આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

8 Comments »

  1. મીના છેડા said,

    December 24, 2011 @ 3:33 AM

    કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
    જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

  2. PRAHELADPRAJAPATI said,

    December 24, 2011 @ 5:51 AM

    જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
    અને જીવનું ક્યાંક બીજે વતન છે.
    -ચિનુ મોદી ‘ઈર્શાદ’ વેર્ય ને

  3. pragnaju said,

    December 24, 2011 @ 7:36 AM

    મોતની સમજણ ન આવી કામ કૈં,
    જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.
    -ચિનુ મોદી ‘ઈર્શાદ’
    બધા જ સ રસ શેર મા આ વધુ ગમ્યો

  4. Bharat Trivedi said,

    December 24, 2011 @ 9:48 AM

    દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
    એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!
    -ચિનુ મોદી ‘ઈર્શાદ’

    વિસ્મય કે કુતૂહલ એ કવિનો સ્વભાવ હોય છે. મૃત્યુનો ભય હોય કે ના હોય પણ મૃત્યુ પછી શું બનતું હશે તે અંગેનું કુતૂહલ પણ ઓછું હોતું નથી જ. એ જ આવા સુંદર શેરના સર્જનનું નિમીત્ત બનતું હોય છે. મૃત્યુ વિષેના શેરનું એક પુસ્તક બને તો કેવું સારું!

  5. Lata Hirani said,

    December 24, 2011 @ 11:49 AM

    મૃત્યુ કાવ્યો માટે મારુ યે ખેચાણ હતુ જ્. તમે દરવાજા ખોલી નાખ્યા…

    લતા

  6. Dhruti Modi said,

    December 24, 2011 @ 4:12 PM

    મૃત્યું પરના કવિના બધાં જ શે’ર સારા બન્યાં છે.

  7. Chandrakant Lodhavia said,

    December 24, 2011 @ 9:12 PM

    ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩December 24, 2011 at 12:15 am by વિવેક · Filed under ચિનુ મોદી, મૃત્યુ વિશેષ, શેર, સંકલન
    અમંગળ વિચારધારા માટે મંગળ કામના.

    ચન્દ્રકાન્ત લોઢવિયા

  8. Dr jagdip nanavati said,

    December 24, 2011 @ 10:28 PM

    એટલુ વિસ્તારથી તેં કહી દીધુૅ
    કે હવે મરવું જ બસ બાકી રહ્યું …!!

    જગદીપ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment