‘ઈર્શાદ’ એટલે તો હું જલ્દી નહીં મરું,
મારા તમામ ચોપડે બાકી હિસાબ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

રાજકારણ વિશેષ : ૧૧ : Communication – રમેશ પારેખ

આ તરફ કરફ્યૂ
તો પેલી તરફ લોહીને ફ્યૂઝ કરી ઉડાડી દેવાનું કાવતરું
કેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવું
દ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવું
અને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું

*

શક્યતા કૃતનિશ્ચયી બનીને
બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
કશું કહેવાય નહીં.

*

અફવાઓનું તો પર્વ હતું

*

કૉમ્યુનિકેશનનો તમામ પુરવઠો ફૂંકી મારવામાં આવેલો.

*

કરફ્યૂગ્રસ્ત એવા
શ્રી શ્રી ખાલીદાસ તો
પોતાનાં ઘરમાં ગુમસૂમ
ને
કોરા કાગળમાં મિલિટરીવાન પેઠે
કોરા કાગળનો સૂનકાર
લટારો મારે…

*

શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
એ દૃશ્ય
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.

આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું…

– રમેશ પારેખ
(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)

રાજકારણ વિશેષ પર્વની ઉજવણી નિમિત્તે આજે આ આખરી કાવ્ય.

ર.પા.ના કેટલાક કર્ફ્યૂ કાવ્યોમાંનું આ એક આજે આપ સહુ માટે…

કર્ફ્યૂ લાગે એટલે શહેરના રસ્તાઓ ખાલી થઈ જાય. ખાલી શેરીઓ અને ખાલી સંવેદનાઓનો કથાનાયક કવિ ખાલીદાસ જ હોઈ શકે ને, કાલિદાસ થોડો હોય! આગનું ભડકે બળવું, શક્યતા બધું બાળવા ફરતી હોય, અફવાઓનું પર્વ, કૉમ્યુનિકેશનનો ફૂંકી નંખાયેલ પુરવઠો – એકેએક રૂપકમાં ર.પા.નો સ્પર્શ વર્તાય છે. ધાવણા બાળક માટે દૂધ શોધવા નીકળેલ મજબૂર માને કેવળ સાક્ષીભાવે ગોળી ખાતી જોઈ કવિ ખાલીદાસની જાણ બહાર કોરા કાગળ પર એક આંસુ ટપકી પડે છે એની આસપાસ કવિએ જે કાવ્યગૂંથણી કરી છે, એ આપણા રોમેરોમને હચમચાવી દે એવી સશક્ત છે.

અંતે એટલું જ કહીશ, રાજકારણ પર કવિતા ચોક્કસ હોઈ શકે પણ કવિતા પર રાજકારણ ન જ હોવું જોઈએ…

અઢાર-અઢાર વરસથી સતત અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અમે સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..

6 Comments »

  1. Varij Luhar said,

    December 15, 2022 @ 1:12 PM

    વાહ ર.પા.
    લયસ્તરોનું અઢાર વર્ષની વયે પહોંચવું ખૂબ મોટી વાત છે
    ખૂબ ખૂબ અભિનંદન

  2. નેહા said,

    December 15, 2022 @ 3:13 PM

    વાહ ર.પા. વાહ કવિતા !!

  3. લતા હિરાણી said,

    December 15, 2022 @ 3:22 PM

    ર.પા. તો always ર.પા. છે

    પણ

    આમ રાજકારણ પર્વ ઉજવવું અને તેય કવિતામાં !

    લયસ્તરો પણ લયસ્તરો જ છે !

  4. pragnajuvyas said,

    December 15, 2022 @ 7:35 PM

    આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ રમેશ પારેખ વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમણે–
    ‘ સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
    બનાવી આપી
    એ દૃશ્ય
    પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું’
    અછાંદસમા લખી શક્યા !
    ધન્યવાદ

  5. Poonam said,

    December 16, 2022 @ 11:06 AM

    શક્યતા કૃતનિશ્ચયી બનીને
    બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
    કશું કહેવાય નહીં.. Waah ! Ra.Pa

  6. Nehal said,

    December 18, 2022 @ 11:35 AM

    વાહ, ર. પા.
    લયસ્તરોને વર્ષગાંઠના વધામણાં.
    સાતત્યપૂર્વક, સાર્થક સાહિત્યકૃતિઓ રજૂ કરવા માટે અભિનંદન.
    આ યજ્ઞ અહોનિશ ચાલતો રહે એવી શુભકામનાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment