રાજકારણ વિશેષ : ૦૫ : (કાચિંડા) – બાબુ સુથાર
ભેટે તલવારો બાંધીને
ફરી રહ્યા છે કાચંડા
કાં તો કેસરી રંગના
કાં તો લીલા રંગના;
ગામના ફળિયામાં,
ખેતરના ચાસોમાં,
કૂવાના જળમાં,
અને બારોટની વાર્તામાં પણ.
જ્યાં જુઓ ત્યાં
પોતપોતાના ગળે
ઢોલ લટકાવીને
ઢંઢેરો પીટી રહ્યા છે
આ કાચંડાઓ :
ખબરદાર જો કોઈએ
અમને પૂછ્યા વિના
કંઈ પણ કર્યું છે તો!
તેલ કાઢવામાં આવશે એનું
અવળી ઘાણીએ.
સતના સાચા રખેવાળ અમે જ,
અમે જ ૐના સાચા ધણી,
અમે જ વેદના સાચા વારસદાર,
જેમ પસાયતાં અમારાં
અને રામાયણ અને મહાભારત પણ અમારાં.
અમારી હકૂમત છેક ઉપરવાળા સુધી
એના હસ્તાક્ષરમાં
અમારા અંગૂઠાની છાપો
ઊછળે દરિયાનાં મોજાંની જેમ.
એક માણસે
આ કાચંડાઓને પૂછ્યા વિના
બે દાંત વચ્ચે ફસાઈ ગયેલો
એક રાઈનો દાણો બહાર કાઢ્યો
તો બીજા દિવસે જ એ લોકોએ
એનું અવળી ઘાણીએ તેલ કાઢ્યું.
બીજા એક માણસે
એમને પૂછ્યા વિના જ નખ કાપ્યા
અને બીજા જ દિવસે
એ ઘાણીમાં પીલાઈને
તેલ બની ગયો.
લોકો ક્યાંક સત્ય ન બોલી બેસે
એ માટે
આ કાંચડાઓએ
બોલતી વખતે
જીભ દાંતે અડકાડવા પર પણ
પ્રતિબંધ મૂકી દીધો છે.
કહેવાય છે કે કાચંડાઓના રાજના નાગરિકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની ભાષા બોલવા લાગ્યા છે.
– બાબુ સુથાર
રાજકારણ હોય કે પછી સમાજ- આપણી આસપાસ રહેલા અસંખ્ય કાચિંડાના સ્વભાવને ઉજાગર કરતું અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ… વધુ કોઈ પિષ્ટપેષણનું મોહતાજ ખરું કે?
pragnajuvyas said,
December 10, 2022 @ 3:55 AM
પ્રખર વિદ્વાન શ્રી બાબુ સુથાર ના અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ
‘કહેવાય છે કે કાચંડાઓના રાજના નાગરિકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની ભાષા બોલવા લાગ્યા છે.’
વાહ… સમજવા પ્રયત્ન કરીએ
વ્યંજનોને પાંચ વર્ગોમાં ગોઠવેલા છે, પ્રથમ વર્ણના આધારે તે ‘ક’ વર્ગ, ‘ચ’ વર્ગ,’ ટ’ વર્ગ ‘ત’ વર્ગ અને ‘પ’ વર્ગના નામે તે ઓળખાય છે.‘ય’,’ર’,‘લ’,’વ’ આ વર્ણો ‘અંત:સ્થ’ તરીકે ઓળખાય છે કારણ કે, આ ધ્વનિઓ સ્વર અને વ્યંજનની વચ્ચે, અંતરાલમાં રહેલા છે. વર્ણમાળામાં છેલ્લે ઉષ્મન ધ્વનિઓ મૂકેલા છે. પહેલાં મૂર્ધન્ય ‘ષ’, ત્યારબાદ તાલવ્ય ‘શ’
અને
તેના પછી દંત્ય ‘સ’, એવો તેનો અનુક્રમ છે.એ દરેકનો ધ્વનિ અલગ હોવા છતાં તેનો ઉચ્ચાર જોઈ શીખવતું ન હોવાથી આપણે તેમને સમાન ગણીને વિકલ્પ તરીકે લખતા અને બોલતા આવ્યા છીએ. સૌરાષ્ટ્ર તરફના લોકો તો ‘ચ’ નો ઉચ્ચાર પણ ‘સ’ જેવો જ કરે છે. ‘હ’ ને સંસ્કૃતમાંથી લીધો છે અને ‘ળ’ એ વિશિષ્ઠ એવો ગુજરાતી ધ્વનિ છે. છેક છેલ્લે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ લખાય છે, પણ તે સ્વતંત્ર વ્યંજનો નથી. ‘ક્ષ’ એ‘ક્’ અને ‘ષ્’ નો જોડાક્ષર તો ‘જ્ઞ’ એ ‘જ્’ અને ‘ગ્’ નો જોડાક્ષર છે. આ બધી માથાકૂટ સમજાવવામાં જલસો દીપોત્સવી અંકે મદદ કરી છે તેનો આભાર માનવો રહ્યો. આપણા તમામ વ્યંજનો ખોડા એટલે કે હલંત છે. કોઈ વ્યંજન પૂર્ણ નથી. એની સાથે જ્યારે સ્વર ‘અ’ ઉમેરાય ત્યારે જ એ પૂર્ણ બને છે, એ વાત યાદ રાખવા જેવી છે. ગીતામાં ભગવાને અમસ્થું જ નથી કહ્યું કે, अक्षराणाम् अकारोस्मि – અક્ષરોમાં ‘અ’ એ મારી વિભુતિ છે. શિવ વગર જીવનું અસ્તિત્વ જ નહીં! ૨૭૦૦ વર્ષ પહેલાં રચાયેલી આ વર્ણમાળાની વૈજ્ઞાનિકતાથી વિદેશના વિદ્વાનો ચકિત થાય છે, પણ આપણે મન તો ‘ઘરકી મુરગી દાલ બરાબર!’
ત્યારે
આ કાંચડાઓએ
બોલતી વખતે
જીભ દાંતે અડકાડવા પર પણ
પ્રતિબંધ મૂકી દીધો છે.
preetam lakhlani said,
December 10, 2022 @ 11:56 PM
અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