હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

(ઘરઝુરાપો) – બાબુ સુથાર

કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં ગંગાનદી
એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મોર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીં દડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.

– બાબુ સુથાર

નાનકડા ચેપબુક જેવા કાવ્યસંગ્રહ ‘ઘરઝુરાપો’માં કવિએ અછાંદસ કાવ્યોના ગુચ્છોને ચાર વિભાગ (ઊથલા)માં વહેંચીને શીર્ષકના સ્થાને માત્ર ક્રમાંક આપીને રજૂ કર્યા છે. સંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્ય અને તમામનો વિષય એક જ–ઘરઝુરાપો. પણ નવાઈ એ લાગે કે એક જ વિષય પર આટલા કાવ્યો લખ્યા હોવા છતાં આખા સંગ્રહમાં એકવિધતા કે પુનરાવર્તનનો બોજ અનુભવ્યા વિના ભાવક સહૃદયતાથી જોડાઈ શકે છે. સંગ્રહમાંથી એક કાવ્ય અહીં રજૂ કર્યું છે.

‘કોણ જાણે કેમ આવું થાય છે’ની અસમંજસથી કાવ્યારંભ થાય છે, એટલે અહીં જે જે થઈ રહ્યું છે એના આપણે કેવળ સાક્ષી બનવાનું છે એટલું નક્કી થઈ જાય છે. આમ થાય છે તો કેમ થાય છે એવો સવાલ કોઈએ કરવાનો થતો નથી, કેમકે કારણ તો સર્જકને પણ ક્યાં ખબર છે?

ફિલાડેલ્ફિયામાં રહેતા કવિના સ્મૃતિપટ પર અચાનક એમનું ગામ આખું આવી ચડ્યું છે, અથવા એમ કહો કે કવિ આખેઆખા ગામની સ્મૃતિઓમાં ડૂબી ગયા છે. એક પછી એક કલ્પન સાવ અલગ જ તરેહથી રજૂ કરીને કવિ બાહોશ ચિત્રકારની માફક ગામનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. આ સુવાંગ ચિત્રને વિવેચનની આડખીલી માર્યા વિના એમ જ માણીએ… કાવ્યાંતે થતો હિંગનો વઘાર તમારા નાકને પણ તરબોળ ન કરી દે તો કહેજો…

12 Comments »

  1. preetam lakhlani said,

    November 10, 2022 @ 1:35 AM

    આવી સરસ કવિતા ભાગ્યે જ કયાંક વાંચવા મળે છે, કવિતા તો લખાય છે પણ આપણી તરસ ક્યાં મટી છે!, બહુ મજા આવી….

  2. jugalkishor said,

    November 10, 2022 @ 8:26 AM

    સરસ.

    આમ જ એમને પ્રગટાવતા રહેજો !

  3. Varij Luhar said,

    November 10, 2022 @ 11:07 AM

    વાહ વાહ.. ખૂબ સરસ કાવ્ય

  4. Poonam said,

    November 10, 2022 @ 11:46 AM

    …નહિ તો આખું ફિલાડેલ્ફિયા
    આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.
    – બાબુ સુથાર – Waah !

    Aaswad swadisth 👌🏻

  5. Yogesh Samani said,

    November 10, 2022 @ 12:29 PM

    વાહ…

  6. Harsha Dave said,

    November 10, 2022 @ 2:33 PM

    વાહ…. ખૂબ જ સરસ

  7. હર્ષદ દવે said,

    November 10, 2022 @ 5:55 PM

    અલગ અલગ સ્મૃતિચિત્રોને લયબદ્ધ રીતે ગોઠવીને કવિએ ઘરઝુરાપાનું અદ્ભુત કૉલાજ રચ્યું છે. કવિને અને આપને અભિનંદન.

  8. Raxa Shah said,

    November 10, 2022 @ 7:27 PM

    વાહ. વાહ..ખૂબ સરસ કાવ્ય…🙏💐

  9. Babu Suthar said,

    November 10, 2022 @ 7:36 PM

    આભાર વિવેક, બાકી અત્યારે તો આવી કવિતાનો ભાવ પણ કોણ પૂછે છે? આમાં એક શબ્દ મેં નવો બનાવ્યો છે: ‘લણકાવવું’ એટલે કે ગળામાં રણકતી ઘૂઘરીઓનો અવાજ. ‘ભાઈબહેન મોસાળે’માં લોકગીતનો સંદર્ભ છે. “બાઈબહેન ચાલ્યાં રે મોસાળ, મામી દુ:ખ દે અપાર…. ભાઈબેનના હેતની વાત. ‘પડો ફૂટવો’ જમીનમાં પાણી ભરાવું. ખાસ કરીને ખેતરના. ફરી વાર વાંચી. ઘણું યાદ આવી ગયું.

  10. pragnajuvyas said,

    November 10, 2022 @ 10:39 PM

    जब भी घर से बाहर जाओ
    तो कोशिश करो…जल्दी लौट आओ
    जो कई दिन घर से ग़ायब रहकर
    वापस आता है
    वह ज़िन्दगी भर पछताता है
    घर… अपनी जगह छोड़ कर चला जाता है। –निदा फ़ाज़ली
    ઘરઝુરાપો…અમારી ઘણીખરી અનુભવેલી વાત !
    મા.બાબુભાઇ ના જીવન સંઘર્ષ ની વાત રસપ્રદ છે.મને આપની સાથે મારી શૈશવની યાત્રાએ દોરી જાય છે, કારણકે આજ રીતે, સમાજની છાયા ઝીલતા મોટા થયા છીએ. વાતો ને ઉર ટહુકા નવા ચીતાર પણ દોરતા જાય છે. અમે ડાયાસ્પોરા થયા. બધાં જ પરિચિત હોવા છતાં અપરિચિત! પોતીકા હોવા છતાં પરાયા! મને લાગે છે કે વિરક્તિ લાવવા માટે આવી પરિસ્થિતિ બહુ અનુકૂળ છે. મમતા છૂટી જાય એ પછી મોક્ષ પ્રાપ્ત થવો આસાન થઈ જાય!
    યાદ
    ઘટાળા વડલા, આંબા, સાગ ને શીમળા સમાં
    જમવા બેસે ત્યારે આંકોલિયા ના રૂની ચાકળીઓ
    हमारे दरमियाँ कुछ तो रहेगा
    चाहे वो फ़ासला ही सही ……
    બને તો
    ફાફડાં ગાંઠિયા તળાતા હોય એ દુકાનની ગંધ બોટલમાં બંધ કરીને કુરિયર કરી દેજો.

  11. વિવેક said,

    November 11, 2022 @ 10:55 AM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો આભાર…

    કવિશ્રી બાબુ સુથારંનો ખાસ આભાર..

  12. Lata Hirani said,

    November 18, 2022 @ 12:28 PM

    ગામડું જીવંત થયું છે… વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment