ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

રાજકારણ વિશેષ : ૦૧ : મુખ્યમંત્રીજીનું પહેરણ – સરૂપ ધ્રુવ

અલ્યા,
આ તો સાવ પેલી વાર્તા જેવું થયું!
એ તો કહે છે કે આપણા ગુજરાતમાં શાંતિ છે.
બધું થાળે પડવા માડ્યું છે, રાબેતા મુજબ કામેકાજે ચડી ગયું છે આપણું શાણું
ગુજરાત-આગવું ગુજરાત.
હિંસા? પહેલાંના મુખ્યમંત્રીઓના રાજમાં ચાલતી હતી
એનાં કરતાં વહેલી બંધ થઈ ગઈ છે.
જાન હાનિ? – ખાસ ન કહેવાય; એમાં પણ આંકડા એમની તરફેણમાં છે.
હા, આમતેમ છમકલાં થતાં રહે: હોય; છોકરમત છે – છાનાં રહી જશે.
આપણને પટાવવાની લૉલિપોપ તો એમના ખિસ્સામાં જ છે ને ?!
ખિસ્સું… એમના પહેરણનું ખિસ્સું.
.                     શું પૂછો છો ?- પ્રધાનમંત્રીજી શું કહે છે, એમ?
.                     અરે, પીએમજી તો પ્રેમમાં પડેલા છે ને, આમના! ગળાબૂડ!
.                     રોજ ચાર વખત ફોન કરે છે ને કહે છે, કાંઈ વાતો….
.                     કાંઈ વાતો કરે છે… મીઠી મીઠી… લાંબી લાંબી … અહાહાહા…
બોલો, આમના રાજમાં કોઈને કંઈ જોખમ જેવું જ ક્યાં છે?
ખાઓ, પીઓ, જીઓ ઔર ગાઓ ગીત રામજીનાં!
રામ-રાજ તો છે જ… ને એ પોતે ચલાવનારા ચક્રવર્તી પણ છે જ.
સુખી છે… સૌ સુખી છે.. . સર્વદા સુખી છે. . .સદા સુખી છે… હવે કહો:
આટલા સુખી માણસને વળી પહેરણની ચિંતા શાની ?
એમને વળી પહેરણ જ શાનું?!
યાદ આવી ને પેલી વાર્તા …? …

– સરૂપ ધ્રુવ
(માર્ચ, ૨૦૦૨)

(રચના સંદર્ભ: ગુજરાતના મુખ્યમંત્રી ન. મો. ડિઝાઇનર પહેરણના શોખીન છે. એમનું પહેરણ આગવું છે– એમના ‘ગુજરાત’ની જેમ જ! (સરૂપ ધ્રુવ))

‘પ્રતિબદ્ધ કવિ’ તરીકે જાણીતા સરૂપ ધ્રુવની કવિતાઓ સુષ્ઠુ સુષ્ઠુ કવિતાઓ વાંચવા ટેવાયેલા ગુજરાતી વાચકમનને વિક્ષુબ્ધ કરી નાંખે એવી છે. સામાજિક પ્રતિબદ્ધતા એમની છેલ્લા ત્રણેક દાયકાની કવિતાઓનો પ્રમુખ સૂર છે. મોટાભાગની રચનાઓ કોઈને કોઈ સામાજિક, રાજકીય ઘટનાના સંદર્ભે અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના અનુલક્ષમાં લખાયેલી છે. અને મોટાભાગની રચનાની સાથે કવયિત્રીએ ઉપર ટાંક્યો છે, એમ ‘રચના સંદર્ભ’ અવશ્ય મૂક્યો છે.

રચનાનું શીર્ષક કુતૂહલ જગાવે એવું છે. રચનાનો પ્રારંભ આ કુતૂહલને બેવડાવે છે. બે જણ વચ્ચે એકતરફી સંવાદ ચાલી રહ્યો છે. (આપખુદ સરકાર નાગરિક સાથે કરતી હોય એવો જ!) કથક શ્રોતાને ‘આ તો પેલી વાર્તા જેવું જ થયું’ એમ કહીને કઈ વાર્તા એ કહેવાને બદલે અચાનક ગુજરાત રાજ્યમાં પ્રવર્તતી શાંતિની વાત માંડે છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવકો અને યાત્રાળુઓથી ભરેલ ટ્રેનના ડબ્બા પર હિચકારો હુમલો કરી આગ લગાડવામાં આવી, જેમાં સત્તાવાર આંકડા મુજ્બ અઠ્ઠાવન લોકો બળીને ભડથું થઈ ગયા. બીજા દિવસથી રાજ્યભરમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડોમાં આઠસો જેટલા મુસ્લિમો અને અઢીસો જેટલા હિંદુઓનો ભોગ લેવાયો. અમાનુષી બળાત્કારો અને અત્યાચાર અલગ. બિનસત્તાવાર આંકડા તો બહુ મોટા છે. આ રાજ્યવ્યાપી કોમી હુલ્લડોને જે તે વખતની સરકાર અને અધિકારીઓનું સમર્થન હોવાની વાત એ સમયે જોર પર હતી. માર્ચ, ૨૦૦૨માં લખાયેલ આ રચના જે-તે સમયના બૌદ્ધિક જનમાનસનું પ્રતિબિંબ છે. જાદુઈ અદૃશ્ય પહેરણવાળા નાગુડિયા રાજાની વાર્તાનો સંદર્ભ લઈને કવયિત્રીએ પોતાની મનોવ્યથાને વાચા આપી છે.

ગોધરા હત્યાકાંડ પછી થયેલ રમખાણો વિશે એમણે આવી અનેક રચનાઓ ‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં પ્રગટ કરી છે, કમનસીબે કવિની કલમે સમ ખાવા પૂરતી એક રચના પણ ગોધરા ખાતે ટ્રેનમાં જીવતા સળગાવી મૂકાયેલ કારસેવકો માટે અવતરી નથી. કદાચ કવિની તમામ સહાનુભૂતિ અને કવિકર્મની જવાબદારીઓ એક ખાસ કોમ પૂરતી જ સીમિત રહી ગઈ છે. આવા ઉઘાડા પક્ષપાતને ‘કવયિત્રીજીનું પહેરણ’ ગણી શકાય?

7 Comments »

  1. આરતી સોની said,

    December 5, 2022 @ 12:17 PM

    અમાનુષી બળાત્કારો અને અત્યાચાર?????
    શરમ નથી આવતી આવું જુઠાણું લખતાં પહેલાં??
    એક કવિ તરીકે વિવેક કોરાણે મૂકાઈ જાય છે કે શું??
    નામને બદનામ ન કરો…

  2. વિવેક said,

    December 5, 2022 @ 2:23 PM

    @ આરતી સોની:

    લયસ્તરો પર તમામ પ્રકારના પ્રતિભાવોનું સહૃદય સ્વાગત છે. પણ પ્રતિભાવક પાસેથી વિવેક અપેક્ષિત પણ છે. જેને આપ જૂઠાણું ગણો છો, એ જૂઠાણું ઇન્ટરનેટના દરબારમાં વરસોથી બિરાજમાન છે. અને કોના નામને બદનામ ન કરવાની વાત આપ કરી રહ્યા છો, એ કહેશો? પ્રસ્તુત રચના આખી વાંચવા અને એની સાથેની ટિપ્પણી છેવટ સુધી વાંચ્યા-સમજ્યા વિના આક્રોશ વ્યકત કરવાથી અળગા રહેવાય તો ઉત્તમ.

    આભાર…

  3. pragnajuvyas said,

    December 6, 2022 @ 3:26 AM

    સુ શ્રી સરૂપ ધ્રુવ ગુજરાતી નાટ્યકાર, કવિ અને સામાજિક કાર્યકરને હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા હિંમતભર્યા લેખન માટે ૨૦૦૮નો હેલમેન/હેમેટ એવોર્ડ મળ્યો છે. તેણી સેન્સરશીપ સાથે કામ કરતી ૨00 થી વધુ મહિલા લેખકોનું રાષ્ટ્રીય નેટવર્ક, વિમેન્સ વર્લ્ડ (ઇન્ડિયા) ના સભ્ય છે. આ આંતરરાષ્ટ્રીય ફ્રી સ્પીચ નેટવર્ક, વુમન્સ વર્લ્ડ (ઇન્ટરનેશનલ) નો એક ભાગ છે જેણે તેણીને આ એવોર્ડ માટે નામાંકિત કર્યા હતા.આવા માનનિય વ્યક્તીને સભ્ય ભાષામા વિરોધ કરવાનો હક્ક છે પણ તારીખ ૫ એ મી ચુંટણી દિને પ્રસિધ્ધ ન કર્યો હોત તો સારું થાત.
    ‘આટલા સુખી માણસને વળી પહેરણની ચિંતા શાની ?
    એમને વળી પહેરણ જ શાનું?!’
    પંક્તિ કઠે તેવી છે.પણ આ તેમનો અધિકાર છે અને આવા વિરોધ દ્વારા જેના હાથમા સત્ત્તા છે તેઓ જાગૃત રહેશે.

  4. Artisoni said,

    December 6, 2022 @ 8:32 AM

    સાહેબ મને વિવાદિત કોમેન્ટ નથી કરવી ગમતી.આપને ડિલિટ કરવી હોય તો કરી શકો છો અને નેટ પર તો ઘણું બધું લોકો મૂકી દેતા હોય છે બધું સાચું માની લેવું જરૂરી નથી. ક્ષમા યાચના 🙏

  5. preetam lakhlani said,

    December 6, 2022 @ 8:51 AM

    પ્રિય બહેન સરૂપ ધ્રુવની કવિતાને લાખો સલામ….. સાચું બોલનાર અને આખા બોલનારા લોકોને ગમતા નથી, આ પણ એક સત્ય છે!

  6. તીર્થેશ said,

    December 6, 2022 @ 10:00 AM

    સરૂપબહેન ડાબેરી ઝોકના લેખિકા છે અને સન્માનનીય છે…તેઓ સાથે અસંમત જરૂર થઈ શકાય પરંતુ તેઓની ઈમાનદારી અને નિષ્ઠા વિશે કોઈ શક ન કરી શકાય. હિંદુ-ધિક્કાર અને મુસ્લિમ તુષ્ટિકરણ ડાબેરીઓના લોહીમાં ફરે છે-કારણ મને ખબર નથી,પણ આ સત્ય છે-આરામથી કોઈપણ વ્યક્તિ ચેક કરી શકે છે.

    દુઃખની વાત એ છે કે ગમે તેટલા પણ મહાન ભારતીય ડાબેરી લેખક મનુષ્ય ને મનુષ્ય તરીકે મુલવી નથી શકતા અને ધર્મ-સંપ્રદાય-કોમના વાડાઓથી ઉપર ઉઠીને માનવમાત્રની વેદનાને નિરપેક્ષ રીતે વાચા નથી આપી શકતા….કોઈ અજ્ઞાત કારણોસર તેઓ હંમેશા મેજોરિટીને ધિક્કારતા જ આવ્યા છે.

    મને હંમેશા સરૂપ ધ્રુવ જેવા લેખકો માટે સન્માન રહ્યું છે – ભલે હું તેઓ સાથે અસંમત હોઉં….

  7. Varij Luhar said,

    December 6, 2022 @ 12:24 PM

    ખૂબ જ સહજતાથી માર્મિક ટકોર કરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment