જ્યાં સુધી ‘ઈર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સહિયર – હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયર?

-હિતેન આનંદપરા

મધમીઠું ઊર્મિકાવ્ય….

3 Comments »

  1. Hiren said,

    March 14, 2016 @ 3:22 AM

    બોવ માજા આવી ગઈ હિતેનભાઈ શું લખે છે આનંદ અને સુંદરતા જ અનુભવાય

  2. vipul said,

    March 14, 2016 @ 3:30 AM

    ખુબજ સરસ ગીત

  3. La Kant Thakkar said,

    March 20, 2016 @ 4:59 AM

    “….મોર પાળ્યો છે મેં ,/ એના ટહુકા સંભળાય તને સહિયર?
    “….શબ્દો નીકળે છે શરમાતા,…”
    “….લથબથ ભીનાશ ક્યાંથી આવી?…”
    …-હિતેન આનંદપરાને ડોમ્બીવલીમાં, ‘ગુજરાતી સમાજના કવિ સંમેલનમાં સાંભળ્યા-માન્યાની યાદ ….
    ક્યારેક તો કમાલ કરે છે આ ” નમ્ર-નાજુકાઈ ” …કવિની …”….ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી?…”
    ઉમાશંકર જોશીની પંક્તિ નું સ્મરણ કરાવે, ….એવું ખરું કે, મન મજામાં હોય ,હૈયું લથબથ ભીનું હોય ત્યારે
    “. વરસાદ પછીનો …. તડકો વધુ સોનેરી લાગે ! …વધુ મીઠો લાગે ?!” હિતેનભાઈએ પ્રેમની વાછંટ માણ્યા પછે લખાયેલી …વાતો ….જ
    શરમીલા અંતર્મુખી કવિને અબિનંદન .

    .- હું ઘેલી-ઘેલી!

    ” સ્મિતના દોરે મોતી પરોવી આલ્યા,ઢળેલી નઝરુંના શરમના શેરડા પાડી,
    તમે પૂછો છો: ‘ કેમ અલી ચૂપ છો? અલબેલી?’, ને હું થઈ ગઈ ઘેલી !
    તમે સે’જ ધક્કો માર્યો, ને, એક સુગંધ વળી ઘેરી,એના સ્પર્શે હું ઘેલી-ઘેલી!
    હું તો ઊડતી છકેલી એક પહેલી !શરમ-મરજાદ બધી મેલી,થઈ ઘેલી-ઘેલી!
    હું તો નાચતી મદીલી સહેલી,તારી બાહોંમાં ભીંસાતી હવાની હરફર શી હેલી !
    હું તો ભરતી ઊડાન ઊંચી માણતી રણઝણ ને, કંપની રેલી,હું રાનની વનવેલી,
    ધીમું,હળવું સળવળતી તારી એ હૂંફ રહું માણતી,દિલથી મન મેલી,ટળવળતી,
    હવાની હેલીને કોખમાં સમાવી, સઢ ખોલી,પલાણું મુક્ત બની વહેલી-પહેલી,
    એની કૃપાના અવિરત વરસાદમાં,એવું કઈં નવલું કરું હું સાવ પહેલ-વે’લી….”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment