સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર !
નર્મદ

અછાંદસોત્સવ: ૦૨ : વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ મને લાગે છે… ર.પા.નું આ અછાંદસ કાવ્ય તો ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ ખાસ્સી મદદ કરે એવું છે.

કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

9 Comments »

  1. સંજુ વાળા said,

    December 8, 2018 @ 2:51 AM

    અદભૂત કાવ્ય
    સરસ આસ્વાદ
    અભિનંદન કવિને અને આસ્વાદકને
    અછાંદસ કવિતાના આ ઉપક્રમને સુકામનાઓ
    સરસ પ્રકલ્પ.

  2. Dr Dharmesh Bhadja said,

    December 8, 2018 @ 7:54 AM

    અહા… અદ્ભુત

    આભાર ખુબ ખુબ આભાર … વિવેકભાઈ…

  3. Nehal said,

    December 8, 2018 @ 10:19 AM

    Amazing poem! Reminds me of ‘ The old man and the sea’ by Hemingway.

  4. pragnajup said,

    December 8, 2018 @ 1:20 PM

    સ ર સ કાવ્ય
    ગુઢ શબ્દો ને બિરદાવવા અમારી પાસે કોઇ શબ્દો નથી !
    રસાસ્વાદ વગર માણવું કદાચ અધૂરું લાગત…!
    ધન્યવાદ

  5. pragnaju said,

    December 8, 2018 @ 4:18 PM

    સ ર સ કાવ્ય
    ગુઢ શબ્દો ને બિરદાવવા અમારી પાસે કોઇ શબ્દો નથી !
    રસાસ્વાદ વગર માણવું કદાચ અધૂરું લાગત…!
    ધન્યવાદ

  6. વિવેક said,

    December 9, 2018 @ 12:42 AM

    આભાર દોસ્તો…

  7. Neha Purohit said,

    December 9, 2018 @ 1:38 AM

    હલેસા અને હાથ પગનો ત્યાગ એ ભૌતિક સુખ સગવડતા છોડવાનું પ્રતિક.. છાતી સુધી હોમવાને કદાચ હ્યદયથી … લાગણીથી વિચારવાનું બંધ કર્યું એ સંદર્ભે લઈએ તો હવે નાયક ફક્ત બુદ્ધિથી કામ પાર પાડશે એ વાતથી આગળની કવિતા ચપોચપ આગળ વધે છે. કાળી વિજળીઓનો મતલબ- હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઇ શકાય.

  8. Nehal said,

    December 9, 2018 @ 9:50 AM

    Beautiful. It reminds me of ‘The old man and the sea’ by Hemingway.

  9. વિવેક said,

    December 10, 2018 @ 12:21 AM

    સહુ મિત્રોનો આભાર…

    નેહા પુરોહિત: વાહ! શું મજાનું અર્થઘટન કર્યું છે.,.. કવિતાની આ જ મજા છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment