વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ જોશી ડૉ.

મનોજ જોશી ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

Comments (7)

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

Comments (10)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(અહો રૂપ એનું!) – ડૉ. મનોજ જોશી ‘મન’

અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.

ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…

નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.

નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.

પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’

– ડૉ. મનોજ જોશી ‘મન’

છંદ સામાન્યરીતે કવિતાને રજૂ કરવાનું વાહન માત્ર બની રહેતો હોય છે, પણ ક્યારેક કવિ છંદનો બખૂબી પ્રયોગ કરીને છંદને માત્ર વાહન ન રહેવા દેતાં, કાવ્યવહનના વહેણમાં આબાદ ભેળવીને કવિતાની એક અલગ જ ફ્લૅવર સર્જવામાં સફળ થતા હોય છે. જુઓ આ ગઝલ… મત્લામાં અહો અહોના બે વારના લટકા અને નયન, નેણ. નર્તન સાથે વદન, વેણ, વર્તનના આંતર્પ્રાસની સાંકળી તથા ‘ન’-‘વ’ની વર્ણસગાઈ પ્રયોજીને કવિએ લગાગા લગાગાના આવર્તનોને કેવા ખપમાં લીધા છે!

બસ, આટલી ટિપ્પણી કર્યા બાદ આ મસ્તમૌલા શૃંગાર-રચના અને આપની વચ્ચે હું ક્ષણભરનો પણ અંતરાય નહીં બનું… મોટેથી વાંચો અને મજા લો…

Comments (7)

બદલે – ડૉ.મનોજ જોશી ‘મન’

પરિસ્થિતિ તો હજાર બદલે;
ન વેદનાઓ લગાર બદલે.

તું જેમ બખ્તર ધરાર બદલે,
ક્ષણોય એમ જ પ્રહાર બદલે.

‘હ’કાર બદલે; ‘ન’કાર બદલે,
‘હું’કારનો બસ પ્રકાર બદલે.

જનમથી રાતે સૂતાં રહો છો;
તો આમ ક્યાંથી સવાર બદલે!

સળંગ બદલે મૂળેથી માણસ;
જરાક એ જો વિચાર બદલે.

કદાચ બદલે તો રીત બદલે,
મરણ ન તિથિ, ન વાર બદલે.

યુગોયુગોથી જીવે પ્રતીક્ષા;
બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે.

– ડૉ.મનોજ જોશી ‘મન’

દેખાવમાં ટૂંકી ટચરક પણ નિભાવવી દોહ્યલી થઈ પડે એવી ‘બદલે’ સાતે-સાત શેરમાં કેવી બ-ખૂબી નિભાવી છે તે જુઓ… બધા જ શેર વિચારણીય થયા છે.

 

Comments (4)

(જીવે છે) – ડૉ. મનોજ જોશી ‘મન’

કિનારેથી અંદર કૂદેલા જીવે છે,
જીવન, દિલના દરિયે ડૂબેલા જીવે છે.

ખરું છે કે સંબંધ નકરૂં કળણ છે,
ને એ પણ ખરું છે ખૂંપેલા જીવે છે !

કહ્યું માર્ગને ચોંટી બેઠેલા સૌએ,
ખરેખર તો રસ્તો ભૂલેલા જીવે છે!

સતત કાંટા સાથે ફરે તે મરે છે,
ને ઘડિયાળમાંથી છૂટેલા જીવે છે.

પસીનો લૂછી કાળ હાંફીને બોલ્યો !
જીવે છે અણીના ચૂકેલા જીવે છે.

– ડૉ. મનોજ જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિમિત્ર આ સાથે એમનો બીજો ગઝલ સંગ્રહ ‘ઘડીક ઝળહળ, ઘડીક ઝાંખું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે કવિ અને સંગ્રહ-બંનેનું સહૃદય સ્વાગત છે…

પ્રમાણમાં કઠિન કહી શકાય એવા કાફિયા અને નિભાવવી અઘરી થઈ પડે એવી રદીફ સાથેની એક મજાની ગઝલ સંગ્રહમાંથી માણીએ.

Comments (2)

(શ્રદ્ધા બિચારી) – ડૉ.મનોજ જોશી ‘મન’

શ્રદ્ધા બિચારી-બાપડી થઈને ઉભી રહી,
શંકા હતી તે ખાતરી થઈને ઉભી રહી.

પંપાળ્યે રાખી પ્રેમથી તો કદ વધી ગયું,
ચપટીક ચિંતા, ગાંસડી થઈને ઉભી રહી.

તપતા રહ્યા તે આખરે પાક્કા બની ગયા,
તકલીફ એવી તાવડી થઈને ઉભી રહી.

વાંચ્યું’તું ખૂબ તક વિશે,પણ ના કળી શક્યા,
પહેલી હતી તે આખરી થઈને ઉભી રહી.

છે ભૂલ એનું નામ ! એ ભૂલ્યા’તાં આપણે,
એની હતી એ આપણી થઈને ઉભી રહી.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મત્લા જ ‘મન’ જીતી લે એવો બળકટ થયો છે. સાવ સાચી વાત. આજે આપણે જે યુગમાં જીવી રહ્યાં છીએ, એમાં શ્રદ્ધા સાવ બિચારી ને બાપડી બનીને રહી ગઈ છે ને શંકા હિમાલય જેવું નક્કર સત્ય બની ગઈ છે. બીજા શેરમાં ‘ચિંતા બડી અભાગની’ની વાત કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે! સમય પર ત્યાગ ન કરીએ અને પંપાળીએ તો ચપટીભર ચિંતા ગાંસડી બની જઈ આપણને કચડી નાંખવામાં વાર નથી લગાડતી. ને તકલીફની તાવી પર જે તપ્યે રાખે એ પાકા બની જાય છે એ વાત પણ સ-રસ. જો કે તાવડીના સ્થાને નિંભાડો કે ભઠ્ઠી શબ્દ વધુ અપેક્ષિત લાગે છે. તક અને ભૂલ વિશેના શેર પણ આસ્વાદ્ય થયા છે.

Comments (3)

થાક – ડૉ.મનોજ જોશી ‘મન’

આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!
પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!

બીજાની સાથે એમને હસતાં દીઠાં પછી,
ઉતરી ગયો છે એકદમ ‘પામ્યા નહીં’નો થાક!

જૂના ગુલાબી પત્ર મેં વાંચ્યા જરાક જ્યાં,
ડોકાયો ત્યાં તો ટેરવે ‘ફાડ્યા નહીં’નો થાક!

એક જ વખત જાગી શક્યો ના હું સમય ઉપર,
આજેય કનડે સ્વપ્નને ‘જાગ્યા નહીં’નો થાક!

નીકળી ગયો છું કારમાં હું આંબલીથી દૂર,
ખિસ્સામાં લઈને કાતરા ‘પાડ્યા નહીં’નો થાક!

-ડૉ.મનોજ જોશી ‘મન’

ક્રિયાપદને ‘હાઇલાઇટ’ કરીને કવિએ એમની પાસેથી જે રીતે કામ કઢાવ્યું છે એ કાબિલે-દાદ છે. પ્રિયપાત્ર આવશે-આવશેની વિફળ પ્રતીક્ષામાં રત આંખોને હવે થાક લાગ્યો છે ને અફસોસ પણ થાય છે એ વાતનો કે આવશે-આવશેની રાહ જોયે રાખી બેસી રહેવાના બદલે જરા તસ્દી લઈને જાતે જ એ દિશામાં ચાલી કાઢ્યું હોત તો કદાચ કોઈ પરિણામ હાથ આવત… જે અંતર કાપવાનું બાકી રહી ગયું એ ન કપાયેલા અંતરનો હવે પગને થાક લાગે છે. કેવો અદભુત મત્લા! સરવાળે સાદ્યંત સુંદર ગઝલ…

Comments (2)

જીવી લે ! – ડૉ. મનોજ જોશી ‘મન’

સમય બાથમાં લઈ ક્ષણે ક્ષણ જીવી લે,
જીવી લે ! કહું છું હજુ પણ જીવી લે !

હે બુદ્ધિજીવી ને વિચક્ષણ ! જીવી લે,
ન કર જિંદગીનું પરીક્ષણ ! જીવી લે.

બધા સ્વપ્નનું શ્રાધ્ધ કરજે વિધિવત્ !
કરી લાગણીઓનું તર્પણ જીવી લે.

સતત એક રસ્તે જવા આવવાનું !
લઈ શ્વાસ પાસેથી શિક્ષણ, જીવી લે !

દલીલો ને તર્કોને પડતા મૂકીને,
નથી જીવવા જેવું તો પણ જીવી લે !

– ડૉ. મનોજ જોશી ‘મન’

કેવી મજાની વિધાયક ગઝલ! બધા જ શેર સંતર્પક… કંઈ પણ થાય, જીવી લેવાનું છે અને જીવનમાં જીવ હોય એ રીતે જ જીવવાનું છે, મરતાં-મરતાં નહીં…

Comments (3)

છોડી દો – ડૉ. મનોજ જોશી ‘મન’

ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો

જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.

જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.

છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

દરેકેદરેક શેર ચિરસ્મરણીય…  જિંદગી મોટાભાગના માટે બોજ બની રહે છે એનું કારણ તણાવની ધુંસરી ખભે ઉપોડીને ચાલ-ચાલ કરવાનો આપણો સ્વભાવ જ છે. તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે. દાવ છોડવાનો જ નથી… મેદાનમાં ઉતર્યા છીએ તો રમી તો લેવાનું જ છે પણ હાર-જીતનો બોજ માથે લેવાની જરૂર નથી.

 

Comments (6)

મનજી – ડૉ.મનોજ જોશી ‘મન’

ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !

માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !

કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.

ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !

તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !

– ડૉ.મનોજ જોશી ‘મન’

તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…

Comments (11)

(ખાલીપો) – ડૉ.મનોજ જોશી ‘મન’

રાંક બની ધ્રૂજે રાજીપો;
એમ ભીતર ખખડે ખાલીપો.

વર્તન એમ જ સીધું થાશે,
ટીપો, ટીપો, વિચાર ટીપો !

અહીં નિયમ છે blind જ રમવું;
રાત-દિવસનાં પત્તાં ચીપો !

આંસુ પીધાં; લોહી’યે પીધું,
ખમ્મા તરસદે ! હવે તો છીપો.

જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !

– ડૉ.મનોજ જોશી ‘મન’

બહર ટૂંકી પણ કામ મોટું.

બંધ ડબ્બામાં એલ્યુમિનિયમના સિક્કા મૂકીને બાળપણમાં સહુએ ખખડાવવાની મજા માણી હશે, ખરું ને? પણ ડબ્બો સિક્કાઓથી આખો ભરેલો હોય તો? ખખડે ખરો? જી, ડબ્બાને ખખડવા માટે ભીતર ખાલીપો જોઈએ પણ ખાલીપાની ભીતર પણ ખાલીપાનો જ સિક્કો હોય તો? ખાલીપાનો આ તે કેવો ગુણાકાર? રાજીપો તો બિચારો દૂર ઊભા રહી થર-થર ધ્રુજવા સિવાય હવે કરેય શું?

મક્તામાં તખલ્લુસ પણ કેવું ચપોચપ કામમાં લીધું છે! આખી ગઝલ આજ રીતે આસ્વાદ્ય…

Comments (9)

કૂંડાળું – મનોજ જોશી

કૂંડાળું મિટાવીને લીટી કરી છે,
સફરને અમે સાવ સીધી કરી છે.

વિકટ માર્ગની આબરૂ કાજ થઈને,
અમે ચાલ થોડીક ધીમી કરી છે.

‘નથી છોડતી માયા…’ કહેવાને બદલે,
અમે પોતે પક્કડને ઢીલી કરી છે.

ગઝલને પરણવાના યત્નોમાં અંતે,
અમે વેદનાઓની પીઠી કરી છે.

અમારું તો સમજ્યા કે આદત પડી છે,
તમે કેમ આંખોને ભીની કરી છે ?

– મનોજ જોશી

સાદ્યંત સંતર્પક રચના…

Comments (3)

ઘસી ઘસીને – મનોજ જોશી

ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે,
છતાં વિચાર અમારા હજુય મેલા છે.

દિશાના નામ ફક્ત સૂર્યથી પડેલાં છે,
ઘણાના સ્વપ્ન ઉગમણેય આથમેલાં છે.

નથી હું આપતો ક્યારેય મારું સરનામું,
અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઊભેલા છે.

દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે,
આ કોના પ્રેમમાં શ્વાસો બધાય ઘેલા છે ?

ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.

– મનોજ જોશી

આ કવિની ગઝલો જેમ જેમ વાંચતો જાઉં છું, હું વધુ ને વધુ એના પ્રેમમાં પડતો જાઉં છું. કયા શેર પર આંગળી મૂકવી એ પ્રશ્ન થઈ જાય એવી ગઝલ. હા, જો કે છેલ્લો શેર જરા સપાટ લાગ્યો.

Comments (8)

નીકળી જવાનું છે – ડૉ મનોજ જોશી

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું,
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે,
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

જરા મુશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

-ડૉ. મનોજ જોશી ‘મન’

Res Ipsa Loquitur !

Comments (12)

ખૂબ અઘરું છે – મનોજ જોશી

manoj joshi_book

દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

કોઈ માંગે ને આપો કંઈ એ જુદી વાત છે કિન્તુ
પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ,
લગોલગ ચાલતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે;
નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

– મનોજ જોશી

જામનગરના તબીબ-કવિમિત્ર મનોજ જોશી જેટલી ધમધોકાર પ્રેક્ટિસ કરે છે એટલા જ શાંતિથી ગઝલ સાધના કરે છે.  સોની દાગીનો ચકાસે એમ જનાબ એક પણ શેર રચનામાં નબળો ન આવી જાય એની બાકાયદા કાળજી રાખે છે. એમની ગઝલ-સંનિષ્ઠતા ઇર્ષ્યા જગાવે એવી છે. મહેફિલમાં સાવ લૉ-પ્રોફાઇલ બેઠા હોય અને પછી એક-એક શેરને તોળી-તોળીને એવી અદાથી રજૂ કરે કે સભા આખી ડોલી ઊઠે.

“ખૂબ અઘરું છે” રદીફ લઈને કવિના હમનામ મનોજ ખંડેરિયાએ પણ એક ગઝલ લખી છે. એ પણ આ સાથે માણવા જેવી છે.

જે શાંતિથી કવિ કવિતા કરે છે એ જ શાંતિથી એમણે પોતાનો ગઝલસંગ્રહ “ભીતરના અવાજો” પ્રકાશિત કરી દીધો. કયા કારણોસર આ સંગ્રહ વિશેની જાણકારી અહીં આપવામાં આટલો વિલંબ થયો એ જણાવવું ખરેખર ખૂબ અઘરું છે

લયસ્તરો તરફથી કવિને “ભીતરના અવાજો” સંગ્રહ માટે અનેકાનેક શુભકામનાઓ…

 

Comments (15)

ગઝલ – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો ?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો ?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો ! કે ઘોડો પલાણી શકો છો !

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો ?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

એક-એક શેર પર એક-એક યુગ જેટલી સાધના કરનાર ચંદ ગઝલકારોમાં મનોજ જોશી મોખરાના સ્થાને આવે છે. દર્પણવાળો શેર જરા જુઓ… કવિ કહે છે કે તમે દર્પણમાંથી બહાર આવતા જ નથી. અર્થાત્ તમે તમારી પોતાની જાત સિવાય બીજું કશું જોતાં જ નથી ને જોવા તૈયાર પણ નથી… ‘જરા’ બહાર નીકળીએ તો બીજાને જોઈ-વખાણી શકાય ને ? અને વહેતીપળોવાળો શેર તો ગુજરાતી ગઝલમાં અજરામર થવા સર્જાયો છે… વહી જતી જિંદગીનું ધ્યાન રાખવામાં ને રાખવામાં આપણે ક્યાંક જિંદગીને માણવાનું જ તો ચૂકી નથી જતા ને?

ગઝલના દરેક શેર ‘તમે’થી શરૂ થઈ ‘શકો છો’ પર પૂરા થાય ત્યારે એમ માનવાનું મન થાય કે આ ગઝલમાં માથે-પૂંછડે બબ્બે રદીફ છે.

Comments (14)

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

Comments (24)

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

પલાંઠી લગાવીને બેઠો – ડૉ. મનોજ જોષી ‘મન’

ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?

કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.

સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?

– ડૉ. મનોજ જોષી ‘મન’

સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !

Comments (7)

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

Comments (15)

તરાપો – ડૉ. મનોજ જોશી ‘મન’

હજી છોડી શક્તો નથી હું તરાપો,
મને ડૂબવા કોઈ વરદાન આપો.

તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.

મને કૈંક શાતા વળે રોમેરોમે,
ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.

કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.

ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

ગઝલકારોના અડાબીડ ફાટી નીકળેલા જંગલમાં બહુ જૂજ ઝાડવાં એવાં છે જે જંગલની શાન બની શકે એવાં છે. મનોજ જોશીનું નામ આ યાદીમાં ચોક્કસ મૂકી શકાય.  પ્રસ્તુત હમરદીફ-હમકાફિયા ગઝલમાં એમણે જે રીતે કાફિયા પ્રયોજ્યા છે એ જોઈએ એટલે તરત જ આ વાત સમજી શકાય. છેલ્લો શેર તો કાળાતીત થવા સર્જાયો છે…

Comments (12)

ન તારી ન મારી – ડૉ. મનોજ જોશી ‘મન’

ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિ મનોજ જોશીની એક ધાંસૂ ગઝલ. પાંચમાંથી એક પણ શેર એવો નથી જેને નબળો ગણી શકાય અને પાંચમાંથી એકેય એવો નથી જેને બીજાથી વધુ ચડિયાતો ગણી શકાય… હા, મને એક પ્રશ્ન થયો… કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…

Comments (10)

ગઝલ – ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.

આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !

– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…

Comments (25)