એકધારો સો વરસ ગાતો રહ્યો, જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

રાજકારણ વિશેષ : ૦૩ : નઘરોળ ચામડી – પારુલ ખખ્ખર 

જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ
જાગી ઊઠ્યાં કીડ-મંકોડા, જાગ્યા સૂતા સાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

ભડભડ બળતાં શેરી-ફળિયા, ભડભડ બળતું ગામ
નિંંભર, તારા ક્રોડ રૂંવાડા તો ય કરે આરામ!
કોણે દીધા હાય… તને રે મગરપણાના શાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

આ ટાણે તો નબળા-સબળા સઘળા ખેલે જંગ
ખરે ટાંકણે ઓઢ્યું કાયર, ઢાલ સરીખું અંગ!
છોડ કાચબા જેવું જીવવું, પાડ અનોખી છાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

જાગ, નહીં તો ભારે હૈયે કરવો પડશે ત્યાગ
એમ કાંચળી ફગવી દેશું જેમ ફગવતો નાગ
કવચ ઉતારી ધોઈ દેશું કવચ ધર્યાનું પાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

– પારુલ ખખ્ખર

પારૂલ ખખ્ખર સામાજિક નિસ્બતના કવિ છે. સમાજમાં છાશવારે બનતી રહેતી નાની-મોટી કરુણાંતિકાઓ એમની સર્જક-સંવેદના સતત સંકોરતી-ઝંકોરતી રહે છે, પરિણામે ગુજરાતી કવિતામાં પ્રમાણમાં વણખેડ્યા રહેલ વિષયો પર રચનાઓ આપણને મળતી રહે છે. રાજકારણ એમનો પસંદગીનો વિષય ન હોવા છતાં સમાજ અને રાજકારણ અવિનાભાવી સંબંધે જોડાયેલ હોવાથી અનાયાસે ક્યારેક કોઈક રચના આપણને મળે એમાં નવાઈ નથી. રાજકારણ-વિશેષ પર્વની ઉજવણીમાં આમ તો ગુજરાતી કવિતાના ઇતિહાસમાં न भूतो न भविष्यति સ્થાનાંકિત કરી ચૂકેલ વાઇરલ રચના ‘શબવાહિની ગંગા’ જ સમાવિષ્ટ કરવાની હોય પણ કવિતા કે કવિતાના હાર્દને સમજ્યા વિના મેદાનમાં આંધળુકિયા કરી કૂદી પડેલ લોકોએ સર્જકને વિસારે ન પાડી શકાય એવી વેદનાના શિકાર બનાવ્યા હોવાથી અને એ રચના લયસ્તરો પર ઓલરેડી હોવાથી આજે આપણે એમની અલગ રચના માણીએ. કોઈપણ શાસકપક્ષ અને કોઈપણ શાસનકાળમાં સાંપ્રત ગણી શકાય એવી આ રચના કોઈ એકાદી નઘરોળ ચામડીને જગાડી શકે તોય ઘણું…

6 Comments »

  1. Sandhya Bhatt said,

    December 7, 2022 @ 11:42 AM

    ક્ષુલ્લકતામાં રાચનારાને લલકારતી રચના…સરસ ઉપક્રમ શરુ કરવા માટે લયસ્તરોને પણ અભિનંદન…

  2. Yogesh Samani said,

    December 7, 2022 @ 12:35 PM

    વાહ વાહ ને વાહ. ખૂબ સરસ રચના.👌

  3. Aasifkhan aasir said,

    December 7, 2022 @ 1:15 PM

    વાહ સરસ વેધક રચના

    અભિનંદન

    ને આભાર

  4. Vaidehi said,

    December 7, 2022 @ 4:56 PM

    Wahh wahh

  5. Vaidehi said,

    December 7, 2022 @ 4:56 PM

    Wahh wahh .

  6. pragnajuvyas said,

    December 7, 2022 @ 8:19 PM

    હવે નઘરોળ ચામડી જાગ”
    પણ સુ શ્રી પારુલની ચામડી નઘરોળ નથી અને એની સાક્ષી પૂરે છે
    “તારીખ તો છે કેવળ નિર્જીવ અંક સાહેબ,
    જીવતા મનુષ્યને પણ યાદીમાં સ્થાન આપો”
    જ્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર સતત તરાપ મારવામાં આવી રહી છે ત્યારે તેમની સ્વતંત્રતા વિષેની સમજ બહુ જ સ્પષ્ટ છેઃતેમની સમાજ સાથેની નિસ્બતને લોકો સમક્ષ બહુ ચોટદાર શબ્દોમાં મૂકી અને કવિતા દેશના લોકોની વ્યથાકથા બની ગઈ .તેઓના શબ્દોમા -“મારી કવિતા વિશે હું શું કહું? એ મારો મૌન સહારો છે એમ કહી શકાય. મારી વેદનાઓને પ્રગટ થવાનું એ એક માત્ર માધ્યમ છે.”
    તેમની આ વાત ખૂબ અસરકારક લાગી છે
    “ગનીમત કે ‘પારુલ’ હજુ યે જીવે છે,
    હતું નામ એનું ઘણાં ખંજરોમાં.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment