ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

રાજકારણ વિશેષ : ૦૬ : પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

આ ખૂબ જ જાણીતી અને મારી પ્રિયા કવિતા છે. રાજકારણને લગતી કવિતાની વાત આવે તો આને પહેલી જ પસંદ કરવી પડે.

અન્યાયનો વિરોધ અને અનુચીતની સામેનો આક્રોશ સમગ્ર રાજકારણની જનની છે. જ્યાં જ્યાં આ વિરોધ નબળો પડે છે ત્યારે આખો સમાજ નબળો પડે છે. આ કવિતામાં આખી દુનિયાના રાજકારણને બદલી નાખવાની ચાવી છે. અન્યાયનો વિરોધ કરવામાં જે પ્રજા ચુકી જાય છે એ પ્રજાને આગળ જતા ભોગવવાનું આવે જ છે.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

2 Comments »

  1. pragnajuvyas said,

    December 10, 2022 @ 8:43 PM

    કવિ પોતાની ભૂલ કબૂલ કરે છે. પ્રમાણિક છે. પોતાની અંદર વિધાયક પરિવર્તન કરવા આત્મનિરીક્ષણ જરુરી છે. ત્યારબાદ આપણે જેવા છીએ તેવા આપણને સ્વીકારીને આપણામાં બદલ લાવવાનું શરુ કરી શકાય. જરુરી નથી કે જાહેરમાં તમે એ બધું કબૂલ કરો.સદીઓ બદલાતી રહેશે, યુગો બદલાતી રહેશે, લોકનાયકો બદલાતા રહેશે પણ માનવમનની તાસીર એની એ જ રહેશે-
    મારે શું?’ ની સંકુચિત વૃત્તિ પ્રત્યેકમાં ઓછેવત્તે અંશે રહેલી જ હોય છે. તેને દૂર કરવા માટે જ આપણને જીવન મળ્યું છે.કેટલા સરળ શબ્દોમાં કેવી હૃદયદ્રાવક હકીકત!!!
    કવિતાનું શબ્દશઃ ભાષાંતર કરી શકાય. કવિતાનો શબ્દશઃ અનુવાદ કરવો કે જે તે ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ સાંચામાં ઢાળીને ભાવાનુવાદ કરવો – આ બેમાંથી શું શ્રેષ્ઠ છે એ હજી નક્કી કરી શકાયું નથી. વિશ્વભરની કોઈપણ ભાષામાં આ મુદ્દે એકમત સ્થાપી શકાયો નથી એટલે દરેક માણસ પોતાની રીતે આ મુદ્દાને સ્પર્શે અને વફાદારીપૂર્વક સંનિષ્ઠતાથી કામ કરે એ જ યોગ્ય છે.આ કવિતાનું શબ્દશઃ ભાષાંતર અને ડૉ ધવલજીએ કરેલા ભાવાનુવાદ વચ્ચે શું ફરક છે અને બેમાંથી શું વધુ યોગ્ય છે ? જે હોય તે પણ આ નાનકડા પણ વેધક કાવ્યનો એવો જ સરસ અનુવાદ.
    હિટલરના અન્યાયનો સામનો કરવાનું કામ મોટું હતું,
    અને
    એ કાર્ય પોતપોતાની રીતે કરનાર સૌ કોઈને હ્રદયના ધન્યવાદ

  2. વિવેક said,

    December 10, 2022 @ 9:22 PM

    અદભુત કવિતા અને એવી જ ઉત્તમ ટિપ્પણી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment