કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
વિવેક મનહર ટેલર

સહદેવ – ચુનીલાલ મડિયા

ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,

દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.

જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના

સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.

– ચુનીલાલ મડિયા

દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…

પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…

2 Comments »

  1. pragnajuvyas said,

    September 22, 2021 @ 8:50 AM

    કવિશ્રી ચુનીલાલ મડિયાનુ’સહદેવનુ અતિજ્ઞાન’ સુંદર સોનૅટ
    આ બધા ‘અતિ’સાથે સહદેવનુ અતિજ્ઞાન મુશ્કેલીના સમયે મદદરુપ થવાને બદલે પીડાજનક બની રહે છે. એ દ્યુતનુ પરિણામ અને દ્રૌપદી વસ્ત્રહરણ બન્ને પ્રસંગો જોઇ શકે છે પણ વચનની મર્યાદાને કારણે વગર પુછ્યે કહી શકતો નથી. અહી પણ એને નાનો ગણીને એની સલાહલેવાનુ મોટા ભાઇને જરુરી લાગતુ નથી. કેટલીય પ્રતિજ્ઞાઓ, વેર, ને આ બધા અતિનો સરવાળો કુરુક્ષેત્રના મેદાનમાં ટકરાય છે.

  2. જયેન્દ્ર ઠાકર said,

    September 22, 2021 @ 11:08 AM

    ન કહેવાય, ન સહેવાય! કેવી વિટંબણા!! પાંચે પાંડવોમાં કદાચ સહદેવને બધાથી વધુ સહન કરવું પડ્યુઢશૅ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment