હૈયું ફાટ્યું કે પછી વાદળ?
હૈયામાન ખાતાએ કહ્યું- છે વાત હવે ભયજનક સપાટીથી આગળ.
વિવેક મનહર ટેલર

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

4 Comments »

  1. KETAN YAJNIK said,

    December 22, 2016 @ 7:59 AM

    ગનીચાચા મનહરયું ને “દિલ તમોને આપતા આપી દીધું”

  2. Jigna shah said,

    December 22, 2016 @ 12:04 PM

    Hitenbhai nu muktak saras .
    Zindgi ne svikarvani vaat.
    Aahaa.

    Bina 3 muktak to saraj che.ena vishe ghanu kahevai gayu che…

  3. Kirtan Patel said,

    January 31, 2026 @ 5:53 PM

    હું ગની દહીંવાલાની “યાદ આવે છે” ગઝલ ને શોધી રહ્યો છું.
    YouTube પર આ ચંદ્રા કોઠારી દ્વારા ગવાયેલું ગીત છે, પણ એના lyrics ક્યાંય મળી નથી રહ્યા: https://www.youtube.com/watch?v=cgf8CpnwOwc
    આપની પાસે ક્યાંકથી આના શબ્દો મળી શકે તો ઘણું સારું…

  4. વિવેક said,

    February 1, 2026 @ 12:38 PM

    @kirtan Patel:

    Here it is:

    એક પત્ર – ગની દહીંવાળા

    (નઝમ)

    એ વ્યાકુળતા, વિમાસણ પર વિમાસણ યાદ આવે છે,
    ગયાં જ્યારે તમે, રડતું એ આંગણ યાદ આવે છે;
    વિખૂટાં પાડતું આપણને, કારણ યાદ આવે છે,
    વિસારું છું હજારો વાર તો પણ યાદ આવે છે,
    એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.

    જગત પોઢે છે ત્યારે આભના તારા ગણું છું હું,
    મરણથીયે નકામી જિંદગી જીવી મરું છું હું;
    તમારું નામ લઈ બસ અશ્રુઓ સાર્યા કરું છું હું,
    વીતેલો એ સમય રડવાને કારણ યાદ આવે છે,
    એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.

    ખુશી મુખ પર જણાયે શી રીતે જ્યાં આગ હો મનમાં,
    વસંતોની વિરોધી પાનખર છે મારા જીવનમાં;
    જે પ્રા:તકાળ કોયલડી કદી ટહુકે છે ઉપવનમાં,
    તમારી સાથમાં વીતેલ શ્રાવણ યાદ આવે છે.
    એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.

    તમે બોલાવતાં, હું આવતો એક જ ઈશારે ત્યાં,
    મને મિત્રોય કહેતાં : મુખ સાંજે ત્યાં સવારે ત્યાં?”,
    કદી મહેમાન થાતો આપનો હું, આપ મારે ત્યાં,
    પરસ્પરનાં એ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે,
    એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.

    વીતાવી કૈંક દિવાળી મિલનની આશ મેં સેવી,
    અમીદૃષ્ટિ હંમેશાં રાખજો પહેલાં હતી તેવી,
    લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આપનું દેવી!
    કલમને માનનાં સો સો વિશેષણ યાદ આવે છે,
    એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.

    – ગની દહીંવાળા
    ૧૩-૨-૧૯૪૫

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment