ચુનીલાલ મડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 22, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ચુનીલાલ મડિયા, સોનેટ
ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,
દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.
જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના
સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.
– ચુનીલાલ મડિયા
દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…
પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…
Permalink
December 6, 2011 at 12:15 AM by વિવેક · Filed under ચુનીલાલ મડિયા, મૃત્યુ વિશેષ, સોનેટ
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.
અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.
અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે
-ચુનીલાલ મડિયા
મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !
Permalink