(બતાવ્યું) – અંજના ભાવસાર ‘અંજુ’
હતું કામ અઘરું, કરીને બતાવ્યું;
કરી યાદ તમને હસીને બતાવ્યું!
તમારી સ્મરણશક્તિને દાદ આપું,
વચન ભૂલવાનું ભૂલીને બતાવ્યું.
ફકત જોર ઇચ્છાનું કારણમાં એના;
વગર પાંખે મેં જે ઊડીને બતાવ્યું.
ભલે લોકો ગુણગાન ગાતાં હવાનાં,
તમારા વિચારે શ્વસીને બતાવ્યું!
સહજ સ્મિત ને સાથ આંખોમાં મસ્તી;
તમે સાદગીથી સજીને બતાવ્યું.
પ્રવાહી ગુણો અવગણીને સ્વયંના,
ગજબ! આંસુઓએ ઠરીને બતાવ્યું.
હવે મન મગન એની મસ્તીમાં રહેશે;
મેં સ્પર્ધાથી બસ, દૂર રહીને બતાવ્યું.
– અંજના ભાવસાર ‘અંજુ’
પ્રવર્તમાન ગઝલકાર સ્ત્રી સર્જકોમાં અંજના ભાવસાર વિચારશીલ શેર અને છંદની સફાઈના કારણે અલગ તરી આવે છે. એમની ગઝલના પ્રમાણમાં સરળ લાગતા શેર પણ બીજા-ત્રીજા વાંચને વધુ પ્રભાવિત કરી શકે છે એ મારી પ્રત્યક્ષાનુભૂતિ છે. પ્રસ્તુત ગઝલ એનું એક ઉદાહરણ છે… બધા જ શેર મનનીય થયા છે…