હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
દેવાંગ નાયક

(એકબીજાને) – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.

શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.

પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?

12 Comments »

  1. MAYAANK TRIVEDI SURAT said,

    March 7, 2010 @ 12:04 PM

    કેટલું સારું હોય છે
    એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
    અને પોતાની જ અંદર
    બીજાને મેળવી લેવું.

    જીવનના ગંતવ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ

  2. dakasha maheta said,

    March 7, 2010 @ 7:34 PM

    પેલા સુફી કવિઓ સમ જીવ અને ઈશ્વર તથા સ્ત્રી અને પુરુષ બન્ને ના સંબંધૉની વાત છે આ કાવ્યમાં.
    ગુજરાતીમાં હજું હિન્દી રણકો સંભળાય છે.
    સુશી દલાલ કે સુરેશ દલાલ !!!

  3. ઊર્મિ said,

    March 7, 2010 @ 11:14 PM

    વાહ ભાઈ… શું અજબ-ગજબની કવિતા લાવ્યા છો ! કેટલી સાચુકલી વાત છે એક્કેક શબ્દમાં… !

    કંઈક પણ બરાબર જાણી લેવું
    પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે…….. પૂર્ણસત્ય!

    તીર્થેશની ‘જ્ઞાન’ની વાતની સાથે સાથે પેલા કહેવતી-શબ્દો યાદ આવ્યા- ‘જાણ્યાનું ઝેર’!

  4. vajesinh said,

    March 8, 2010 @ 12:56 AM

    કંઈક પણ બરાબર જાણી લેવું
    પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.
    જિંદગીમાં વિસ્મય હોય તો જ જિંદગી આશ્ચર્ય સર્જે. ઘણું બધું જાણીને આપણે વિસ્મય ખોઈ બેસતા હોઈએ છીએ. અને પછી જિંદગી બોજરૂપ – દુશ્મન જેવી લાગે છે, આ કડવું સત્ય સાદાસરળ શબ્દોમાં કવિએ સુપેરે વ્યક્ત કર્યું છે. અલબત્ત, છેલ્લા અંતરામાં કવિએ જિંદગીને- એના વિસ્મયને પામવાની ગુરુચાવી આપી છે જ. જિંદગીનો આનંદ સહજ- બાળસહજ રહેવામાં જ છે. ગુજરાતીમાં લખાયું હોય એવો અનુવાદ. કવિને, અનુવાદકને ને લયસ્તરોને અભિનંદન. અનુવાદકનું નામ સુશી દલાલ હોવું જોઈએ.

  5. વિવેક said,

    March 8, 2010 @ 1:09 AM

    સુંદર !!

  6. tirthesh said,

    March 8, 2010 @ 1:44 AM

    મેં ફરીથી ચેક કર્યું-અનુવાદકનું નામ ચોક્કસ ‘સુશીલા દલાલ’ જ છે. પુસ્તક છે-‘એક સૂની નાવ’-૧૯૯૨-મિહિકા પબ્લિકેશન્સ . સુશીલા દલાલ અને સુશી દલાલ એક જ વ્યક્તિ છે કે જુદી વ્યક્તિઓ તે મને ખબર નથી.

  7. vajesinh said,

    March 8, 2010 @ 3:05 AM

    સોરી! આ કોઈક બીજાં હશે. મને એમ કે સુરેશ દલાલનાં શ્રીમતીજી સુશી દલાલ હિન્દી માંથી ઘણી વાર કાવ્યોના અનુવાદો કરે છે. હું એમને સમજી બેઠો હતો. એમનું પુસ્તક હોય તો ઇમેજ પબ્લિકેશનનું હોય, મિહિકાનું ના હોય. મારી ગેરસમજ માટે દિલગીર છું.

  8. નિનાદ અધ્યારુ said,

    March 8, 2010 @ 4:42 AM

    ના કહેવાની વાત કવિએ કહી દીધી છે.
    અફ્લાતૂન !

  9. preetam lakhlani said,

    March 8, 2010 @ 9:16 AM

    સુશીલા દલાલ અને સુશી દલાલ એક જ વ્યકતિ છે, સુરેશ દલાલના શ્રિમતીનુ નામ સુશીલા દલાલ છે, મોટે ભાગે સુશીલા દલાલના (૧૦૦%) અનુવાદ તમને કવિતા મા જ વાચવા મળશે!…સુરેશ ભાઈએ લગભગ ૨૦ થી ૨૫ નામે કવિતા લખેલ છે આ વિગત તમારે જાણવી હોય તો તેમનો કાવ્ય સગ્રહ ” તરાપો” જોઈ જવો તેમા સુરેશ દલાલે જણાવ્યુ છે કે મે આ નામે કાવ્ય લખયા છે તે બધા આ સગ્રહમા પ્રગટ્ કરયા છે, સુરેસ ભાઈ હમેશા મને કહે છે આ મારુ ઉપનામ નથી પણ સુશીલા બેન જ અનુવાદ કરે છે.!!! જોકે કવિતામા કયારેક આશા દલાલના નામે પણ અનુવાદ પ્રગટ થાય છે તે સુરેશ ભાઈના ભાભી છે અને સુશીલા બેનના બેન છે.. આખુ પરિવાર કાવ્ય પ્રેમિ છે!

  10. sonali said,

    March 9, 2010 @ 6:47 AM

    ખુબ સરસ ઃ)

  11. Pancham Shukla said,

    March 10, 2010 @ 1:19 PM

    કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું !

    સરસ વાત.

  12. pragnaju said,

    March 14, 2010 @ 2:49 PM

    પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
    કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
    કંઈક પણ બરાબર જાણી લેવું
    પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

    કેટલું સારું હોય છે
    એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
    અને પોતાની જ અંદર
    બીજાને મેળવી લેવું.

    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment