સૂફીનામા : ૦3: ખાલી શ્વાસ – રૂમી
ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.
ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.
હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.
મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.
હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.
– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)
સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.
સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.
અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.