર મ્હોયાં.

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

– ચંદ્રકાન્ત દત્તાણી

નૂતન વર્ષ ૨૦૨૧ સહુ વાચકમિત્રોને ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી સ્નેહકામનાઓ…

નવા વર્ષનો પ્રારંભ એક મજાના ગીતથી કરીએ. કોરોનાકાળમાં આ ગીત વધુ પ્રસ્તુત બની રહે છે. મીણનાં હૃદય લઈને સૂરજના કાળઝાળ તાપમાં મુસાફરી કરવાનું નસીબમાં આવ્યું છે એનું આ વેદનાસિક્ત ખુમારીગાન છે. અસંખ્ય મેળાની વચ્ચે પણ માણસ સાવ એકલો જ જીવે છે. આયુષ્ય તળિયાથી ડુંગરની ટોચ સુધીની મુસાફરી સમું છે પણ કમનસીબે ગતિ કીડી જેવી ધીમી સાંપડી છે. રણ પાર કરવા માટે કાગળની હોડી મળી છે અને ભીતર અસીમ અફાટ ખાલીપાથી વિશેષ કંઈ નથી. જીવનમાં તાજગી પાંદડાના પડછાયા જેવી અલ્પ છે અને ઝાંઝવાના દરિયા તરવા માટે સાંપડ્યા છે. જીવન ઝળઝળિયાં થઈ ગયું હોવાથી મૃત્યુ વધુ મોહક ભાસે છે. ફીણના ચીકણા પોચા રસ્તાઓ પર ચરણોએ સરિયામ ચાલ્યે જ રાખવાનું છે. આખા ગીતમાં ઈશ્વરે મનુષ્યોને કરેલ અન્યાય અને સહુના નસીબે આવેલી જીવનવિડંબનાઓને કવિએ આર્તસ્વરે ગાઈ છે પણ આ સૂર ફરિયાદનો ઓછો અને ખુમારીનો વધુ જણાય છે. અશક્યવત્ ભાસતી અવસ્થાઓની ભરમાર વચ્ચે ક્યાંય નમી જવાની વાતનો ઈશારો નથી એ વાત આ ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

10 Comments »

  1. Anjana bhavsar said,

    January 1, 2021 @ 6:50 AM

    સરસ ગીત..સરસ આસ્વાદ

  2. Prahladbhai Prajapati said,

    January 1, 2021 @ 6:57 AM

    સુપેર્બ્

  3. Pravin Shah said,

    January 1, 2021 @ 8:47 AM

    જેવુ સુન્દર ગીત તેટલો જ સુન્દર આસ્વાદ !

  4. pragnajuvyas said,

    January 1, 2021 @ 10:17 AM

    નૂતન વર્ષ ૨૦૨૧ ના અભિનંદન
    મજાના ગીતનો સ રસ આસ્વાદ

  5. pragnajuvyas said,

    January 1, 2021 @ 12:12 PM

    મજાના ગીતનો સ રસ આસ્વાદ

  6. Maheshchandra Naik said,

    January 1, 2021 @ 3:02 PM

    નૂતન વર્ષ ૨૦૨૧ ની અનેક અનેક શુભકામનાઓ……….
    મઝાના ગીતનો મઝાનો આસ્વાદ…..
    આપનો આભાર અને કવિશ્રીને અભિનદન……….

  7. Kajal kanjiya said,

    January 1, 2021 @ 11:53 PM

    કાળજાળ સૂરજના તાપ અમને દીધા
    ને હૃદયા દીધા છે સાવ મીણના

    ખૂબ સરસ ગીતનો મજાનો આસ્વાદ

  8. Parbatkumar said,

    January 2, 2021 @ 12:48 AM

    ધોરણ 10ની પરીક્ષા બાદ વેકેશનમાં આ ગીત આ વાંચવામાં આવ્યું હતું ઘણો લાંબો સમય હ્રદય ઉપર આ ગીતનો કબજો રહ્યો
    આજે ફરી એકવાર આ ગીત માણ્યું
    ખૂબ સુંદર આસ્વાદ બદલ આભાર વિવેકભાઈ
    ખરેખર ખૂબ શુભેચ્છાઓ

  9. Hiteshkumar 'Tapsvi' said,

    January 2, 2021 @ 3:04 AM

    વાહ મજાનું ગીત…

  10. Anila patel said,

    January 2, 2021 @ 6:03 AM

    સરસ મજાનું ગીત, વારંવાર વાંચવું ગમે એવું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment