‘લયસ્તરો’ને આજે એકવીસ વર્ષ પૂરાં!
જીવનમાં કોઈક વાર કવિતા તોફાનની જેમ આવે છે. અને એના રુદ્ર સ્વરૂપમાં બધું જ ધોવાઈ જાય છે.
ને વળી કવિતા-રાણી કોઈ વાત પાયલના રણકાર સાથે આવે છે. એના એક એક પગલે સામટા હજારો દીવાઓની કતાર ખડી થઇ જાય છે.
ક્યારે એવી ઘડી આવે છે જયારે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જેમ વિરાટ સ્વરૂપ બતાવેલું એવી જ રીતે કવિતા તમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે. એ ઘડીએ કવિતાની પાછળ આખી જિંદગીભર જોયેલી વાટ સફળ થઈ જાય છે.
કોઈ નાજુક ક્ષણે કવિતા એક અધકચરા સ્મિતના રૂપમાં આવે છે. તમને રમાડે છે અને ટટળાવે છે.
પછી કોઈ વાર કવિતા વટવૃક્ષ થઇને આવે છે. જિંદગીના તડકાને છાંયડો કરતી જાય છે.
અને આ તો કવિતાના થોડા જ સ્વરૂપોની વાત થઈ.
આવા તો કાંઈ અગણિત લાડ કવિતા ભાવકને લડાવે છે.
કમનસીબે કવિતા કોઈ પણ રૂપમાં તમારી સાથે લાંબો સમય રહેતી નથી. કવિતા સાથે એક ઘડી કે એક ક્ષણ તો બહુ થઈ ગઈ. એનાથી વધારે કવિતા કાંઈ આપી શકે નહીં અને એનાથીય વધારે આપણે એની પાસે કાંઈ માંગી પણ શકીએ નહીં.
જે જાદુ એક ઘડીથી વધારે ટકતો નથી એને કેમ કરી સંઘરવો અને કેમ કરી વહેંચવો?
કવિતાના આ જાદુને વહેંચવાનો ઉદ્યમ એટલે ‘લયસ્તરો’.
આમ તો આ ઉદ્યમ મૂળથી જ અશક્ય. તો ય કેમે કરીને ચાલ્યો. ભાવકોના પ્રેમથી અશક્ય પણ અર્ધ-શક્ય બન્યું. કવિઓનો પણ ખુબ પ્રેમ મળ્યો. પોતાના દિલના ટુકડા જેવા શબ્દો અમારી સાથે વહેંચવા માટે કવિઓએ કદી પણ સામે કશું માગ્યું નથી. એક અશક્ય સફર એક મજલિસ બની ગઈ. કોઈ દિવસ જે વિચાર્યું નહોતું એ બધું કવિતા-રાણીના પાલવના છાંયડામાં શક્ય બન્યું.
આજે એ ઉદ્યમને એકવીસ પુરા થયા.
આ સફરનો આખી જિંદગી સફળ થઇ ગઈ હોય એટલો આનંદ છે. અને એ આનંદ બધા સાથે વહેંચીને ખાધો એનો સવિશેષ આનંદ છે.
આટલા બધા લોકોનું આટલું બધું ઋણ મારો નાનકડો જીવ કદી ચૂકવી શકશે નહીં એ તો ખબર જ છે. પણ સાથે એ પણ ખબર છે કે પાછલી રાત્રે અકારણ યાદ આવી ગયેલી ભુલાયેલી કવિતાની એ જાજરમાન પંક્તિઓ જે જીવતરને જીવવા જેવું કરતી જાય છે એના ખાતર તો આવા હજારો ઋણ કબૂલ છે 🙏
તા.ક.: દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ પર કંઈક વિશેષ કરવાની પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખીશું. પણ એ ‘વિશેષ’ માટે આપે આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે !












