મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.
- શ્યામ સાધુ

(આ માણસ બરાબર નથી) – હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી

હતા બાળકો જયારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી

નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત ?
ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.

ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

– હિતેન આનંદપરા

આ ગઝલ એટલે ‘માણસ’ નામનાં સ્વાર્થી પ્રાણીની છ અલગ અલગ રીતે કવિએ લીધેલી જબરદસ્ત ઉધડી!  દરિયાકિનારા અને સુંદરતાવાળા શેરોનો સાક્ષાત્કાર વારંવાર થતો રહેતો હોવાને કારણે જરા વધુ ગમી ગયા… 🙂

24 Comments »

  1. મદહોશ said,

    April 4, 2012 @ 11:52 PM

    સરળ, સચોટ અને રોષપુર્ણ.

    ખરીવાત છે, દરિયાકિનારા અને સુન્દરતાવાળા શેરો ઘણા જ ચોટદાર છે.

  2. વિવેક said,

    April 5, 2012 @ 1:42 AM

    હિતેનની સિગ્નેચર ગઝલ…
    આવી જ ગઝલ વડોદરાના કવયિત્રી ડૉ.દીના પાઠકની પણ છે- “આ માણસને ઠાર કરી દો…”

  3. Rina said,

    April 5, 2012 @ 2:45 AM

    ૅAwesome

  4. devanand jadav said,

    April 5, 2012 @ 3:28 AM

    માણસ ની કેવી બ્લુ પ્રિન્ટ….!!!

  5. sweety said,

    April 5, 2012 @ 4:02 AM

    ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
    બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

    બાપ રે બાપ

  6. rajul b said,

    April 5, 2012 @ 7:46 AM

    માણસ માણસ છે તેથી જ આવી રીતે વર્તે છે..

    જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
    કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી..

    સરસ અને એક્દમ સત્ય…

  7. pragnaju said,

    April 5, 2012 @ 11:45 AM

    સુંદર ,સચોટ,સાચી વા ત
    સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે, આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે. લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે. હિતેનભાઇ કહે છે એમ, આજના માણસમાં આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’ ?!!

  8. mukund joshi said,

    April 5, 2012 @ 1:01 PM

    સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
    એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી……જે માણસ પોતાના માંથી પળભર પણ બહાર જ ન નિકળી શકે…ઍ કુડદરત ને કેવી રીતે મળી શકે !

  9. Dhruti Modi said,

    April 5, 2012 @ 5:48 PM

    સુંદર….

  10. munira said,

    April 6, 2012 @ 1:12 AM

    very nice!

  11. jyoti hirani said,

    April 6, 2012 @ 12:10 PM

    ખુબ સુન્દર ગઝલ

  12. Sandhya Bhatt said,

    April 8, 2012 @ 12:45 PM

    આ ગઝલ સરળ અને માણી શકાય એવી છે. એક વાર એક કોલેજમાં પ્રવચન આપવા ગયેલી ત્યારે આખી ટાંકી હતી…

  13. SURESHKUMAR G VITHALANI said,

    April 10, 2012 @ 7:12 AM

    EXCELLENT GAZAL ! THANKS .

  14. jigar joshi 'prem said,

    April 11, 2012 @ 12:39 PM

    ફરિ વાર વાચિને આનઁદ થયો

  15. વિવેક said,

    April 12, 2012 @ 3:15 AM

    કવિતા એ બહુધા અસંતોષ, અજંપાનું પરિણામ હોય છે. ક્યારેક કવિતા લખાઈ ગયા બાદ પ્રસવ પછીનું સુખ અનુભવાય છે તો ક્યારેક કવિતા લખાઈ ગયા બાદ પણ કંઈક બાકી રહી ગયુંની પીડા કનડતી રહેતી હોય છે. હિતેન આનંદપરાની આ ગઝલ ખૂબ પ્રસિદ્ધ થઈ અને પુસ્તકમાં છપાઈ પણ ગઈ પરંતુ એણે કદાચ કવિને સતત કનડ્યે રાખ્યો જેના પરિણામ સ્વરૂપે આ ગઝલમાં કવિએ પછીથી પાંચ-પાંચ નવા શેર ઊમેર્યા જે આ પ્રમાણે છે:

    દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
    ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી

    હતા બાળકો જયારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
    હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી

    નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત ?
    ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

    ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
    દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.

    ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
    અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.

  16. hiten anandpara said,

    April 12, 2012 @ 4:09 AM

    નવા શેરો શામેલ કરવા માટે અભાર વિવેકભાઈ. લયસ્તરોનો લખલૂટ ઉપયોગ મારી કોલમ અર્ઝ કિયા હૈ (દર શનિવારે ગુજરાતી મિડ ડે) માટે કરું છું. પ્રસ્તુત ગઝલ લખી ત્યારે માત્ર ૪ શેર લખેલા. યાદ છે ત્યાં સુધી હરીન્દ્ર દવેની સમગ્ર કવિતા ‘ચાલ વરસાદની મોસમ છે’ ના વિમોચન
    પ્રસંગે ભાવનગરમાં, શરૂઆતના ગાળામાં રજુ કરેલી. શ્યામલ સૌમિલે સ્વરાંકન કર્યું પછી આ ગઝલ મુશાયરામાં રજુ કરવાનું નહિવત કરી નાખ્યું. સ્વરાંકન જ એટલું અદભુત છે ! એટલે આ ગઝલની અનિવાર્યતા જાળવી રાખવા પછી થોડા શેર ઉમેર્યા, જેથી પઠન કરતી વખતે મને પોતાને મોનોટોની ન લાગે.

  17. વિવેક said,

    April 12, 2012 @ 7:58 AM

    🙂

  18. Dhavalkumar Patel said,

    April 18, 2012 @ 5:54 AM

    ખુબ સુન્દર …. અદભુત્

  19. અશોક જાની 'આનંદ' said,

    April 18, 2012 @ 5:54 PM

    ખુબ જાણીતી ગઝલ અહીં ફરી માણવાની મોજ પડી, નવા શે’રો સહિત ….

  20. Nirad Bhatt said,

    May 10, 2013 @ 1:13 PM

    આવુ કઇક પણ હતુ
    દુનિયા આખિ આગળ કૈ ના ચાલે,ત્યારે કેવા ધખારા કરે એ
    ઘરે જૈને પાચ્હો એના જણને જ લડૅ ચ્હ્હે
    આ માણસ બરાબર નથિ!!

  21. કિશોર બારોટ્ said,

    April 12, 2015 @ 3:20 AM

    ઉમેરાયેલા દરેક શે’ર સુન્દર્.વાહ કવિ.

  22. jigna trivedi said,

    August 25, 2015 @ 12:11 AM

    નખશિખ સુંદર ગઝલ.

  23. Manji Raam said,

    September 5, 2020 @ 7:40 AM

    Perhaps…Always try to include “an audio or video Youtube link” to enjoy fully? Whenever Possible going forward.
    Isn’t it 2020 Now! ..Thanks.

  24. હિમાંશુ ત્રિવેદી said,

    March 21, 2023 @ 10:58 PM

    ખૂબ સરસ શબ્દો અને અભિવ્યક્તિ. કવિ શ્રી હિતેન આનંદપરા નો આભાર.
    શ્યામલભાઈ – સૌમિલભાઈ મુન્શી નો આભાર.
    વિવેકભાઈ ટેલર નો આભાર માનીએ એટલો ઓછો પડે.
    ~ હિમાંશુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment