બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ આચાર્ય

રમેશ આચાર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

ચંદ્ર ૫૨ – રમેશ આચાર્ય

સૂર્યોદયની ચર્ચા થોડી,
કરવી પડશે વહેલી-મોડી.

ધરતી ફાડી અંકુર ફૂટ્યો,
રહેતું સચરાચર કર જોડી.

દરિયાનાં મોજાં મસમોટાં,
લાવે કાંઠે ફૂટી કોડી.

રેતીના કૂબા કૈં પાડી,
સાગરની હદ શિશુએ તોડી.

ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
રહેશે ગઝલ પહેલાં ખોડી.

– રમેશ આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.

જીવનમાં દુઃખ-મુસીબતોની રાત વધુ પડતી લાંબી થઈ જાય ત્યારે સુખનું સવાર ઊગશે કે કેમ એ વિશે વહેલા-મોડા પણ વાત-વિચાર-પ્રયત્ન કરવા જરૂરી થઈ પડે છે. બીજમાંથી ફૂટતો અંકુર ધરતી ફાડીને બહાર નીકળે એ સંસારનું સૌથી મોટું કૌતુક છે. આ એક એવો ચમત્કાર છે, જેની સામે સચરાચર નમી જાય છે. નામ બડે ઔર દર્શન ખોટેની વાત કહેતો ફૂટી કોડીવાળો શેર પણ મજાનો થયો છે. મોટાઓની અલ્પતાની વાત કર્યા પછી તરત જ નાનાઓની મોટાઈની વાત કરતો શેર પણ આસ્વાદ્ય બન્યો છે. સરવાળે મજાની ગઝલ.

Comments (6)