કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
સ્નેહી પરમાર

રાજકારણ વિશેષ : ૦૨ : ક્રાન્તિ – વિપિન પરીખ

અમે કૉફી હાઉસમાં ચાર મિત્રો બેઠા હતા.
એકે સહેજ સાકર વધારે મગાવી.
બેરર કહે, “સા’બ, ચીની જ્યાદા નહીં મિલેગી,
દામ દેતે ભી કહાં મિલતી?”
એટલે એ તૂટી પડ્યો, કહે:
“આ દેશમાં શું મળે છે? ધૂળ?
સાકર નથી, પાણી નથી, દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.
આ સરકાર જ નાલાયક છે.
એ લોકોને આપણે ઉખેડી નાખવા જોઈએ.”

બીજો કહે, “મારા હાથમાં કોઈ મશીન-ગન આપે તો
આ વારતહેવારે ભાષણો પીરસતા મિનિસ્ટરોને
લાઈનમાં ઊભા રાખી સનન્ સનન વીંધી નાખું.”

ત્રીજો કહે, “ના, એ લોકોને એમ મારી નહીં નાખવા જોઈએ.
એ સાલાઓને તો નિર્વસ્ત્ર કરી, ગધેડા પર ઊંધા બેસાડી
ગલીએ ગલીએ મૂંગા માઈક આપી ફેરવવા જોઈએ.’’

એક જણ કહે, “ના ના. સફેદ કપડામાં અક્કડ ચાલતા
એ સુફિયાણા સંતોને ૯–૦૫ની વિરાર ફાસ્ટમાં
એક વરસ સુધી રોજ સવારે મુસાફરી કરાવવી જોઈએ.
એ સજા કદાચ પૂરતી થશે.”

એટલામાં ઘડિયાળના કાંટાથી દાઝી ગયો હોય એમ
એક જણ સફાળો કૂદી ઊઠયો:
“અરે! બે વાગી ગયા, ઊઠો ઊઠો
પાંચ મિનિટ પણ મોડું થશે તો
ઑફિસમાં પેલો બૉસ કૂતરાની જેમ ઘૂરકવા માંડશે.”
ને અમે ચાર ઊભી પૂંછડીએ
ઑફિસ ભણી ભાગ્યા.

– વિપિન પરીખ

લયસ્તરો રાજકારણ-વિશેષમાં આ બીજું પાનું. ગઈકાલની કવિતામાં એકેય શબ્દ ચોર્યા વિના કવયિત્રીએ શાસકપક્ષ પર સીધું જ શરસંધાન કર્યું હતું. આજે હવે દરેક ભાવક નિર્ભીક થઈને ‘મત’ આપી શકે એવી એક કૃતિ જોઈએ. લોકશાહીની પાયાની સમસ્યા કવિએ અહીં બહુ સરળ ભાષામાં સમજાવી છે. લોકશાહીમાં શાસકપક્ષ સામે વાંધો તો દરેકને છે પણ લોકો કેવળ વાકચતુર બનીને રહી જતાં હોવાથી લોકશાહી ઠોકશાહી બનીને માથે પડે છે… મોટી મોટી વાતોના વડાં કરનારાં પણ પોતાની અંગત દુનિયાની બહાર એક પગલું દેશહિતમાં ભરવા જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી શાસકપક્ષ કોઈપણ હોય, મનમાની જ કરવાનો…

4 Comments »

  1. Tirthesh said,

    December 6, 2022 @ 11:28 AM

    મુદ્દાની વાત…..

    ફરિયાદ કરવી સરળ છે – લોહી રેડવું દોહ્યલું છે

  2. હર્ષદ દવે said,

    December 6, 2022 @ 1:50 PM

    આચાર અને વિચાર વચ્ચે ફર્ક રહેવાનો. ક્રાંતિકારી વિચારો ધરાવવા અને ક્રાંતિ જગાવવી બંને અલગ છે. વિચારને અમલમાં મુકતા પહેલા આયોજન હોવું જોઈએ. આ ઉપરાંત આત્મવિશ્વાસ, મજબૂત મનોબળ, શિસ્ત અને પ્રમાણિકતા જેવા ગુણો થકી જ સાચો પ્રતિકાર કરી શકાય છે.
    સરસ કવિતા.
    અભિનંદન.

  3. pragnajuvyas said,

    December 6, 2022 @ 10:04 PM

    સ્વ. વિપિન પરીખની કવિતા સામાજિક ચિંતત અને આધુનિક સંવેદનશીલતા વ્યક્ત કરે છે.એક વિચારવંત અને ઉમદા લેખક છે જેમને રાજકારણ અને ધર્મ કારણ માં પેસી ગયેલા સડા વિષે ધારદાર કાવ્યો લખ્યા છે. જીવન ની ફિલસુફી વિષે પણ મનનીય અછાંદસ આપી લોકો ને જાગૃત કર્યા છે
    .
    જેટલી કાવ્યોમા રમુજ છે.તેથી વધુ કરુણાતા છે કારણકે આ હકીકત છે.

  4. Aasifkhan said,

    December 7, 2022 @ 1:17 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment