રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજકારણ વિશેષ

રાજકારણ વિશેષ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રાજકારણ વિશેષ : ૧૧ : Communication – રમેશ પારેખ

આ તરફ કરફ્યૂ
તો પેલી તરફ લોહીને ફ્યૂઝ કરી ઉડાડી દેવાનું કાવતરું
કેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવું
દ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવું
અને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું

*

શક્યતા કૃતનિશ્ચયી બનીને
બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
કશું કહેવાય નહીં.

*

અફવાઓનું તો પર્વ હતું

*

કૉમ્યુનિકેશનનો તમામ પુરવઠો ફૂંકી મારવામાં આવેલો.

*

કરફ્યૂગ્રસ્ત એવા
શ્રી શ્રી ખાલીદાસ તો
પોતાનાં ઘરમાં ગુમસૂમ
ને
કોરા કાગળમાં મિલિટરીવાન પેઠે
કોરા કાગળનો સૂનકાર
લટારો મારે…

*

શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
એ દૃશ્ય
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.

આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું…

– રમેશ પારેખ
(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)

રાજકારણ વિશેષ પર્વની ઉજવણી નિમિત્તે આજે આ આખરી કાવ્ય.

ર.પા.ના કેટલાક કર્ફ્યૂ કાવ્યોમાંનું આ એક આજે આપ સહુ માટે…

કર્ફ્યૂ લાગે એટલે શહેરના રસ્તાઓ ખાલી થઈ જાય. ખાલી શેરીઓ અને ખાલી સંવેદનાઓનો કથાનાયક કવિ ખાલીદાસ જ હોઈ શકે ને, કાલિદાસ થોડો હોય! આગનું ભડકે બળવું, શક્યતા બધું બાળવા ફરતી હોય, અફવાઓનું પર્વ, કૉમ્યુનિકેશનનો ફૂંકી નંખાયેલ પુરવઠો – એકેએક રૂપકમાં ર.પા.નો સ્પર્શ વર્તાય છે. ધાવણા બાળક માટે દૂધ શોધવા નીકળેલ મજબૂર માને કેવળ સાક્ષીભાવે ગોળી ખાતી જોઈ કવિ ખાલીદાસની જાણ બહાર કોરા કાગળ પર એક આંસુ ટપકી પડે છે એની આસપાસ કવિએ જે કાવ્યગૂંથણી કરી છે, એ આપણા રોમેરોમને હચમચાવી દે એવી સશક્ત છે.

અંતે એટલું જ કહીશ, રાજકારણ પર કવિતા ચોક્કસ હોઈ શકે પણ કવિતા પર રાજકારણ ન જ હોવું જોઈએ…

અઢાર-અઢાર વરસથી સતત અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અમે સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..

Comments (6)

રાજકારણ વિશેષ : ૧૦ : वो सुब्ह कभी तो आएगी – साहिर लुधियानवी

वो सुब्ह कभी तो आएगी
इन काली सदियों के सर से
जब रात का आँचल ढलकेगा
जब दुख के बादल पिघलेंगे
जब सुख का सागर छलकेगा
जब अम्बर झूम के नाचेगा
जब धरती नग़्मे गाएगी
वो सुब्ह कभी तो आएगी

जिस सुब्ह की ख़ातिर जुग जुग से
हम सब मर मर कर जीते हैं
जिस सुब्ह के अमृत की धुन में
हम ज़हर के प्याले पीते हैं
इन भूकी प्यासी रूहों पर
इक दिन तो करम फ़रमाएगी
वो सुब्ह कभी तो आएगी

माना कि अभी तेरे मेरे
अरमानों की क़ीमत कुछ भी नहीं
मिट्टी का भी है कुछ मोल मगर
इंसानों की क़ीमत कुछ भी नहीं
इंसानों की इज़्ज़त जब झूटे
सिक्कों में न तौली जाएगी
वो सुब्ह कभी तो आएगी

दौलत के लिए जब औरत की
इस्मत को न बेचा जाएगा
चाहत को न कुचला जाएगा
ग़ैरत को न बेचा जाएगा
अपने काले करतूतों पर
जब ये दुनिया शरमाएगी
वो सुब्ह कभी तो आएगी

बीतेंगे कभी तो दिन आख़िर
ये भूक के और बेकारी के
टूटेंगे कभी तो बुत आख़िर
दौलत की इजारा-दारी के
जब एक अनोखी दुनिया की
बुनियाद उठाई जाएगी
वो सुब्ह कभी तो आएगी

मजबूर बुढ़ापा जब सूनी
राहों की धूल न फाँकेगा
मासूम लड़कपन जब गंदी
गलियों में भीक न माँगेगा
हक़ माँगने वालों को जिस दिन
सूली न दिखाई जाएगी
वो सुब्ह कभी तो आएगी

