માતૃમહિમા : ૦૫ : મા – જયન્ત પાઠક
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
– જયન્ત પાઠક
મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?! મા તે મા, બીજા બધા વગડાનાં વા ! જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!
હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.
praheladbhai prajapati said,
December 9, 2021 @ 8:41 AM
very nice
pragnajuvyas said,
December 9, 2021 @ 10:31 AM
સરસ રચના …
જયેન્દ્ર ઠાકર said,
December 9, 2021 @ 12:15 PM
માના મધુર સ્મરણૉ!!
preetam lakhlani said,
December 9, 2021 @ 9:46 PM
મેશનું ટપકું કરે એ તો મા જ… બહુ જ અદ્ભૂત કાવ્ય, મ વિશેના ઉત્તમ કાવ્યોમાનું એક કાવ્ય, આસ્વાદ લઘુત્તમ છે
વિવેક said,
December 10, 2021 @ 12:55 AM
સરસ મજાનું ભાવવાહી કાવ્ય…