બે દાયકાની સફર – લયસ્તરો ડોટ કોમ
*
વીસ વરસ… બે દાયકા…
૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકાથી ધવલ શાહે આ કાવ્યયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ દિવસ પણ આવશે… આજે વીસ-વીસ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં હોઆ છતાં આ મુસાફરી હજી ખતમ નથી થઈ એના પાયામાં મિત્રોને અમારી કટિબદ્ધતા કે પ્રતિબદ્ધતા નજરે ચડે છે, પણ અમને ખબર છે કે આ સફર કદી અમારા એકલાની કે અમારા નિર્ધાર યા સમર્પણની હતી જ નહીં, આ યાત્રા તો પ્રારંભથી જ આપ સહુના સાથ-સંગાથ અને સ્નેહ-આશીર્વાદની યાત્રા હતી… લયસ્તરોની આ મજલ આપ જેવા સંનિષ્ઠ ભાવકમિત્રો વિના એક ડગલું પણ કાપી શકાય એમ નહોતી…
૨૦ વરસ
૧૨૦૦ થી વધુ કવિઓ
૫૬૦૦ થી વધુ પોસ્ટ્સ
૪૨૦૦૦ થી વધુ પ્રતિભાવો
૫૦ લાખથી વધુ મુલાકાત વીસ વરસમાં (પ્રતિદિન ૭૦૦ થી વધુ મુલાકાતી)
એક કરોડથી વધુ વ્યૂઝ (પ્રતિદિન ૧૫૦૦ થી વધુ વ્યૂઝ)
એક તરફ સૉશ્યલ મિડિયાનું અતિક્રમણ અને બીજી તરફ કવિતા નામનો પ્રાણવાયુ… ગુજરાતી કાવ્યસાહિત્યના મહાસાગરમાંથી અમારી સમજ મુજબના રત્નો શોધી શોધીને અમે આપની તાસક ઉપર ધરતા આવ્યા છીએ, ધરતા રહીશું… વ્યક્તિગત અને માનવસહજ મર્યાદાઓને કારણે તમામ સર્જકો અને તમામ સર્જન સુધી પહોંચવું તો કદીય સંભવ નથી જ બનવાનું. અહીં જે છે એ બધું ઉત્તમ જ છે અને અહીં જે નથી એ ઉત્તમ નથી એવો અમારો કોઈ દાવો નથી. ઘણા ઉત્તમ સર્જકો અને અસંખ્ય ઉત્તમ કવિતાઓ અમારી પહોંચ બહાર રહી હોવાના ક્ષતિસ્વીકાર સાથે અમે અમારી પહોંચ બહાર રહી ગયેલ એ તમામ સર્જકો અને સર્જનની ક્ષમા માંગીએ છીએ…
જીવે કવિતા! જીવે ગુજરાતી!
સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક અભાર…
ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો
દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અલગ પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે – પિતૃવિશેષ! જગતભરના કવિઓએ માતાનો મહિમા કરીને એને ભગવાનની સમકક્ષ ઊભી રાખી છે, પણ સમગ્ર પરિવારનો બોજો મૂંગા મોઢે વેંઢારતા રહેતા પિતા વિશે બહુ ઓછા કવિઓ બહુ ઓછું બોલ્યા છે. લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે પિતાજીને કેંદ્રસ્થાનમાં રાખીને કહેવાયેલી કવિતાઓ રજૂ કરીશું… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.
લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:
-
- 2004 – પ્રારંભ
- 2005 – ~~~
- 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
- 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
- 2008 – યાદગાર ગઝલો
- 2009 – યાદગાર ગીતો
- 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
- 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
- 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
- 2013 – સવા-શેર (યાદગાર શેર)
- 2014 – बज़्म-ए-उर्दू (ઉર્દૂ રચનાઓ)
- 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
- 2016 – યાદગાર મુક્તકો
- 2017 – લોકગીત
- 2018 – અછાંદસોત્સવ
- 2019 – સૂફીનામા
- 2020 – હાસ્યમેવ જયતે
- 2021 – માતૃમહિમા
- 2022 – રાજકારણ વિશેષ
- 2023 – પ્રેરણાપુંજ (રાહ ચીંધતી કવિતાઓ)
સુનીલ શાહ said,
December 4, 2024 @ 9:57 AM
ટીમ લયસ્તરોની પ્રતિબદ્ધતાને સલામ..
વીસ વીસ વર્ષ સુધી ગુણવત્તાસભર સાતત્ય જળવાય એ સુખદ આશ્ચર્ય અને આનંદ. હવે તો લયસ્તરો ગુજરાતી કવિતાનું મુખ્ય અને અદકેરું સરનામું થઈ ગયું છે. આ યાત્રા અવિરત ચાલતી રહે તેવી સ્નેહકામનાઓ. સૌને પુનઃ અભિનંદન અને આભાર.
Jayshree Bhakta said,
December 4, 2024 @ 10:32 AM
લયસ્તરોને અને એની આખી team ને ખૂબ ખૂબ અભિનંદન!!! લયસ્તરોનો આ વિશાળ દરિયો હંમેશા વિકસતો રહે અને એમાં ડૂબકી મારનારા દરેકને ગુજરાતી સાહિત્યના અમૂલ્ય મોતીઓ પીરસતો રહે એવી શુભેચ્છાઓ!!
Sejal Desai said,
December 4, 2024 @ 11:35 AM
લયસ્તરો કવિતાનો ખજાનો છે.એમાંથી પસાર થઈએ તો વિવિધ પ્રકારના કાવ્યરૂપી રત્નો વાંચીને ખૂબ જ આનંદ આવે છે.
ટીમ લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
જય હો
પૂર્વી બ્રહ્મભટ્ટ said,
December 4, 2024 @ 1:32 PM
ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમને
વીસ વર્ષોથી ગુણવત્તાસભર સાહિત્ય અહીં પીરસઇ રહ્યું છે
એ બદલ સમગ્ર ટીમ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
અઢળક શુભેચ્છા 🌹
મારા ગીત, ગઝલ લયસ્તરો પર સ્થાન પામ્યા એનો મને ખૂબ આનંદ છે.