કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

રાજકારણ વિશેષ : ૦૭ : ગાંધીજી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

રાજકીય રંગની કવિતાઓ આપણે ત્યાં ભાગયે જ રચાય છે. એમાં વળી રાજકીય કવિતાઓના આખા સંગ્રહની તો અપેક્ષા પણ ન રાખી શકાય. આવી સ્થિતિમાં શેખાદમ આબુવાલાએ સિત્તેરના દાયકામાં ‘ખુરશી’ નામે રાજકીય કાવ્યોનો નાનકડો સંગ્રહ કરેલો. સાંપ્રત પરિસ્થિતિને નજરમાં નાખીને કટોકટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલા કાવ્યો લોકોનો ખૂબ પ્રેમ પામ્યા છે. એમાંથી બે – એક મુક્તક અને એક ગઝલ – અહીં લીધા છે.

બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. શેખાદમ – અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું / રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! – એવા ચાબખા જેવા શેર લખે છે.

વ્યંગ અને એમાંય રાજકીય વ્યંગમાં ‘ખુરશી’નું સ્થાન અચળ છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    December 11, 2022 @ 8:07 PM

    કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
    બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
    ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
    ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
    આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.
    પકંજ ઉધાસ વરસોવરસ યોજાતા ‘યાદેઆદમ’ના કાર્યક્રમમાં ગાય છે, ત્યારે એનું હૃદય ભરાઈ આવે છે. એનો તાલીમી કંઠ પણ ડુમાઈ જાય છે. આંખોના ખૂણા વહી ચાલે છે. કંઠેથી ઝરે એટલી મિનિટો માટેના વીઝા પર શેખાદમ આપણને મળવા માટે જન્નતથી નીચે ઊતરી આવે છે.

  2. salim tabani said,

    December 16, 2022 @ 6:07 PM

    વેર્ય ગ્દ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment