શબનમ ખોજા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 28, 2022 at 10:50 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!
માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!
છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!
એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.
એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.
મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!
– શબનમ ખોજા
આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…
Permalink
October 15, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!
પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!
આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!
– શબનમ ખોજા
સરળ બાનીમાં ઘણીવાર જે વાત થઈ જાય છે, એ કરવામાં ક્લિષ્ટ શબ્દો અને ભારઝલ્લા વિશેષણો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. પ્રસ્તુત ગઝલ એનો પ્રત્યક્ષ દાખલો છે. લગભગ બધા જ શેર સહજસાધ્ય અને મનનીય થયા છે. અભિવ્યક્તિની મૌલિકતા પણ ઘણીવાર ગઝલનું જમા પાસું બનતી હોય છે. એક વાત જે અગાઉ હજારો વાર કહેવાઈ, સંભળાઈ ચૂકી હોય એ જ વાત પણ અંદાજે-બયાં મજબૂત હોય તો સાવ તરોતાજા લાગે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. શેર યાદ આવે- વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને. આ જ વાત શબનમની ગઝલમાં આવે છે ત્યારે કેવી નવીન લાગે છે! કવિતાની આ મજા છે…
Permalink
October 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
પ્રથમ છોડ રૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતી ઉખાડે છે કોઈ!
જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !
વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ’ ને ફૂલો અડાડે છે કોઈ.
– શબનમ
કલાપીની અમર પંક્તિ -‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’- યાદ આવી જાય એવો મજાનો મત્લા. પણ ખરી મજા તો પ્રિયજનની પ્રતીક્ષામાં કમાડે ટકોરાના ભણકારા સાંભળતા કાન આંખનું કામ કરતા થઈ ગયા હોવાનો જે ઇન્દ્રિયવ્યુત્યય કવયિત્રી લઈ આવ્યાં છે એમાં છે. વાંસળીવાળાની ધૂન પર મદહોશ થઈ દોરાતા ઉંદરોની વાર્તા યાદ કરાવતો શેર તો સ-રસ જ થયો છે, પણ મક્તા તો ભઈ, વાહ! આમ તો ફૂલ પર ઝાકળ હોય એટલે ઝાકળ ફૂલોને અડતી હોય એવું આપણને લાગે પણ તિર્યક દૃષ્ટિએ જગત જુએ નહીં એ કવિ શાનો? અહીં ફૂલને ઝાકળ નહીં, ઝાકળને ફૂલ કોઈક અડાડી રહ્યું છે અને ફૂલના બદલે ઝાકળ ખીલી ઊઠ્યું છે, સૉરી ‘શબનમ’ ખીલી ઊઠી છે!! પોતાના નામનો કેવો અર્થસભર અને ચપોચપ પ્રયોગ!
Permalink
June 7, 2019 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
યાદ આવ્યા તું અને તારી વફા
એટલે મેં હોઠ બે સીવી લીધા.
સાંજ સાથે રોજ ઢળતી એષણા
સૂર્ય ઉગતા રોજની પાછી જફા !
શું કીધું ? એની કથા બેદાગ છે ?
કેટલા ભ્રમ પાળશો રોજે નવા !
એક મિસરો માંડ જ્યાં બોલ્યા અમે
સ્તબ્ધતામાં જઈ સરી આખી સભા
જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!
– શબનમ
સરળ અને સહજ. ગઝલમાંથી પસાર થતાં સમજાય છે કે ગઝલ સહજભાવે આવી હશે અને આયાસ ઓછા કરવા પડ્યા હશે, એટલે ટાંકા-ટેભા ઓછા નજરે ચડે છે. વફાની વ્યાખ્યા કવયિત્રી ખૂબ સરસ રીતે બે જ પંક્તિમાં આપે છે : સામું પાત્ર વફા નિભાવી જાણે કે ન જાણે, નાયિકા નિભાવી જાણે છે -બખૂબી…!
Permalink
February 7, 2019 at 5:00 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
તારું પાક સ્મરણ હો કાયમ
પલકારા- ધબકારા વચ્ચે.
ઇચ્છાઓ જીવી ગઈ આખર
હોંકારા-પડકારા વચ્ચે!
શબ્દો સઘળા રઝળી ગયા છે
કાગળ ને હલકારા વચ્ચે!
અત્તર માફક મહેકો છો તે-
કોણ અડ્યું અંધારા વચ્ચે !
સાન સમૂળી ખોઈ બેઠા
ભ્રમણા ને ભણકારા વચ્ચે.
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
– શબનમ
ટૂંકી બહેરની ગઝલોમાં આવું મજાનું કામ ઓછું જ જોવા મળે છે. ઇચ્છાઓ વિશે વાત કરતા બે શેર છે, બંને શેર એકદમ સમાનાર્થી પણ છે, ને તે છતાંય બંને અલગ આભા જન્માવે છે. સંજોગો કોઈ પણ હોય, ઇચ્છાઓ અવિનાશી જ હોવાની. ઈશ્વરમાં ધ્યાન લગાવીને બેઠા હો કે દુનિયાના હોંકારા-પડકારાઓની વચ્ચેથી માર્ગ કાઢવાનો હોય, મન મર્કટ કદી ઇચ્છાતીત થઈ શકતું જ નથી.
Permalink
December 14, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.
લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.
તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં
– શબનમ ખોજા
વડોદરા ખાતે તાજી અને કસાયેલી કલમોના સહિયારા સાહિત્યીક સંમેલનમાં ગઝલો વિશેની પ્રશ્નોત્તરી કદાચ કવિજીવનનું શ્રેષ્ઠ પાનું હતું. તાજી કલમોની રજૂઆત પણ સ્પર્શી ગઈ પણ બુરખો વીંટાળેલા નમણા ચહેરા સાથે એક છોકરી મંચ પર આવી ત્યારે એની બૉડી-લેન્ગ્વેજમાંથી ટપકતો આત્મવિશ્વાસ સભાગૃહને રજૂઆત કરતાંય પહેલાં સ્પર્શી ગયો. અત્યંત મીઠા સ્વરે એણે જે ભાવવાહી ઢબે અને પૂર્ણ અદબથી પઠન કર્યું એ કદાચ આખા કવિસંમેલનની સૌથી અગત્યની કડી હતી. એણે બધા કવિઓમાં સૌથી વધુ દાદ મેળવી. એણે સૌથી વધુ દાદ કેમ મેળવી એની જુબાની તો આ ગઝલના દરેક શેર પાસેથી જ મળી રહેશે… લયસ્તરો પર સ્વાગત છે, કવયિત્રી… સ્નેહકામનાઓ…
Permalink