फ़ाक़ों की चिताओं पर जिस दिन ( फ़ाक़ों = भुखमरी )
इंसाँ न जलाए जाएँगे
सीनों के दहकते दोज़ख़ में
अरमाँ न जलाए जाएँगे
ये नरक से भी गंदी दुनिया
जब स्वर्ग बनाई जाएगी
वो सुब्ह कभी तो आएगी

2

वो सुब्ह हमीं से आएगी
जब धरती करवट बदलेगी
जब क़ैद से क़ैदी छूटेंगे
जब पाप घरौंदे फूटेंगे
जब ज़ुल्म के बंधन टूटेंगे
उस सुब्ह को हम ही लाएँगे
वो सुब्ह हमीं से आएगी
वो सुब्ह हमीं से आएगी

मनहूस समाजी ढाँचों में
जब ज़ुल्म न पाले जाएँगे
जब हाथ न काटे जाएँगे
जब सर न उछाले जाएँगे
जेलों के बिना जब दुनिया की
सरकार चलाई जाएगी
वो सुब्ह हमीं से आएगी

संसार के सारे मेहनत-कश
खेतों से मिलों से निकलेंगे
बे-घर बे-दर बे-बस इंसाँ
तारीक बिलों से निकलेंगे ( तारीक = अंधेरे )
दुनिया अम्न और ख़ुश-हाली के
फूलों से सजाई जाएगी
वो सुब्ह हमीं से आएगी

– साहिर लुधियानवी

કોણ જાણે કેમ પણ બાળપણથી જ આ નઝમ દિલની બહુ જ કરીબ….
૧૯૯૧-૯૨ પહેલાંનું બોલીવુડ પૂર્ણ સમાજવાદને રંગે રંગાયેલુ. રાજ કપૂરથી લઈને ઘણાં સર્જકો મગજથી વામપંથી (ભલે વ્યવહારથી જરાય ન હોય 😀😀😀) અને સાહિર, કૈફી, જાંનિસાર અખ્તર વગેરે સરકારને સણસણતી ચાબૂક ફટકારતા. અને એમ હોવું જ જોઇએ એમ હું માનું….. સામાજિક નિસ્બત કાવ્યનું અભિન્ન અંગ છે જ છે. ” ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે….”- નો રણટંકાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

૧૯૫૦-૬૦-૭૦નું હિંદુસ્તાન ભૂખ્યું હતું. આજ જેવો માહિતી-વિસ્ફોટ લગીરે નહોતો. હિંદુસ્તાનના લલાટે કમનસીબે અજ્ઞાન અને અંધવિશ્વાસની કાળી ટીલી કાયમ રહી છે. વિજ્ઞાન કરતાં ભૂતપલિતમાં વધુ વિશ્વાસ આપણા પરનો શ્રાપ છે. અધૂરામાં પૂરું – આઝાદી પછી તદ્દન નબળા અને કુચરિત નેતાઓ સાંપડ્યા….તમામ પરિબળોએ આઝાદી પછીના નવભારતનો સ્વપ્નભંગ પળવારમાં કરી દીધો. ભૂખ,ગરીબી,શોષણ અને ભ્રષ્ટાચાર જાણે કે ઘર ભાળી ગયા…શરમ નેવે મૂકાઈ, નીતિ ઉપહાસને પાત્ર બની… દુષ્ટતા સ્વીક્રુતિ પણ પામી અને આદર પણ પામવા લાગી – બસ, આ જ પ્રુષ્ઠભૂમિમાં આ નઝમ કહેવાઈ છે….

वो सुब्ह हमीं से आएगी – આ મુદ્દાની વાત છે…

આજે ઘણો સુધારો છે, પરંતુ હિમાલય જેવડું કામ બાકી પણ છે. કોઈપણ દેશ એ સતત ઈવોલ્વ થતો ફિનોમેના છે. ભાવિના ગર્ભમાં અપાર શક્યતાઓ રહેલી છે….

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૯ : किसी के बाप का हिन्दोस्तान थोड़ी है – राहत इंदौरी

अगर ख़िलाफ़ हैं होने दो, जान थोड़ी है
ये सब धुआँ है कोई आसमान थोड़ी है

लगेगी आग तो आएँगे घर कई ज़द में ( जद = नुकसान )
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है

मैं जानता हूँ के दुश्मन भी कम नहीं लेकिन
हमारी तरहा हथेली पे जान थोड़ी है

हमारे मुँह से जो निकले वही सदाक़त है ( सदाकत = सच्चाई )
हमारे मुँह में तुम्हारी ज़ुबान थोड़ी है

जो आज साहिबे मसनद हैं कल नहीं होंगे ( साहिबे मसनद = તખ્તનશિન )
किराएदार हैं ज़ाती मकान थोड़ी है

सभी का ख़ून है शामिल यहाँ की मिट्टी में
किसी के बाप का हिन्दोस्तान थोड़ी है

– राहत इंदौरी

રાજનૈતિક કાવ્યની વાત હોય અને રાહતસાહેબ ન હોય એવું બને !!!!

છેલ્લો શેર તો એટલો મજબૂત છે કે જ્ર્યાં સુધી ભારત દેશ છે ત્યાં સુધી ભૂલાશે નહી…. નક્કર સત્યની બળકટ અભિવ્યક્તિ.

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૮ : भेड़िया – सर्वेश्वर दयाल सक्सेना

-एक

भेड़िए की आँखें सुर्ख़ ( લાલચોળ ) हैं।

उसे तब तक घूरो
जब तक तुम्हारी आँखें
सुर्ख़ न हो जाएँ।

और तुम कर भी क्या सकते हो
जब वह तुम्हारे सामने हो?

यदि तुम मुँह छिपा भागोगे
तो भी तुम उसे
अपने भीतर इसी तरह खड़ा पाओगे
यदि बच रहे।

भेड़िए की आँखें सुर्ख़ हैं।
और तुम्हारी आँखें?

-दो

भेड़िया ग़ुर्राता है
तुम मशाल जलाओ।
उसमें और तुममें
यही बुनियादी फ़र्क़ है

भेड़िया मशाल नहीं जला सकता।

अब तुम मशाल उठा
भेड़िए के क़रीब जाओ
भेड़िया भागेगा।

करोड़ों हाथों में मशाल लेकर
एक-एक झाड़ी की ओर बढ़ो
सब भेड़िए भागेंगे।

फिर उन्हें जंगल के बाहर निकाल
बर्फ़ में छोड़ दो
भूखे भेड़िए आपस में ग़ुर्राएँगे
एक-दूसरे को चीथ खाएँगे।

भेड़िए मर चुके होंगे
और तुम?

 

—तीन

भेड़िए फिर आएँगे।

अचानक
तुममें से ही कोई एक दिन
भेड़िया बन जाएगा
उसका वंश बढ़ने लगेगा।

भेड़िए का आना ज़रूरी है
तुम्हें ख़ुद को चहानने के लिए
निर्भय होने का सुख जानने के लिए
मशाल उठाना सीखने के लिए।

इतिहास के जंगल में
हर बार भेड़िया माँद से निकाला जाएगा।
आदमी साहस से, एक होकर,
मशाल लिए खड़ा होगा।

इतिहास ज़िंदा रहेगा
और तुम भी
और भेड़िया?

– सर्वेश्वर दयाल सक्सेना

માનવજાત અસ્તિત્વમાં આવી પછી સમાજરચના થઈ ત્યાર પછી સતત એક આદર્શ રાજ્યવ્યવસ્થાની શોધ ચાલી રહી છે. આજે પણ કોઈ પરફેક્ટ વ્યવસ્થા નથી રચી શકાઈ. લોકશાહી અત્યારે”Lesser Evil” નું સ્થાન ધરાવે છે, પરંતુ તેમાં પણ પુષ્કળ ત્રૂટિઓ છે. લોકશાહીની સફળતાનો આધાર નાગરિકની ક્વોલિટી ઉપર છે.

કાવ્યજગત કઈ રીતે સામાજિક/રાજકીય નિસ્બતથી અલિપ્ત હોઈ જ શકે !!?? જે સમાજમાં હરક્ષણ દેખાય છે તે કવિ અનુભવે છે અને કાવ્યે કંડારે છે. એમાં જનસામાન્યનો ચિત્કાર પડઘાય છે.

ત્રણ ભાગમાં એક જ કાવ્ય છે. પહેલાં ખંડમાં કવિ ચેતવે છે કે આસુરી રાજકીય તાકાતથી આંખ આડા કાન ન કરો – એની આંખો માં આંખો પરોવી સામનો કરો…. બીજા ખંડમાં આતતાયી રાજ્યશક્તિનો સામનો કઈ રીતે કરવો તે વર્ણન છે- સમૂહશક્તિ માટે તે અશક્ય નથી. અંગ્રેજ સામે ઝૂઝવા માટે હિંદુસ્તાન પાસે આ રસ્તો હતો. મશાલ એ જાગ્રતિ/જ્ઞાનનું પ્રતિક છે. ત્રીજો ખંડ કાવ્યનું હાર્દ છે. કોઈપણ ક્રાંતિનું એ અભિન્ન ભયસ્થાન છે-ક્રાંતિકારી પોતે જ આતતાયીનું સ્થાન લઈ લેશે….. ઈતિહાસમાં આવા અસંખ્ય ઉદાહરણ છે. કવિ એનો પણ રસ્તો બતાવે છે…. ત્રણે ખંડમાં અંતે કવિ પ્રશ્ન મુકે છે અને વાચકને એ કદી ભૂલવા નથી દેતા કે સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં નાગરિક પોતે છે. નાગરિકે એ નથી ભૂલવાનું કે અન્ય કોઈ આ “ભેડિયા”ને પરાસ્ત નહીં કરી શકે….નાગરિકે પોતે જ કરવાનો છે….

 

સર્વેશ્વર દયાલજી હિન્દી કાવ્યનું અતિસન્માનનીય નામ – અને આ કવિતા તેઓની ખૂબ જાણીતી રચના….

Comments (1)

રાજકારણ વિશેષ : ૦૭ : ગાંધીજી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

રાજકીય રંગની કવિતાઓ આપણે ત્યાં ભાગયે જ રચાય છે. એમાં વળી રાજકીય કવિતાઓના આખા સંગ્રહની તો અપેક્ષા પણ ન રાખી શકાય. આવી સ્થિતિમાં શેખાદમ આબુવાલાએ સિત્તેરના દાયકામાં ‘ખુરશી’ નામે રાજકીય કાવ્યોનો નાનકડો સંગ્રહ કરેલો. સાંપ્રત પરિસ્થિતિને નજરમાં નાખીને કટોકટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલા કાવ્યો લોકોનો ખૂબ પ્રેમ પામ્યા છે. એમાંથી બે – એક મુક્તક અને એક ગઝલ – અહીં લીધા છે.

બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. શેખાદમ – અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું / રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! – એવા ચાબખા જેવા શેર લખે છે.

વ્યંગ અને એમાંય રાજકીય વ્યંગમાં ‘ખુરશી’નું સ્થાન અચળ છે.

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૬ : પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

આ ખૂબ જ જાણીતી અને મારી પ્રિયા કવિતા છે. રાજકારણને લગતી કવિતાની વાત આવે તો આને પહેલી જ પસંદ કરવી પડે.

અન્યાયનો વિરોધ અને અનુચીતની સામેનો આક્રોશ સમગ્ર રાજકારણની જનની છે. જ્યાં જ્યાં આ વિરોધ નબળો પડે છે ત્યારે આખો સમાજ નબળો પડે છે. આ કવિતામાં આખી દુનિયાના રાજકારણને બદલી નાખવાની ચાવી છે. અન્યાયનો વિરોધ કરવામાં જે પ્રજા ચુકી જાય છે એ પ્રજાને આગળ જતા ભોગવવાનું આવે જ છે.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૫ : (કાચિંડા) – બાબુ સુથાર 

ભેટે તલવારો બાંધીને
ફરી રહ્યા છે કાચંડા
કાં તો કેસરી રંગના
કાં તો લીલા રંગના;
ગામના ફળિયામાં,
ખેતરના ચાસોમાં,
કૂવાના જળમાં,
અને બારોટની વાર્તામાં પણ.
જ્યાં જુઓ ત્યાં
પોતપોતાના ગળે
ઢોલ લટકાવીને
ઢંઢેરો પીટી રહ્યા છે
આ કાચંડાઓ :
ખબરદાર જો કોઈએ
અમને પૂછ્યા વિના
કંઈ પણ કર્યું છે તો!
તેલ કાઢવામાં આવશે એનું
અવળી ઘાણીએ.
સતના સાચા રખેવાળ અમે જ,
અમે જ ૐના સાચા ધણી,
અમે જ વેદના સાચા વારસદાર,
જેમ પસાયતાં અમારાં
અને રામાયણ અને મહાભારત પણ અમારાં.
અમારી હકૂમત છેક ઉપરવાળા સુધી
એના હસ્તાક્ષરમાં
અમારા અંગૂઠાની છાપો
ઊછળે દરિયાનાં મોજાંની જેમ.
એક માણસે
આ કાચંડાઓને પૂછ્યા વિના
બે દાંત વચ્ચે ફસાઈ ગયેલો
એક રાઈનો દાણો બહાર કાઢ્યો
તો બીજા દિવસે જ એ લોકોએ
એનું અવળી ઘાણીએ તેલ કાઢ્યું.
બીજા એક માણસે
એમને પૂછ્યા વિના જ નખ કાપ્યા
અને બીજા જ દિવસે
એ ઘાણીમાં પીલાઈને
તેલ બની ગયો.

લોકો ક્યાંક સત્ય ન બોલી બેસે
એ માટે
આ કાંચડાઓએ
બોલતી વખતે
જીભ દાંતે અડકાડવા પર પણ
પ્રતિબંધ મૂકી દીધો છે.
કહેવાય છે કે કાચંડાઓના રાજના નાગરિકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની ભાષા બોલવા લાગ્યા છે.

– બાબુ સુથાર

રાજકારણ હોય કે પછી સમાજ- આપણી આસપાસ રહેલા અસંખ્ય કાચિંડાના સ્વભાવને ઉજાગર કરતું અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ… વધુ કોઈ પિષ્ટપેષણનું મોહતાજ ખરું કે?

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૪ : પસંદગીના શેર – દુષ્યન્ત કુમાર

भूख है तो सब्र कर, रोटी नहीं तो क्या हुआ,
आजकल दिल्ली में है जेरे बहस ये मुद्दआ।

कहाँ तो तय था चिरागाँ हरेक घर के लिए,
कहाँ चिराग़ मयस्सर नहीं शहर के लिए। (मयस्सर-नसीब)

यहाँ तक आते-आते सूख जाती है कई नदियाँ,
मुझे मालूम है पानी कहाँ ठहरा हुआ होगा।

तू परेशान बहुत है, तू परेशान न हो,
इन खुदाओं की खुदाई नहीं जाने वाली।

हमको पता नहीं था हमें अब पता चला,
इस मुल्क में हमारी हुकूमत नहीं रही।

कभी किश्ती, कभी बतख़, कभी जल,
सियासत के कई चोले हुए हैं।

पक्ष औ’ प्रतिपक्ष संसद में मुखर है,
बात इतनी है कि कोई पुल बना है।

दरख़्त है तो परिन्दे नज़र नहीं आते,
जो मुस्तहक़ है वही हक़ से बेदख़ल, लोगों। (दरख़्त- पेड, मुस्तहक़-हक़दार)

हर सडक पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

आज सडकों पर लिखे हैं सैकडों नारे न देख,
घर अँधेरा देख तू, आकाश के तारे न देख।

उफ़ नहीं की उज़ड गए,
लोग सचमुच गरीब हैं।

जिस तरह चाहे बजाओ इस सभा में,
हम नहीं है आदमी, हम झुनझुने हैं। (झुनझुना-ઘૂઘરો)

सैर के वास्ते सडकों पे निकल आते थे,
अब तो आकाश से पथराव का डर होता है।

कौन शासन से कहेगा, कौन समझेगा,
एक चिडिया इन धमाकों से सिहरती है।

जिस तबाही से लोग बचते थे,
वो सरे आम हो रही है अब।

अज़मते मुल्क इस सियासत के, (अज़मत–इज्जत)
हाथ नीलाम हो रही है अब।

गूँगे निकल पडे हैं, जुबाँ की तलाश में,
सरकार के ख़िलाफ ये साज़िश तो देखिए।

मैं बहुत कुछ सोचता रहता हूँ पर कहता नहीं,
बोलना भी है मना, सच बोलना तो दरकिनार। (दरकिनार-अलायदा, अलग)

ख़ास सड़कें बंद हैं तब से मरम्मत के लिए
ये हमारे वक़्त की सब से सही पहचान है|

मस्लहत-आमेज़ होते हैं सियासत के क़दम
तू न समझेगा सियासत तू अभी नादान है|
(मस्लहत-आमेज़-जिसमें कोई परामर्श, सलाह सामिल हो)

मुझमें रहते हैं करोडों लोग चुप कैसे रहूँ,
हर ग़ज़ल अब सल्तनत के नाम एक बयान है।

– दुष्यंत कुमार

લયસ્તરોની અઢારમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે પ્રારંભાયેલ રાજકારણ-વિશેષ કવિતાઓની શૃંખલામાં આજે આ પાંચમો મણકો.

માત્ર સાડા ચાર ડઝનથીય ઓછી ગઝલ લખી હોવા છતાં દુષ્યન્તકુમાર હિંદી ગઝલમાં અભૂતપૂર્વ સીમાચિહ્ન બની રહ્યા છે… હિંદી ગઝલને દુષ્યંત સે પહલે ઔર દુષ્યંત કે બાદ -આમ બે ભાગમાં વહેંચીને જોવી પડે એનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? દુષ્યન્તકુમારની ગઝલોની હરએક ગલીઓમાંથી રાજકારણ અને લોકોની સમસ્યાઓના પડઘા સંભળાતા રહે છે. તેઓ સામાજિક જનચેતનાના કવિ હતા… એમની ગઝલોમાંથી વીણેલાં મોતી આપ સહુ માટે…

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૩ : નઘરોળ ચામડી – પારુલ ખખ્ખર 

જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ
જાગી ઊઠ્યાં કીડ-મંકોડા, જાગ્યા સૂતા સાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

ભડભડ બળતાં શેરી-ફળિયા, ભડભડ બળતું ગામ
નિંંભર, તારા ક્રોડ રૂંવાડા તો ય કરે આરામ!
કોણે દીધા હાય… તને રે મગરપણાના શાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

