સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુશીલા દલાલ

સુશીલા દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સમર્થ સાચો અવાજ – સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

હવે હું કઈ કહેવા નથી માંગતો,
સાંભળવા ઈચ્છું છું એક
સમર્થ સાચો અવાજ
કદાચ ક્યાંક હોય.

નહીં તો
એના પહેલાંનું
મારું પ્રત્યેક કથન
પ્રત્યેક મંથન
પ્રત્યેક અભિવ્યક્તિ
શૂન્ય સાથે ટકરાઈને પાછી ફરી આવે,
એ અનન્ત મૌનમાં સમાઈ જવા ઇચ્છું છું
જે મૃત્યુ છે.

‘જે કહ્યા વગર મરી ગયો’
આ અધિક ગૌરવશાળી છે
આ કહેવાથી –
‘ કારણકે એ મરવાના પહેલાથી
કંઈક કહી રહ્યો હતો
જેને કોઈએ સાંભળ્યું નહીં. ‘

– સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

” The wasteland grows. Woe to him who hides wasteland within.” – Nietzsche

આ ઉદગાર ઓગણીસમી સદીના અંતભાગે એ વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયા છે કે જેને માટે ખલિલ જિબ્રાને એમ કહ્યું હતું કે Nietzsche પૃથ્વી ઉપર ચાલનાર માનવોમાંનો સૌથી બુદ્ધિમંત માનવ હતો.

આ ઉદગારો Nietzsche ના પુસ્તક ‘ Thus spake Zarathrusta ‘ ના નાયકના મુખેથી બોલાયા છે. અર્થ આમ તો સ્પષ્ટ છે – વેરાની ફેલાઈ રહી છે. ધિક્કાર છે એને જે પોતાની અંદર વેરાની સંઘરીને બેઠો છે. આ વેરાની-ઉજ્જડતા વૈચારિક વેરાની છે…… સ્પષ્ટ-પૂર્વગ્રહમુક્ત-સમ્યક દર્શનના અભાવની વાત છે. અનભિજ્ઞ પ્રદેશે હિંમતભેર વિચરણના સાહસના સદંતર અભાવની વાત છે. વળી, ભયાનક વાત એ છે કે આ વેરાની ફેલાઈ રહી છે……ધીમે ધીમે બધું જ ઉજ્જડ થઇ જશે……

અનેક પ્રજ્ઞાવાન સાહસિકો આવું બધું ઘણું કહી ગયા છે…. શૂન્ય સાથે ટકરાઈને તેઓના સાદ પાછા વળતા રહ્યા છે. માનવજાત સ્વભાવગત પ્રચંડ આળસ અને ડરના અસાધ્ય રોગથી મુક્ત નથી થઇ શકતી.

જે કોઈ પણ ચિંતક વ્યક્તિને પોતાને કંઈક કરવાનું કહે છે તેને માનવજાત તરત જ ક્યાં તો ગુમનામીના અંધારે ગુમ કરી દે છે અથવા ઈશ્વર બનાવીને મંદિર/મસ્જીદ/ચર્ચમાં કેદ કરી દે છે…….

Comments (3)

(એકબીજાને) – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.

શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.

પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?

Comments (12)