બાબુ સુથાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 9, 2022 at 6:28 PM by ઊર્મિ · Filed under અછાંદસ, બાબુ સુથાર, રાજકારણ વિશેષ
ભેટે તલવારો બાંધીને
ફરી રહ્યા છે કાચંડા
કાં તો કેસરી રંગના
કાં તો લીલા રંગના;
ગામના ફળિયામાં,
ખેતરના ચાસોમાં,
કૂવાના જળમાં,
અને બારોટની વાર્તામાં પણ.
જ્યાં જુઓ ત્યાં
પોતપોતાના ગળે
ઢોલ લટકાવીને
ઢંઢેરો પીટી રહ્યા છે
આ કાચંડાઓ :
ખબરદાર જો કોઈએ
અમને પૂછ્યા વિના
કંઈ પણ કર્યું છે તો!
તેલ કાઢવામાં આવશે એનું
અવળી ઘાણીએ.
સતના સાચા રખેવાળ અમે જ,
અમે જ ૐના સાચા ધણી,
અમે જ વેદના સાચા વારસદાર,
જેમ પસાયતાં અમારાં
અને રામાયણ અને મહાભારત પણ અમારાં.
અમારી હકૂમત છેક ઉપરવાળા સુધી
એના હસ્તાક્ષરમાં
અમારા અંગૂઠાની છાપો
ઊછળે દરિયાનાં મોજાંની જેમ.
એક માણસે
આ કાચંડાઓને પૂછ્યા વિના
બે દાંત વચ્ચે ફસાઈ ગયેલો
એક રાઈનો દાણો બહાર કાઢ્યો
તો બીજા દિવસે જ એ લોકોએ
એનું અવળી ઘાણીએ તેલ કાઢ્યું.
બીજા એક માણસે
એમને પૂછ્યા વિના જ નખ કાપ્યા
અને બીજા જ દિવસે
એ ઘાણીમાં પીલાઈને
તેલ બની ગયો.
લોકો ક્યાંક સત્ય ન બોલી બેસે
એ માટે
આ કાંચડાઓએ
બોલતી વખતે
જીભ દાંતે અડકાડવા પર પણ
પ્રતિબંધ મૂકી દીધો છે.
કહેવાય છે કે કાચંડાઓના રાજના નાગરિકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની ભાષા બોલવા લાગ્યા છે.
– બાબુ સુથાર
રાજકારણ હોય કે પછી સમાજ- આપણી આસપાસ રહેલા અસંખ્ય કાચિંડાના સ્વભાવને ઉજાગર કરતું અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ… વધુ કોઈ પિષ્ટપેષણનું મોહતાજ ખરું કે?
Permalink
November 10, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, બાબુ સુથાર
કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં ગંગાનદી
એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મોર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીં દડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.
– બાબુ સુથાર
નાનકડા ચેપબુક જેવા કાવ્યસંગ્રહ ‘ઘરઝુરાપો’માં કવિએ અછાંદસ કાવ્યોના ગુચ્છોને ચાર વિભાગ (ઊથલા)માં વહેંચીને શીર્ષકના સ્થાને માત્ર ક્રમાંક આપીને રજૂ કર્યા છે. સંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્ય અને તમામનો વિષય એક જ–ઘરઝુરાપો. પણ નવાઈ એ લાગે કે એક જ વિષય પર આટલા કાવ્યો લખ્યા હોવા છતાં આખા સંગ્રહમાં એકવિધતા કે પુનરાવર્તનનો બોજ અનુભવ્યા વિના ભાવક સહૃદયતાથી જોડાઈ શકે છે. સંગ્રહમાંથી એક કાવ્ય અહીં રજૂ કર્યું છે.
‘કોણ જાણે કેમ આવું થાય છે’ની અસમંજસથી કાવ્યારંભ થાય છે, એટલે અહીં જે જે થઈ રહ્યું છે એના આપણે કેવળ સાક્ષી બનવાનું છે એટલું નક્કી થઈ જાય છે. આમ થાય છે તો કેમ થાય છે એવો સવાલ કોઈએ કરવાનો થતો નથી, કેમકે કારણ તો સર્જકને પણ ક્યાં ખબર છે?
ફિલાડેલ્ફિયામાં રહેતા કવિના સ્મૃતિપટ પર અચાનક એમનું ગામ આખું આવી ચડ્યું છે, અથવા એમ કહો કે કવિ આખેઆખા ગામની સ્મૃતિઓમાં ડૂબી ગયા છે. એક પછી એક કલ્પન સાવ અલગ જ તરેહથી રજૂ કરીને કવિ બાહોશ ચિત્રકારની માફક ગામનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. આ સુવાંગ ચિત્રને વિવેચનની આડખીલી માર્યા વિના એમ જ માણીએ… કાવ્યાંતે થતો હિંગનો વઘાર તમારા નાકને પણ તરબોળ ન કરી દે તો કહેજો…
Permalink
March 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, બાબુ સુથાર
હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.
– બાબુ સુથાર
પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષાના બદલે ઘણીવાર કવિતા “મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે. કવિતામાં નકાર પણ ઘણીવાર બળવત્તર હકારની ભાષા બની રહે છે. અહીં કવિ ઘરેલુ ભાષા અને નકાર -બંને હાથમાં લઈને ચાલે છે. રચનાનું શીર્ષક ‘એક કાવ્ય’ છે પણ રચના શરૂ થાય છે, ‘હું કવિતા નથી લખતો’ના નકારથી. કવિતાના કર્તવ્યથી કવિ પરિચિત છે. કવિતા ઇન્દ્રિયોની સફાઈ કરે છે. એરિસ્ટોટલની પરિભાષામાં કવિતા catharsisનું- અર્થાત્ લાગણીઓના વિરેચન અને શુદ્ધિકરણનું કામ કરે છે, ભાષાને જીવાડવાનું કામ કરે છે અને સામાજીક નિસ્બત પણ રાખે છે. કવિ શરૂમાં કહે છે કે હું કવિતા નથી લખતો પણ પછી કહે છે કે હું છંદમાં કવિતા નથી કરતો. ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે! કવિતાના અગત્યના અંગો જેવા કે રૂપાન્તર, પદાવલી, કલ્પન વગેરેનો માત્ર નામોલ્લેખ કરીને છોડી દીધા પછીની અડધોઅડધ કવિતા છંદશાસ્ત્ર વિશે છે. કવિ ભલે છંદમાં કવિતા નથી કરતા પણ ‘એક કાવ્ય’માં અડધાથી વધુ ભાગ છંદને ચરણે સોંપીને હકીકતમાં છંદનો જ મહિમા કરાયો છે. છંદશાસ્ત્રના અભ્યાસુ હોવા છતાં કવિ છંદમાં કવિતા નથી કરતા એ બાબત છંદ શીખ્યા વિના જ અછાંદસનો મહિમા કરનારાઓ માટે સ્પૉટલાઇટ જેવી છે. કવિતાની સાથોસાથ રોજિંદી જિંદગીને સતત જક્સ્ટાપૉઝ કરીને, કવિતાને સતત ઉતારી પાડવાનો કીમિયો કરીને પણ સરવાળે તો કવિને ‘એક કાવ્ય’ જ સિદ્ધ કરવું છે…
Permalink