આ ટાણે તો નબળા-સબળા સઘળા ખેલે જંગ
ખરે ટાંકણે ઓઢ્યું કાયર, ઢાલ સરીખું અંગ!
છોડ કાચબા જેવું જીવવું, પાડ અનોખી છાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

જાગ, નહીં તો ભારે હૈયે કરવો પડશે ત્યાગ
એમ કાંચળી ફગવી દેશું જેમ ફગવતો નાગ
કવચ ઉતારી ધોઈ દેશું કવચ ધર્યાનું પાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

– પારુલ ખખ્ખર

પારૂલ ખખ્ખર સામાજિક નિસ્બતના કવિ છે. સમાજમાં છાશવારે બનતી રહેતી નાની-મોટી કરુણાંતિકાઓ એમની સર્જક-સંવેદના સતત સંકોરતી-ઝંકોરતી રહે છે, પરિણામે ગુજરાતી કવિતામાં પ્રમાણમાં વણખેડ્યા રહેલ વિષયો પર રચનાઓ આપણને મળતી રહે છે. રાજકારણ એમનો પસંદગીનો વિષય ન હોવા છતાં સમાજ અને રાજકારણ અવિનાભાવી સંબંધે જોડાયેલ હોવાથી અનાયાસે ક્યારેક કોઈક રચના આપણને મળે એમાં નવાઈ નથી. રાજકારણ-વિશેષ પર્વની ઉજવણીમાં આમ તો ગુજરાતી કવિતાના ઇતિહાસમાં न भूतो न भविष्यति સ્થાનાંકિત કરી ચૂકેલ વાઇરલ રચના ‘શબવાહિની ગંગા’ જ સમાવિષ્ટ કરવાની હોય પણ કવિતા કે કવિતાના હાર્દને સમજ્યા વિના મેદાનમાં આંધળુકિયા કરી કૂદી પડેલ લોકોએ સર્જકને વિસારે ન પાડી શકાય એવી વેદનાના શિકાર બનાવ્યા હોવાથી અને એ રચના લયસ્તરો પર ઓલરેડી હોવાથી આજે આપણે એમની અલગ રચના માણીએ. કોઈપણ શાસકપક્ષ અને કોઈપણ શાસનકાળમાં સાંપ્રત ગણી શકાય એવી આ રચના કોઈ એકાદી નઘરોળ ચામડીને જગાડી શકે તોય ઘણું…

Comments (6)

રાજકારણ વિશેષ : ૦૨ : ક્રાન્તિ – વિપિન પરીખ

અમે કૉફી હાઉસમાં ચાર મિત્રો બેઠા હતા.
એકે સહેજ સાકર વધારે મગાવી.
બેરર કહે, “સા’બ, ચીની જ્યાદા નહીં મિલેગી,
દામ દેતે ભી કહાં મિલતી?”
એટલે એ તૂટી પડ્યો, કહે:
“આ દેશમાં શું મળે છે? ધૂળ?
સાકર નથી, પાણી નથી, દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.
આ સરકાર જ નાલાયક છે.
એ લોકોને આપણે ઉખેડી નાખવા જોઈએ.”

બીજો કહે, “મારા હાથમાં કોઈ મશીન-ગન આપે તો
આ વારતહેવારે ભાષણો પીરસતા મિનિસ્ટરોને
લાઈનમાં ઊભા રાખી સનન્ સનન વીંધી નાખું.”

ત્રીજો કહે, “ના, એ લોકોને એમ મારી નહીં નાખવા જોઈએ.
એ સાલાઓને તો નિર્વસ્ત્ર કરી, ગધેડા પર ઊંધા બેસાડી
ગલીએ ગલીએ મૂંગા માઈક આપી ફેરવવા જોઈએ.’’

એક જણ કહે, “ના ના. સફેદ કપડામાં અક્કડ ચાલતા
એ સુફિયાણા સંતોને ૯–૦૫ની વિરાર ફાસ્ટમાં
એક વરસ સુધી રોજ સવારે મુસાફરી કરાવવી જોઈએ.
એ સજા કદાચ પૂરતી થશે.”

એટલામાં ઘડિયાળના કાંટાથી દાઝી ગયો હોય એમ
એક જણ સફાળો કૂદી ઊઠયો:
“અરે! બે વાગી ગયા, ઊઠો ઊઠો
પાંચ મિનિટ પણ મોડું થશે તો
ઑફિસમાં પેલો બૉસ કૂતરાની જેમ ઘૂરકવા માંડશે.”
ને અમે ચાર ઊભી પૂંછડીએ
ઑફિસ ભણી ભાગ્યા.

– વિપિન પરીખ

લયસ્તરો રાજકારણ-વિશેષમાં આ બીજું પાનું. ગઈકાલની કવિતામાં એકેય શબ્દ ચોર્યા વિના કવયિત્રીએ શાસકપક્ષ પર સીધું જ શરસંધાન કર્યું હતું. આજે હવે દરેક ભાવક નિર્ભીક થઈને ‘મત’ આપી શકે એવી એક કૃતિ જોઈએ. લોકશાહીની પાયાની સમસ્યા કવિએ અહીં બહુ સરળ ભાષામાં સમજાવી છે. લોકશાહીમાં શાસકપક્ષ સામે વાંધો તો દરેકને છે પણ લોકો કેવળ વાકચતુર બનીને રહી જતાં હોવાથી લોકશાહી ઠોકશાહી બનીને માથે પડે છે… મોટી મોટી વાતોના વડાં કરનારાં પણ પોતાની અંગત દુનિયાની બહાર એક પગલું દેશહિતમાં ભરવા જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી શાસકપક્ષ કોઈપણ હોય, મનમાની જ કરવાનો…

Comments (4)

રાજકારણ વિશેષ : ૦૧ : મુખ્યમંત્રીજીનું પહેરણ – સરૂપ ધ્રુવ

અલ્યા,
આ તો સાવ પેલી વાર્તા જેવું થયું!
એ તો કહે છે કે આપણા ગુજરાતમાં શાંતિ છે.
બધું થાળે પડવા માડ્યું છે, રાબેતા મુજબ કામેકાજે ચડી ગયું છે આપણું શાણું
ગુજરાત-આગવું ગુજરાત.
હિંસા? પહેલાંના મુખ્યમંત્રીઓના રાજમાં ચાલતી હતી
એનાં કરતાં વહેલી બંધ થઈ ગઈ છે.
જાન હાનિ? – ખાસ ન કહેવાય; એમાં પણ આંકડા એમની તરફેણમાં છે.
હા, આમતેમ છમકલાં થતાં રહે: હોય; છોકરમત છે – છાનાં રહી જશે.
આપણને પટાવવાની લૉલિપોપ તો એમના ખિસ્સામાં જ છે ને ?!
ખિસ્સું… એમના પહેરણનું ખિસ્સું.
.                     શું પૂછો છો ?- પ્રધાનમંત્રીજી શું કહે છે, એમ?
.                     અરે, પીએમજી તો પ્રેમમાં પડેલા છે ને, આમના! ગળાબૂડ!
.                     રોજ ચાર વખત ફોન કરે છે ને કહે છે, કાંઈ વાતો….
.                     કાંઈ વાતો કરે છે… મીઠી મીઠી… લાંબી લાંબી … અહાહાહા…
બોલો, આમના રાજમાં કોઈને કંઈ જોખમ જેવું જ ક્યાં છે?
ખાઓ, પીઓ, જીઓ ઔર ગાઓ ગીત રામજીનાં!
રામ-રાજ તો છે જ… ને એ પોતે ચલાવનારા ચક્રવર્તી પણ છે જ.
સુખી છે… સૌ સુખી છે.. . સર્વદા સુખી છે. . .સદા સુખી છે… હવે કહો:
આટલા સુખી માણસને વળી પહેરણની ચિંતા શાની ?
એમને વળી પહેરણ જ શાનું?!
યાદ આવી ને પેલી વાર્તા …? …

– સરૂપ ધ્રુવ
(માર્ચ, ૨૦૦૨)

(રચના સંદર્ભ: ગુજરાતના મુખ્યમંત્રી ન. મો. ડિઝાઇનર પહેરણના શોખીન છે. એમનું પહેરણ આગવું છે– એમના ‘ગુજરાત’ની જેમ જ! (સરૂપ ધ્રુવ))

‘પ્રતિબદ્ધ કવિ’ તરીકે જાણીતા સરૂપ ધ્રુવની કવિતાઓ સુષ્ઠુ સુષ્ઠુ કવિતાઓ વાંચવા ટેવાયેલા ગુજરાતી વાચકમનને વિક્ષુબ્ધ કરી નાંખે એવી છે. સામાજિક પ્રતિબદ્ધતા એમની છેલ્લા ત્રણેક દાયકાની કવિતાઓનો પ્રમુખ સૂર છે. મોટાભાગની રચનાઓ કોઈને કોઈ સામાજિક, રાજકીય ઘટનાના સંદર્ભે અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના અનુલક્ષમાં લખાયેલી છે. અને મોટાભાગની રચનાની સાથે કવયિત્રીએ ઉપર ટાંક્યો છે, એમ ‘રચના સંદર્ભ’ અવશ્ય મૂક્યો છે.

રચનાનું શીર્ષક કુતૂહલ જગાવે એવું છે. રચનાનો પ્રારંભ આ કુતૂહલને બેવડાવે છે. બે જણ વચ્ચે એકતરફી સંવાદ ચાલી રહ્યો છે. (આપખુદ સરકાર નાગરિક સાથે કરતી હોય એવો જ!) કથક શ્રોતાને ‘આ તો પેલી વાર્તા જેવું જ થયું’ એમ કહીને કઈ વાર્તા એ કહેવાને બદલે અચાનક ગુજરાત રાજ્યમાં પ્રવર્તતી શાંતિની વાત માંડે છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવકો અને યાત્રાળુઓથી ભરેલ ટ્રેનના ડબ્બા પર હિચકારો હુમલો કરી આગ લગાડવામાં આવી, જેમાં સત્તાવાર આંકડા મુજ્બ અઠ્ઠાવન લોકો બળીને ભડથું થઈ ગયા. બીજા દિવસથી રાજ્યભરમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડોમાં આઠસો જેટલા મુસ્લિમો અને અઢીસો જેટલા હિંદુઓનો ભોગ લેવાયો. અમાનુષી બળાત્કારો અને અત્યાચાર અલગ. બિનસત્તાવાર આંકડા તો બહુ મોટા છે. આ રાજ્યવ્યાપી કોમી હુલ્લડોને જે તે વખતની સરકાર અને અધિકારીઓનું સમર્થન હોવાની વાત એ સમયે જોર પર હતી. માર્ચ, ૨૦૦૨માં લખાયેલ આ રચના જે-તે સમયના બૌદ્ધિક જનમાનસનું પ્રતિબિંબ છે. જાદુઈ અદૃશ્ય પહેરણવાળા નાગુડિયા રાજાની વાર્તાનો સંદર્ભ લઈને કવયિત્રીએ પોતાની મનોવ્યથાને વાચા આપી છે.

ગોધરા હત્યાકાંડ પછી થયેલ રમખાણો વિશે એમણે આવી અનેક રચનાઓ ‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં પ્રગટ કરી છે, કમનસીબે કવિની કલમે સમ ખાવા પૂરતી એક રચના પણ ગોધરા ખાતે ટ્રેનમાં જીવતા સળગાવી મૂકાયેલ કારસેવકો માટે અવતરી નથી. કદાચ કવિની તમામ સહાનુભૂતિ અને કવિકર્મની જવાબદારીઓ એક ખાસ કોમ પૂરતી જ સીમિત રહી ગઈ છે. આવા ઉઘાડા પક્ષપાતને ‘કવયિત્રીજીનું પહેરણ’ ગણી શકાય?

Comments (7)

લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ પર…

*

છોકરું અઢાર વરસનું થાય એટલે એક તો એને પુખ્ત નાગરિકત્વ પ્રાપ્ત થાય અને બીજું, એને મતાધિકાર પણ મળે.

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે અઢાર વર્ષ પૂરાં કરી પુખ્ત બની છે એ નિમિત્તે બે’ક વાત…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી, અને કાળક્રમે હું, મોના નાયક (અમેરિકા) અને તીર્થેશ મહેતા સંપાદકમંડળમાં જોડાયા… વાચકમિત્રો અને કવિમિત્રોનો અપ્રતિમ પ્રેમ અમને અહીં સુધી લઈ આવ્યો –

૧૮ વરસ
૧૧૦૦ થી વધુ કવિઓ
૫૨૫૦ થી વધુ કૃતિઓ
૪૦૦૦૦ જેટલા પ્રતિભાવો
૨૦૦૦ જેટલા મુલાકાતીઓ દરરોજ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના વાવંટોળ વચ્ચે પણ લયસ્તરો પર પ્રતિદિન લગભગ બે હજાર જેટલી ક્લિક્સ થતી રહે છે, એ લયસ્તરો માટેના આપ સહુના અનવરત પ્રેમ અને ચાહનાની સાબિતી છે. આગળ જતાં પણ આપનો આ સ્નેહ અને સદભાવ બરકરાર રહે એવી અમારી દિલી ઇચ્છા છે…

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. બે તબક્કાની ચૂંટણીના વચગાળામાં લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ આવી છે, એટલે તમારા બધાની સાથોસાથ લયસ્તરો પણ મતદાન કરવા તૈયાર છે… અઢારમી વર્ષગાંઠ નિમિત્તે ચાલો, આપણે રાજકારણ વિશેની થોડી કવિતાઓ માણીએ…

disclaimer : લયસ્તરો પર ‘રાજકારણપર્વ’ નિમિત્તે પૉસ્ટ કરાતી રાજકારણ વિશેની કવિતાઓ જે-તે કવિની અંગત ઉક્તિ છે. સંપાદકોની ટિપ્પણી કેવળ કવિતા-અનુલક્ષી છે. લયસ્તરો વેબસાઇટ કોઈપણ રાજકીય પાર્ટીનું કોઈપણ પ્રકારનું સમર્થન કે ખંડન કરતી નથી.

– ટીમ લયસ્તરો

*

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (12)