વરસાદમાં – હિતેન આનંદપરા
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.
આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.
મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.
ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.
– હિતેન આનંદપરા
વરસાદની ફૂલગુલાબી ઋતુમાં મસ્ત મજાની વરસાદી ગઝલમાં ભીનાં થઈએ. વરસાદ વરસતો હોય ત્યારે વીજળી, વાદળ અને વાયરો –બધાં સાગમટે ધરતીને આલિંગન કરતાં હોય એવું મદમત્ત વાતાવરણ સર્જાય છે. વરસાદના પાણીમાં માત્ર બે પ્રેમીજન જ નથી ઓગળતાં, એમના અબોલા અને રીસ પણ ઓગળી જાય છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.
KETAN YAJNIK said,
July 25, 2021 @ 1:10 AM
AANAND PURO AANAND PARAA
pragnajuvyas said,
July 25, 2021 @ 11:49 AM
ખૂબ મધુર રચના !
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં. વાહ અનેકોએ અનુભવેલી વાત!
યાદ ગામનો ખેડુ ખેતરમાં હળ હાંકતો જાય અને સંભળાવે :
‘વા રે વાયાં ને વાદળ ઊમટ્યાં
તમે છો રે જનમના ચોર
મળવા આવા સુન્દિર વર શામળિયા!’
વા વાદળ ને વીજલડી
આવી આષાઢી બીજલડી
વ્હાલા! આવો ને સૂની સેજલડી
મને ડારે ઝબૂકતી વીજલડી
હવે કરશો ના વ્હાલા ત્રીજલડી!
પણ આવા દિવસો હવે વેગળા ને વેગે વહી ગયા છે. પહેલા વરસાદે મહેકી ઊઠતી આ માટીની સુગંધ… એની મધુરતા લઈ જાય છે દૂર દૂર…
Parbatkumar said,
July 25, 2021 @ 11:54 AM
વાહ
આવી ગઝલ સાંપડે વરસાદમાં…..
આભાર વિવેકભાઈ
ખૂબ શુભેચ્છાઓ હિતેનભાઈ
Nilesh Rana said,
July 25, 2021 @ 12:23 PM
સુન્દર રચના
Maheshchandra Naik said,
July 31, 2021 @ 7:10 PM
અફલાતુન રચના…વરસાદી મોહોલમાં ભિંજાવાની ખુબ મઝા આવી ગઈ ….
કવિશ્રીને અભિનંદન…રસાસ્વાદ મનભાવન…
lata hirani said,
August 7, 2021 @ 2:06 AM
આવેી મસ્ત ગઝલના વરસાદ થયા કરો હિતેનભાઇ