તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સર્વેશ્વરદયાલ સક્સેના

સર્વેશ્વરદયાલ સક્સેના શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રાજકારણ વિશેષ : ૦૮ : भेड़िया – सर्वेश्वर दयाल सक्सेना

-एक

भेड़िए की आँखें सुर्ख़ ( લાલચોળ ) हैं।

उसे तब तक घूरो
जब तक तुम्हारी आँखें
सुर्ख़ न हो जाएँ।

और तुम कर भी क्या सकते हो
जब वह तुम्हारे सामने हो?

यदि तुम मुँह छिपा भागोगे
तो भी तुम उसे
अपने भीतर इसी तरह खड़ा पाओगे
यदि बच रहे।

भेड़िए की आँखें सुर्ख़ हैं।
और तुम्हारी आँखें?

-दो

भेड़िया ग़ुर्राता है
तुम मशाल जलाओ।
उसमें और तुममें
यही बुनियादी फ़र्क़ है

भेड़िया मशाल नहीं जला सकता।

अब तुम मशाल उठा
भेड़िए के क़रीब जाओ
भेड़िया भागेगा।

करोड़ों हाथों में मशाल लेकर
एक-एक झाड़ी की ओर बढ़ो
सब भेड़िए भागेंगे।

फिर उन्हें जंगल के बाहर निकाल
बर्फ़ में छोड़ दो
भूखे भेड़िए आपस में ग़ुर्राएँगे
एक-दूसरे को चीथ खाएँगे।

भेड़िए मर चुके होंगे
और तुम?

 

—तीन

भेड़िए फिर आएँगे।

अचानक
तुममें से ही कोई एक दिन
भेड़िया बन जाएगा
उसका वंश बढ़ने लगेगा।

भेड़िए का आना ज़रूरी है
तुम्हें ख़ुद को चहानने के लिए
निर्भय होने का सुख जानने के लिए
मशाल उठाना सीखने के लिए।

इतिहास के जंगल में
हर बार भेड़िया माँद से निकाला जाएगा।
आदमी साहस से, एक होकर,
मशाल लिए खड़ा होगा।

इतिहास ज़िंदा रहेगा
और तुम भी
और भेड़िया?

– सर्वेश्वर दयाल सक्सेना

માનવજાત અસ્તિત્વમાં આવી પછી સમાજરચના થઈ ત્યાર પછી સતત એક આદર્શ રાજ્યવ્યવસ્થાની શોધ ચાલી રહી છે. આજે પણ કોઈ પરફેક્ટ વ્યવસ્થા નથી રચી શકાઈ. લોકશાહી અત્યારે”Lesser Evil” નું સ્થાન ધરાવે છે, પરંતુ તેમાં પણ પુષ્કળ ત્રૂટિઓ છે. લોકશાહીની સફળતાનો આધાર નાગરિકની ક્વોલિટી ઉપર છે.

કાવ્યજગત કઈ રીતે સામાજિક/રાજકીય નિસ્બતથી અલિપ્ત હોઈ જ શકે !!?? જે સમાજમાં હરક્ષણ દેખાય છે તે કવિ અનુભવે છે અને કાવ્યે કંડારે છે. એમાં જનસામાન્યનો ચિત્કાર પડઘાય છે.

ત્રણ ભાગમાં એક જ કાવ્ય છે. પહેલાં ખંડમાં કવિ ચેતવે છે કે આસુરી રાજકીય તાકાતથી આંખ આડા કાન ન કરો – એની આંખો માં આંખો પરોવી સામનો કરો…. બીજા ખંડમાં આતતાયી રાજ્યશક્તિનો સામનો કઈ રીતે કરવો તે વર્ણન છે- સમૂહશક્તિ માટે તે અશક્ય નથી. અંગ્રેજ સામે ઝૂઝવા માટે હિંદુસ્તાન પાસે આ રસ્તો હતો. મશાલ એ જાગ્રતિ/જ્ઞાનનું પ્રતિક છે. ત્રીજો ખંડ કાવ્યનું હાર્દ છે. કોઈપણ ક્રાંતિનું એ અભિન્ન ભયસ્થાન છે-ક્રાંતિકારી પોતે જ આતતાયીનું સ્થાન લઈ લેશે….. ઈતિહાસમાં આવા અસંખ્ય ઉદાહરણ છે. કવિ એનો પણ રસ્તો બતાવે છે…. ત્રણે ખંડમાં અંતે કવિ પ્રશ્ન મુકે છે અને વાચકને એ કદી ભૂલવા નથી દેતા કે સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં નાગરિક પોતે છે. નાગરિકે એ નથી ભૂલવાનું કે અન્ય કોઈ આ “ભેડિયા”ને પરાસ્ત નહીં કરી શકે….નાગરિકે પોતે જ કરવાનો છે….

 

સર્વેશ્વર દયાલજી હિન્દી કાવ્યનું અતિસન્માનનીય નામ – અને આ કવિતા તેઓની ખૂબ જાણીતી રચના….

Comments (1)

સમર્થ સાચો અવાજ – સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

હવે હું કઈ કહેવા નથી માંગતો,
સાંભળવા ઈચ્છું છું એક
સમર્થ સાચો અવાજ
કદાચ ક્યાંક હોય.

નહીં તો
એના પહેલાંનું
મારું પ્રત્યેક કથન
પ્રત્યેક મંથન
પ્રત્યેક અભિવ્યક્તિ
શૂન્ય સાથે ટકરાઈને પાછી ફરી આવે,
એ અનન્ત મૌનમાં સમાઈ જવા ઇચ્છું છું
જે મૃત્યુ છે.

‘જે કહ્યા વગર મરી ગયો’
આ અધિક ગૌરવશાળી છે
આ કહેવાથી –
‘ કારણકે એ મરવાના પહેલાથી
કંઈક કહી રહ્યો હતો
જેને કોઈએ સાંભળ્યું નહીં. ‘

– સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

” The wasteland grows. Woe to him who hides wasteland within.” – Nietzsche

આ ઉદગાર ઓગણીસમી સદીના અંતભાગે એ વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયા છે કે જેને માટે ખલિલ જિબ્રાને એમ કહ્યું હતું કે Nietzsche પૃથ્વી ઉપર ચાલનાર માનવોમાંનો સૌથી બુદ્ધિમંત માનવ હતો.

આ ઉદગારો Nietzsche ના પુસ્તક ‘ Thus spake Zarathrusta ‘ ના નાયકના મુખેથી બોલાયા છે. અર્થ આમ તો સ્પષ્ટ છે – વેરાની ફેલાઈ રહી છે. ધિક્કાર છે એને જે પોતાની અંદર વેરાની સંઘરીને બેઠો છે. આ વેરાની-ઉજ્જડતા વૈચારિક વેરાની છે…… સ્પષ્ટ-પૂર્વગ્રહમુક્ત-સમ્યક દર્શનના અભાવની વાત છે. અનભિજ્ઞ પ્રદેશે હિંમતભેર વિચરણના સાહસના સદંતર અભાવની વાત છે. વળી, ભયાનક વાત એ છે કે આ વેરાની ફેલાઈ રહી છે……ધીમે ધીમે બધું જ ઉજ્જડ થઇ જશે……

અનેક પ્રજ્ઞાવાન સાહસિકો આવું બધું ઘણું કહી ગયા છે…. શૂન્ય સાથે ટકરાઈને તેઓના સાદ પાછા વળતા રહ્યા છે. માનવજાત સ્વભાવગત પ્રચંડ આળસ અને ડરના અસાધ્ય રોગથી મુક્ત નથી થઇ શકતી.

જે કોઈ પણ ચિંતક વ્યક્તિને પોતાને કંઈક કરવાનું કહે છે તેને માનવજાત તરત જ ક્યાં તો ગુમનામીના અંધારે ગુમ કરી દે છે અથવા ઈશ્વર બનાવીને મંદિર/મસ્જીદ/ચર્ચમાં કેદ કરી દે છે…….

Comments (3)

તારી ગુલાબી હથેળી – સર્વેશ્વરદયાલ સક્સેના [ હિન્દી ] – અનુ- સુરેશ દલાલ

પહેલી વાર
મેં જોયું પતંગિયું
કમલમાં રૂપાંતરિત થતું
પછી કમળ પરિવર્તન પામ્યું
ભૂરા જળમાં
ભૂરું જળ
અસંખ્ય પંખીઓમાં
અસંખ્ય પંખીઓ
રંગીન લાલ આકાશમાં
અને આકાશ રૂપાંતરિત થયું
તારી ગુલાબી હથેળીમાં….
આમ ને આમ મેં અનેકવાર જોયાં આંસુઓ
સપનામાં રૂપાંતરિત થતાં……

– સર્વેશ્વરદયાલ સક્સેના [ હિન્દી ] – અનુ- સુરેશ દલાલ

સરળ વાચ્યાર્થ તો સુંદર છે જ…… થોડુક અલગ રીતે વિચારતાં– ‘આશા’ અને ‘નિરાશા’ શબ્દો પર મોટા મોટા થોથાંઓ લખી શકાય, પરંતુ અર્ધખૂંચેલા તીરની વેદનાથી પીડાતા જીવડાને એ શું કામ લાગે !? તો સામે છેડે આ કવિ છે !! થોડાક સરળ શબ્દોથી આખું મેઘધનુષ રચી કાઢ્યું છે……!! બૌદ્ધધર્મ અનુસાર આને ‘સમ્યક દ્રષ્ટિ’ કહી શકાય- બિંદુમાં સિંધુ અને સિંધુમાં બિંદુ જોવું તે………પરિપાટીને અવગણી હાર્દ જોવું એટલે સમ્યક દ્રષ્ટિ

Comments (3)

તમે : એક યાત્રા – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ.સુશીલા દલાલ)

તમે એક યાત્રા છો –
જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થ
છે કંઈક મળવું
જ્યાં દરેક થાક
એક નવી સ્ફૂર્તિ છે
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે
જ્યાં દરેક અનુભૂતિ
ઈશ્વરની મૂર્તિ છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અનેક રસ્તાઓમાંથી તમે પોતે યાત્રા માટે કયો રસ્તો પસંદ કરો છે એના પર આખો ખેલ છે. ખાલી દ્રષ્ટિના બદલાવાથી જીવન દમન ને બદલે ઉર્ધ્વગમન બની જાય છે.

Comments (4)

(એકબીજાને) – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.

શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.

પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?

Comments (12)

ઘણીવાર એક વ્યથા – સર્વેશ્વરદયાલ સક્સેના

ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.

ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.

ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના

અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે  એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.

Comments (15)

પછાત માણસ – સર્વેસ્વરદયાલ સક્સેના

બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.

– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.

Comments (7)

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

Comments (6)

અડધે રસ્તે – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)

આપણે બધા
આપણે બધા અધવચ્ચે અટવાયેલી જિંદગી જીવી રહ્યા છીએ.
આપણે સંપૂર્ણ આવેગ સાથે
નથી ધૃણા કરી શકતા
નથી પ્રેમ,
નથી ગુસ્સે થઈ શકતા
નથી ક્ષમા આપતા;
અધૂરી કામનાઓ,
અધૂરી ઈચ્છાઓ,
અધૂરાં સપનાંઓ,
અધૂરી વાતો,
બધું જ આપણામાં સંતાડીને
અધૂરા રસ્તા પર ફરીએ છીએ,
ડરીએ છીએ, કતરાઈએ છીએ,
અધૂરી દૃષ્ટિ,
અધૂરા વિચાર,
અધૂરા સંબંધોને
સ્વીકારીએ છીએ,
અને એમને જો પૂર્ણતાની શોધમાં
લાવારીસ ફરતા મળી જઈએ છીએ
તો અડધે રસ્તેથી પાછા વાળી દઈએ છીએ.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)

Comments (3)

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ – સર્વેશ્વરદયાલ સક્સેના

ગોળી ખાઈને
એકને મોઢેથી નીકળ્યું-
‘રામ’

બીજાના મોઢેથી નીકળ્યું-
‘માઓ’

પણ
ત્રીજાના મોઢેથી નીક્ળ્યું-
‘બટાટા’

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે
કે પહેલાં બેનાં પેટ
ભરેલાં હતાં.

– સર્વેશ્વરદયાલ સક્સેના 
(અનુ.-સુશીલા દલાલ) 

આ ગોળી જેવી કવિતા સીધી હ્રદય પર વાગે છે. જોવાની વાત એ છે કે એ વખતે આપણા મોઢામાંથી શું નીકળે છે?

Comments (2)